ચાંદખેડામાં ગેરકાયદેસર બાંધકામ હટાવવા સામે વિરોધ, માપણી ખોટી રીતે કરાઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

અધિકારીઓ જાણકારી વિના જ કપાત માર્ક કરીને જતા રહ્યાં

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં AMC દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં રહિશોએ વિરોધ નોંધાવ્યો છે. વાળીનાથ ચોકથી સોનાનગર અને નિલકંઠ મહાદેવ રોડ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવામાં આવી રહ્યું છે ત્યારે રોડ પર આવેલી 25 જેટલી સોસાયટીના રહીશોને રોડ નીકળતો હોવાથી મકાન કપાતમાં જતાં હોવાની નોટિસ આપવામાં આવી છે.

સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, રોડ પર વર્ષોથી સોસાયટીઓ બનેલી છે અને સામે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન આવેલા છે. જેમાં રોડને અડીને ખાલી પ્લોટ છે જ્યાં ગેરકાયદે બાંધકામ છે છતાં તેને તોડવાની જગ્યાએ અમારા મકાનોની જગ્યાઓ પર માર્ક કરી તોડવાની નોટિસ આપવામાં આવી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે, રોડની માપણી ખોટી રીતે કરી અને જે કાયદેસર બાંધકામ છે તેમાં દર વખતે અલગ અલગ માપણીના નામે માર્ક કરી દેવામાં આવે છે. આ માટે અમે ઉગ્ર વિરોધ નોંધાવીશું અને કોર્ટમાં પણ લડી લેવા માટે તૈયાર છીએ.

પશ્ચિમ ઝોનના એસ્ટેટ અધિકારીએ જણાવ્યું હતું કે, ટીપી સ્કીમમાં જે રીતે સરકાર મંજૂર કરે તે મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. જેના રેવન્યુ રેકોર્ડ 7/12માં ઉતારામાં નામ છે તેઓને નોટિસ આપવામાં આવે છે, બાકી જાહેર નોટિસ આપવામાં આવે છે. હાઉસિંગ બોર્ડ તરફ કપાત અંગે તેઓએ જણાવ્યું હતું, સરકાર જે રીતે ટીપી ફાઇનલ કરે તે રીતે હોય છે.

સ્થાનિકોએ કહ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલા રોડની માપણી કરવામાં આવી હતી. તે સમયે એકદમ ચોખ્ખી માપણી થઈ હતી. માપણીમાં સોનાનગર તરફની સોસાયટીઓમાં 8 ફૂટ અને ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફ 12.5 ફૂટ રોડ કપાતમાં જાય છે. આ છતાં રોડ કપાત માત્ર એક તરફ એટલે કે સોસાયટી તરફ કરવામાં આવી રહ્યું છે.

દોઢ કિલોમીટરના રોડમાં હાઉસિંગ બોર્ડ તરફ 50થી 100 જેટલા મકાનો-દુકાનો બહાર રોડ સુધી આવી ગયા છે. જે ગેરકાયદેસર છે જેને પહેલા તોડવાની માગણી છે. માપણી ખોટી રીતે કરવામાં આવી રહી છે. રોડ કપાત એક લાઈનમાં હોવા છતાં અલગ અલગ માપ કરે છે. 20 વર્ષ પહેલાં બિલ્ડરે મકાનો બનાવ્યા હતા ત્યારે 20 વર્ષ સુધી કોઈ કોર્પોરેશનના અધિકારી જોવા ન આવ્યા અને હવે આ ગેરકાયદેસર માલિકી છે કહી AMC કપાત કરે છે. જેનો અમે વિરોધ કરીએ છીએ.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાળીનાથ ચોકથી સોનાનગર સુધી કરેલા રોડ કપાત માર્કિંગમાં બે સ્કૂલો અમે 4 રેસિડેન્સીયલ ફ્લેટનો પણ સમાવેશ થાય છે. ફ્લેટના આગળના 5 ફૂટ કપાત અને અડધી સ્કૂલ કપાતમાં જઈ રહી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે, ત્યાં રોડની કપાત ન કરવામાં આવતા તેઓને બચાવવામાં આવતા હોવાનો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે.

 63 ,  2