છત્તીસગઢના IPS જી.પી.સિંઘ સામે રાજદ્રોહનો કેસ

સરકાર સામે ષડયંત્ર રચવાનો લગાવ્યો આરોપ

છત્તીસગઢના વરિષ્ઠ આઈપીએસ અધિકારી જી.પી.સિંઘ સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે ACBએ રાયપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. તાજેતરમાં જ ACBને જી.પી.સિંઘ અને તેના નજીકના લોકોના ઘરે દરોડા દરમિયાન કેટલાક પત્રો મળ્યા હતા. હાલ સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારી ફરાર છે.

મહત્વનું છે કે, 1 જુલાઇએ એસીબીની ટીમે વરિષ્ઠ આઈપીએસ જી.પી.સિંઘ અને તેમના નજીકના લોકોના લગભગ 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં એસીબીએ તેના ઘરમાંથી ઘણા પત્રો અને પેન ડ્રાઇવ મળી હતી. જેમાં એસીબીને સરકાર વિરુદ્ધ કાવતરાના પુરાવા મળ્યા હતા. આ કાર્યવાહી બાદ રાજ્ય સરકારે સિંઘને સસ્પેન્ડ કરી દીધા હતા.

રાયપુર જિલ્લાના પોલીસ સ્ટેશનના અધિક્ષક અજય યાદવે એન્ટી કરપ્શન બ્યુરોના પત્રના આધારે સસ્પેન્ડેડ એડિશનલ ડિરેક્ટર જનરલ પોલીસ ગુરજિંદર પાલસિંહ ઉર્ફે જી.પી.સિંઘ સામે દેશદ્રોહનો કેસ નોંધ્યો છે. યાદવે જણાવ્યું કે, એસીબીએ પોલીસને જાણ કરતો પત્ર લખ્યો હતો કે સિંઘના નિવાસની તલાશી દરમિયાન ઘરના પાછળના ભાગમાં કાગળના કેટલાક ફાટેલ ટુકડાઓ મળી આવ્યા હતા.

જ્યારે આ ટુકડાઓ ફરીથી ગોઠવવામાં આવ્યા ત્યારે કેટલાક ગંભીર અને સંવેદનશીલ તથ્યો પ્રકાશમાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એસીબીના જણાવ્યા મુજબ આ કાગળો પ્રતિષ્ઠિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અંગે અનિયંત્રિત અને વાંધાજનક ટિપ્પણીઓ છે અને ષડયંત્રકારી યોજનાઓ વિશે લખવામાં આવ્યા છે. આમાં રાજ્યના વિવિધ વિધાનસભા મત વિસ્તારના પ્રતિનિધિઓ / ઉમેદવારો સંબંધિત ગુપ્ત માહિતી છે અને તે વિસ્તારને લગતા ગંભીર મુદ્દાઓ ઉપર ટિપ્પણીઓ કરવામાં આવી છે. આ સાથે સરકારની વિવિધ યોજનાઓ, નીતિઓ અને સામાજિક, ધાર્મિક મુદ્દાઓ પર પણ ગંભીર ટિપ્પણીઓ કરવામાં આવી છે.

 73 ,  1