કોંગ્રેસ નારાજ નેતાઓના કરશે મનામણા , લોકસભા માટે મુરતિયા મળવા માટે અસમંજસ

લોકસભાની ચૂંટણી આવતાં જ ગુજરાતમાં તોડજોડની રાજનીતિ શરુ થઇ છે.કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપની કંઠી પહેરવા માંડયા છે.અત્યાર સુધીમાં જવાહર ચાવડા,પુરષોતમ સાબરિયા સહિતના ધારાસભ્યો કેસરિયો ખેસ ધારણ કરી ચૂક્યા છે. આ જોતાં કોંગ્રેસ હાઇકમાન્ડે હવે ગુજરાત કોંગ્રેસ નેતાગીરીને ડેમેજ કંટ્રોલ કરવા આદેશ કર્યો છે જેના પગલે હવે નારાજ નેતાઓને મનાવવાનો દોર શરુ થશે.

કોંગ્રેસમાં સંગઠન અને ચૂંટાયેલી પાંખ-ધારાસભ્યો વચ્ચે મનમેળ નથી. સંગઠનમાં નિમણૂંકો માટે પણ ધારાસભ્યોની રાય લેવાઇ નથી તેવી ફરિયાદો ઉઠી છે.હજુય આંતરિક વિખવાદ ચરમસિમાએ છે ત્યારે ધારાસભ્યો કોંગ્રેસની વંડી ઠેકી રહ્યાં છે પરિણામે ડેમેજકંટ્રોલ નહી કરવામાં આવે તો,હજુય કોંગ્રેસમાંથી કેટલીક વિકેટો પડી શકેછે.

મળતી માહિતી અનુસાર સૂત્રોના મતે,ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ નારાજ નેતાઓ ફરી એક વાર કેસરિયો ખેસ ધારણ કરી શકે છે. આ શક્યતાને જોતાં હાઇકમાન્ડે અગમચેતીના ભાગરુપે જ ડેમેજકંટ્રોલ કવાયત તેજ કરવા સૂચના આપી દીધી છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ઘણાં નેતાઓ તો કામે લાગી ચૂક્યા છે. આ ઉપરાંત ભાજપના નારાજ નેતાઓ જો કોંગ્રેસમાં આવે તો તેમને પક્ષમાં લાવવા પ્રયાસો કરવા જણાવી દેવાયુ છે. આમ,કોંગ્રેસમાં નારાજ નેતાઓને મનાવવાનો દોર શરુ થશે.

તો આ તરફ દિલ્હીમાં લોકસભા માટે મૂરતિયા શોધવા મંથન જારી કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસ હાઇકમાન્ડે અત્યાર સુધી ગુજરાતની ચાર બેઠકોના ઉમેદવારો ઘોષિત કરી દીધાં છે.હવે બાકીની ૨૨ બેઠકો માટે મૂરતિયાઓ શોધવા દિલ્હીમાં મથામણ ચાલી રહી છે.સૂત્રોના મતે,ગુજરાતની આઠેક બેઠકો પર આવતીકાલે મોડી સાંજ સુધીમાં ઉમેદવારો જાહેર થઇ શકે છે.

આ માટે મોડી રાત સુધી સ્ક્રિનીંગ કમિટીની બેઠક ચાલી હતી જેમાં અમૂક બેઠકો પર હજુ અસમંજસની સ્થિતી ઉભી થઈ છે મંગળવારે દિલ્હીમાં મોડી રાત સુધી સ્ક્રિનીંગ કમિટીની બેઠક ચાલી હતી. ગુજરાતની અમુક બેઠકો પર પેનલમાંથી ઉમેદવાર નક્કી કરવા ઘણી જ મથામણ કરવી પડી હતી. જે તે બેઠક પર રાજકીય-સ્થાનિક સમીકરણોને અંતે એક ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી. બુધવારે કોંગ્રેસની વધુ એક યાદી જાહેર થઇ શકે છે જેમાં ગુજરાતની આઠેક બેઠકો હશે .તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે

સાથે જ આ જાહેર થતી યાદીમાં સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતના ઉમેદવારો આ યાદીમાં હોઇ શકે છે. હજુય અમુક બેઠકો એવી છે જયાં અસમંજસની પરિસ્થિતીનુ નિર્માણ થયુ છે.આ વખતે તો દસેક ધારાસભ્યોએ સાંસદની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી છે. હવે કઇ બેઠકો પર કયા ઉમેદવાર હશે તે જાણવા અત્યારથી જ કોંગ્રેસીઓમાં ઉત્સુકતા જન્મી છે.

 137 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી