September 19, 2021
September 19, 2021

પરિવારો ઉજાડતા બેફામ ટ્રક ચાલકો..! જસદણ-ગોંડલમાં ઘરના મોભી વ્યક્તિના મોતથી પરિવાર અંધકારમાં

માંતેલા સાંઢની માફક અનેક પરિવારોને ઉજાડતા ફરી રહ્યાં છે ટ્રક ચાલકો

રાજ્યમાં બેફામ રીતે હંકારતા ટ્રક ચાલકોના કારણે અનેક પરિવારો ઉજડી રહ્યા છે. સતત આ પ્રકારના અકસ્માતોની ઘટના સામે આવી રહી છે. હજી તો બે દિવસ પહેલા પાટણમાં બેકાબૂ ટ્રકે બાઈક ચાલક યુવાનને કચડતા પરિવારે પોતાનો લાડકવાયો દિકરો ગુમાવ્યો હતો.

ત્યાં આજે દિવસની શરૂઆતમાં જ બે અકસ્માતની ઘટના બની છે. આ બન્ને ઘટનામાં ઘરના મોભી વ્યક્તિના મૃત્યુ થતા પરિવારમાં અંધકાર છવાઈ ગયો છે. ગુજરાતમાં ચિક્કર દારૂપીને બેફામ હેવી વાહનો ચલાવતા ડ્રાઈવરો માંતેલા સાંઢની માફક અનેક પરિવારોને ઉજાડતા ફરી રહ્યાં છે.

આજના પ્રથમ બનાવની વાત કરીએ તો જસદણની ગઢડીયા ચોકડી પાસે ટ્રકે બાઈકસવારને કચડ્યો હતો. માથા પર તોતિંગ વ્હિલ ફરી વળતા પ્રૌઢના માથાની ખોપરી બહાર નીકળી જતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બીજી ઘટનાની વાત કરીએ તો ગોંડલના જૂના માર્કેટ યાર્ડના દરવાજા પાસે અજાણ્યા પ્રૌઢ પર ટ્રક ફરી વળતા ઘટનાસ્થળે જ પ્રૌઢનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે હાલ આ બન્ને ઘટનામાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે, શહેરોમાં હેવી વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે, રાત્રે 11 વાગ્યા પહેલા શહેરી વિસ્તારોમાં ખાનગી હેવી વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. શહેરી વિસ્તારમાં હેવી વાહનોને પ્રવેશની મંજૂરી ન હોવા છતાં પ્રવેશ આપવામાં આવે છે. પરિણામે આવા વાહન ચાલકો અકસ્માતો સર્જે છે અને નિર્દોષ લોકોના જીવ લે છે. ત્યારે ખરેખર સરકારે આ દિશામાં વિચારવું જરૂરી છે.

 25 ,  1