જૂનાગઢમા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલો, AAPએ કહ્યું- ભાજપના ઇશારે થયો હુમલો

 હુમલાખોરો સામે પગલા લેવા CM અરવિંદ કેજરીવાલની માંગ

આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી, મહેશ સવાણી પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર જૂનાગઢના લેરિયા ગામમાં આમ આદમી પાર્ટીના આગેવાન ઈસુદાન ગઢવી, મહેશ સવાણી સહિતના આગેવાનો પર અજાણ્યા શખ્સો દ્ધારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો હતો.

મળતી માહિતી અનુસાર જૂનાગઢના વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વિસાવદરના લેરીયા આપ પાર્ટીની સભા યોજાય તે અગાઉ આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ આપ પાર્ટી નેતા ઈશુદાન ગઢવી, મહેશ સવાણીની ગાડીના કાચ તોડ્યા હતા. હુમલાખોરોએ પાંચથી સાત ગાડીઓના કાચ તોડ્યા હતા. બે લોકોને પથ્થરમારામાં ઇજા પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આપના નેતાઓ પર હુમલો થયો હતો. હુમલાને પગલે આપ પાર્ટી દ્ધારા લેરિયાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

આ ઘટનાના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ અંગે ટ્વીટ કરીને તેને વખોડ્યો છે તેમજ હુમલાખોરો સામે પગલા લેવા કહ્યુ છે. આપ દ્વારા આ હુમલો ભાજપના ઈશારે કરાયો હોવાનો આરોપ મૂકાયો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપની ધમાકેદાર એન્ટ્રી અને વધી રહેલા જનાધારના કારણે ભાજપ ડરી ગઈ હોવાનો દાવો આપના નેતાઓ દ્વારા કરાયો છે. તો આ અંગે ઈસુદાન ગઢવીએ કહ્યુ કે, ભાજપ પ્રેરિત ગુંડાઓએ આ હુમલો કર્યો છે. 

મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ જ આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સોમનાથ મંદિરની બહાર ધક્કે ચડાવ્યાનો મામલો સામે આવ્યો હતો. ગોપાલ ઇટાલિયાએ આ મામલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ભાજપ પ્રેરીત લોકોએ હુમલો કર્યાનો ગોપાલ ઇટાલિયાનો દાવો કર્યો હતો. આપના ઇસુદાન અને ગોપાલ ઇટાલીયા સોમનાથ દર્શને પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલીયાનો સમસ્ત બ્રહ્મ સમાજ અને હિંદુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. મંદિર પરિસરમાં ગોપાલ ઈટાલિયા પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ અગાઉ સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની હાજરીમાં સવાણી પાર્ટીમાં જોડાયા હતા. સિસોદિયાએ મહેશ સવાણીને આપ માં આવકાર આપ્યો હતો. મહેશ સવાણી પાટીદાર આગેવાન અને સમાજ સેવક છે. મહેશ સવાણીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી સેંકડો દીકરીએનાં લગ્ન કરાવ્યા છે. કોરોના કાળમાં સૌરાષ્ટ્રમાં જનરેટર પહોંચાડી મહેશ સવાણીએ સેવા બજાવી છે.

 94 ,  1