એશિયાની જાણીતી સાયન્ટિફિક રિસર્ચ કંપનીમાં ભીષણ આગ…

ભીષણ આગને કારણે કરોડો રૂપિયાનું નુકશાન..

વડોદરા જિલ્લામાં આવેલી અને એશિયામાં નામના મેળવનાર જે ડી એમ સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતા સાવલી નગરપાલિકા અને નંદેશરી જીઆઇડીસીના ફાયર ફાયટરોએ સતત સાતથી આઠ કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.

મળેલી માહિતી અનુસાર ,વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે કાર્યાન્વિત કરવામા આવેલી એશિયાની નામાંકિત લેબોરેટરી જે.ડી.એમ રિસર્ચ સેન્ટરમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી.આગના બનાવને પગલે હાજર કર્મચારીઓમા ભાગદોડ મચી ગઈ હતી.જ્યારે આગ ખુબ જ અંદરના ભાગે લાગેલ હોવાના કારણે કંપની મેનેજમેન્ટ દ્વારા સમગ્ર ઘટના ઉપર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ભીષણ આગને કારણે કરોડો રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ છે.

પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે જ્યારે આગને કારણે લેબોરેટરીના અનેક મશીનો બળીને ખાખ થઈ ગયા છે. આગ બુઝાવવા સતત સાતથી આઠ કલાક સમય લાગ્યો હતો તેમ નંદેશરી ફાયર બ્રિગેડના ફાયરમેન કિશનભાઇએ જણાવ્યું હતું.આગમાં કોઈ જાનહાની થયાના અહેવાલ મળ્યા નથી. બનાવના પગલે સાવલી તેમજ હાલોલના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. પરંતુ આગ કાબુમાં આવતી નહીં હોવાથી વડોદરા ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. ત્યાર પછી ત્રણેક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.

 202 ,  3