પોસ્ટ ઓફિસના કર્મચારીએ કર્યું લાખોનું કૌભાંડ…

કર્મચારીએ નાગરિકોના રૂપિયા બારોબાર ઉપાડી લીધા

દેશના નાગરિકો વધુને વધુ બચત કરે તે માટે સરકાર દ્વારા પોસ્ટ બચત યોજના પર વિશેષ ભાર આપવામાં આવે છે. રાજ્યની કોઇ પણ બેંક અને સહકારી સંસ્થા કરતા ભારતીય પોસ્ટ સૌથી વધુ સલામત અને વધુ વ્યાજ આપનારી સંસ્થા માનવામાં આવે છે. જોકે, વલસાડ જિલ્લામાં આવેલા સરકારી પોસ્ટ ઓફિસમાં પોતાના બચત નાણાં જમા કરાવનાર ખાતા ધારકોને પોસ્ટના જ એક કર્મચારીએ લાખોનો ચૂનો ચોપડયો છે.

સુનિલ ચાવડા વલસાડની મધ્યમાં આવેલા મુખ્ય પોસ્ટ ઓફિસનો કર્મચારી છે. સામાન્ય રીતે આ વ્યક્તિનું કામ પોસ્ટ બચતના પૈસા સલામત રીતે જમા કરવા અને તેમનું ખાતાની અવધિ પૂરી થાય ત્યારે ખાતેદારોને તેમના પૈસા સલામત રીતે પરત કરવાનું છે. પરંતુ પોતાના સરકારી પગારથી પણ વધુ કમાવાની લાલચ સુનિલના મનમાં જાગી હતી અને તેના જ કારણે આજે તેને જેલની હવા ખાવી પડી છે. સુનિલ ચાવડાએ તેના પોસ્ટ ઓફિસમાં લાંબા સમય સુધી કોઈપણ પ્રકારના લેવડ-દેવડ ન થયું હોય તેવા ખાતામાં જમા રહેલી રકમ બારોબાર જાતે જ ઉપાડી લીધી હતી. ચોંકાવનારી બાબત તો એ છે કે, અનિલ ચાવડાએ ખાતેદારોની નકલી સહી પણ જાતે જ કરી લીધી હતી.સુનિલ ચાવડાની પોલ અચાનક જ ખુલી ગઈ હતી. એક ખાતાધારકે પોતાના ખાતાની તપાસ કરતા તેમાંથી મોટી રકમ ગાયબ થઇ ગયેલુ જણાયું હતું. તેથી તેણે પોસ્ટના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરી હતી. જેથી તપાસ કરતા આખો મામલો બહાર આવ્યો છે.

સમગ્ર મામલે, પોસ્ટના ઉચ્ચ અધિકારીએ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને વલસાડ સિટી પોલીસે આરોપી ચાવડાની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સુનિલે આ રીતે 9.80 લાખનું કૌભાંડ કર્યું છે.
હાલ ચાવડા પોલીસ હિરાસતમાં આવી ગયો છે અને પોલીસે આરોપીના રિમાન્ડ પણ કોર્ટ સમક્ષ માગ્યા છે અને રિમાન્ડ દરમિયાન આરોપીના વધુ કોઈ કૌભાંડ બહાર આવે તો નવાઈ નહિ. ત્યારે પોલીસે વલસાડની જનતાને અપીલ કરી છે કે ,પોસ્ટમાં તેમના કોઈપણ પ્રકારના નાણાંની ગેરવહીવટ થયું હોય તો પોલીસ સમક્ષ ફરિયાદ કરી શકે છે

 238 ,  3