દયાહીન માતાની ક્રૂરતા : બાળકીને કપડામાં વીંટીને બાદમાં ધૂળ નાખી દીધી

ફૂલ જેવી બાળકીને તરછોડી મૂકનાર માતા સામે ધિક્કાર

માનવતાને શર્મશાર કરતી ઘટના રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ગામડામા પ્રકાશમાં આવી છે. જનનીને લાંછન લાગે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. વાત સાંભળીને પણ રુવાટા ઉભા થઇ જાય તેવો બનાવ સામે આવ્યો છે. એ દયાહીન માતા કેવી હશે કે તેને બાળકીને કપડામાં વીંટીને બાદમાં ધૂળ પણ નાખી દીધી હતી. જો કે રામરાખે તેને કોણ ચાખે આ કહેવત યથાર્થ સાબિત થઈ છે. દ્રશ્યોમાં જોઇ શકાય છે કે બાળકીના શરીર પર ધૂળ છે. આ છતાં બાળકી બચી ગઈ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, પડધરીના નાની ખીજળિયા ગામના તળાવ નજીક એક નવજાત બાળકી મળી આવી હતી. બાળકીને લાલ કપડામાં વીંટાળી તળાવ નજીક મૂકી દઈ તેના પર ધૂળ નાખી દેવામાં આવી હતી, પરંતુ બાળકી જીવતી હોવાથી ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારીની નજર તેના પર પડી અને તેણે કપડું ખોલી જોતાં એમાંથી બાળકી મળી આવી હતી, તેથી ગ્રામજનો દ્વારા તળાવ નજીક તાજી જન્મેલી બાળકીને મૂકી ગયું હોવાની જાણ તરત 108ને કરવામાં આવી હતી.

તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરાતાં પાયલોટ, ઇએમટી ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને બાળકીને 108માં જ ઓક્સિજન પૂરો પાડીને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જરૂરી સારવાર આપી બાળકીને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અંબા બાદ ફરીવાર એક ત્યજેલી બાળકી મળી આવી છે.

 101 ,  1