અમદાવાદ : અસારવા રેલ્વે યાર્ડ પાસે રીક્ષા ચાલકને છરીના ઘા મારી લૂંટ ચલાવી

શાહીબાગ પોલીસે અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં ચાઇના ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ગત મોડી રાતે એક રીક્ષા ચાલકને છરીના ઘા મારી લૂંટ ચલાવી હતી. મુસાફરીના સ્વાંગમાં ત્રણ બદમાશો કાલુપુરથી ચિલડા જવાનું કહી બેસી રીક્ષામાં બેઠા હતા. ત્યાર બાદ અસારવા રેલવે યાર્ડ પાસે લઇ જઇ છરીના ઘા મારી લૂંટ ચલાવી હતી. આ મામલે શાહીબાગ પોલીસે ફરિયાદ નોંધી ફરાર ત્રણ શખ્સોને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.

શહેરકોટડા વિસ્તારમાં નરોડા રોડ પર ફ્રૂટ માર્કેટ પાસે આવેલી મુનશીની ચાલીમાં રહેતો રામપ્રતાપસિંગ ભદોરીયા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. કાલુપુર રેલવે સ્ટેશન સહિત અલગ અલગ જગ્યાએ રિક્ષામાં પેસેન્જર લઈ ફેરા કરે છે. સોમવારે રાતે કાલુપુર રેલવે સ્ટેશન પાસે પેસેન્જરની રાહ જોઇને તેઓ ઉભા હતા. દરમ્યાનમાં 25 વર્ષની ઉંમરના 3 શખ્સ આવ્યા હતા. નાના ચિલોડા જવાનું કહી અસારવા ખાતે એક ભાઈને ઉતારવાનો છે અને ટિફિન લઈ એક ભાઇને લેવાનો છે એમ કહ્યું હતું.

જેથી રિક્ષામાં બેસી તેઓ અસારવા રેલવે યાર્ડ પાસે જૂની પોલીસ લાઈન પાસે લઈને આવેલા જ્યાં રિક્ષામાંથી ત્રણેય લોકો ઉતરી ગયા હતા. પેસેન્જર તરીકે બેસેલા શખ્સઓએ છરી બતાવી કહ્યું હતું કે તારી પાસે જે કંઈ પણ હોય એ આપી દે નહિ તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપી હતી. ગાળો બોલી આ શખ્સઓએ ખિસ્સામાંથી મોબાઈલ ફોન, રોકડા રૂપિયા પાકીટ વગેરે લઈ લીધું હતું. જતા જતા તેઓએ રિક્ષાચાલકને છરીના ઘા મારીને નાસી ગયા હતા. એક રાહદારી ત્યાંથી નીકળતા જોઈ ગયો હતો અને ઈજાગ્રસ્ત રામપ્રતાપસિંગને સારવાર માટે 108માં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શાહીબાગ પોલીસે આ મામલે ત્રણ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ત્યારે અસારવા વિસ્તારના ચાઇના ગેંગે આ લૂંટ ચલાવી હોવાનું સ્થાનિક સૂત્રો દ્વારા જણાવવમાં આવી રહ્યું છે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી