અમદાવાદ : GRDના બનાવટી કાર્ડ સાથે સાત યુવકોની ધરપકડ

બોગસ કાર્ડ સાથે જીઆરડીના યુનિફોર્મમાં ફરજ બજાવતા, અસલાલી પોલીસે હાથ ધરી વધુ તપાસ

અમદાવાદમાં GRDના બનાવટી કાર્ડ સાથે સાત યુવકોની અસલાલી પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ GRDનો સંપૂર્ણ ડ્રેસ સાથે અસલાલી પોલીસ ખાતે ફરજ પર આવી જતા હતા. આરોપીઓએ એક કર્મચારી મારફતે જીઆરડીના બોગસ કાર્ડ બનાવી દીધા હતા. જો કે આ અંગે ખુલાસો થતાં બનાવટી કાર્ડ સાથે એકસાથે સાત યુવકોને દબોચી અસલાલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છએ.

અમદાવાદ ગ્રામ્યમાં જીઆઇડીના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જાલુસિંહ ચૌહાણે અસલાલી પોલીસ સ્ટેશનમાં સુનિલ પરમાર, વિશાલ પરમાર, હાર્દિક પરમાર, મહેશ પરમાર, જશવંત મકવાણા, મનિષ પ્રજાપતિ, જીતુ અને અમિત રાવલ વિરુદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ, આરોપીઓ બનાવટી ગ્રામ્ય રક્ષક દળના બોગસ કાર્ડ મારફતે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા.

જાલુસિંહ ચૌહાણ પાંચમી જુલાઇના રોજ બળિયાદેવના મંદિર રવિવારના મેળાનો બંદોબસ્ત હોવાથી જીઆરડી જવાનોને ચેક કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓને જાણવા મળ્યું હતું કે, અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરજ પર આવતા કેટલાક જીઆરડીના જવાનો બોગસ કાર્ડ બનાવીને આવી રહ્યા છે. જે આધારે નાઈટ રાઉન્ડમાં પેટ્રોલિંગમાં નીકળીને જીઆરડીના યુનિફોર્મમાં હજાર ચારેય ઈસમોની પૂછપરછ કરી તેમના આઇ કાર્ડ તપાસતા તે બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું.

આરોપીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમણે આ કાર્ડ વટવાના જસવંત મકવાણા, વિવેકાનંદનગરના રહેવાસી મનીષ પ્રજાપતિની મદદથી સાણંદના અમિત રાવલ પાસે બનાવ્યા છે. અમિત રાવલ અગાઉ લાલ દરવાજા ગ્રામ્ય રક્ષક દળની ઓફિસમાં નોકરી કરતો હતો. આરોપીઓએ આ આઇ કાર્ડ રૂપિયા 15 હજારમાં બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આઇકાર્ડ નંબરના આધારે કૌભાંડનો પર્દાફાશ થયો છે. આઇકાર્ડ ઉપર લખેલા નંબરના આધારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જે નંબર આઈ કાર્ડમાં લખવામાં આવ્યો છે તે અસલાલીમાં ફરજ બજાવતા જીઆરડીના જવાનોનો નહીં પરંતુ સાણંદ તેમજ ધોળકા જિલ્લાના જીઆરડી જવાનનો છે. નંબરને સર્વીસ બુકમાં ચેક કરતા તે અન્ય લોકોને ફાળવેલા હોવાનું સામે આવ્યુ છે. અમિત રાવલ અને અન્ય બે આરોપીઓએ અત્યારસુધીમાં અનેક લોકોને જીઆરડીના બનાવટી કાર્ડ બનાવીને આપ્યા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. હાલ તેમની ધરપકડ કરીને બીજા કેટલાક લોકોને કાર્ડ આપ્યા તેના નામ જાણવા માટે તજવીજ શરુ કરી છે.

 85 ,  1