દેશ સહિત હવે રાજ્યમાં પણ હવે ચૂંટણી માહોલ જામી ગયો છે. નેતાઓની અદલા બદલી તો જાણે ગુજરાતમાં સામાન્ય બની ગયું છે, પરંતુ હવે પાયાના કાર્યકરો પણ પક્ષ પલટો કરી રહ્યાં છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું ગઢ ગણાતા અમરેલીમાં એક સાથે 150 કોંગ્રેસના કાર્યકરોએ અચાનક રાજીનામું આપી દેતા ભારે ચર્ચા જાગી છે.
સાવરકુંડલા તાલુકાના 150 કોંગી કાર્યકરોએ એક સાથે રાજીનામા આપી દીધા છે, થોડા સમય પહેલા સહકારી નેતા દિપક માલાણીને કોંગ્રેસ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, જેને લઇને જૂના કાર્યકરોની બેઠક મળી હતી. જેમાં નિર્ણય લેવાયો કે દિપક માલાણીને સસ્પેન્ડ કરવાના વિરોધમાં રાજીનામા આપવા. જેમાં જિલ્લા પંચાયતની વિજપડી અને આંબરડી બેઠકના જિલ્લા પંચાયતના સભ્યોએ રાજીનામા આપી દીધા છે. આ રાજીનામામાં લાલભાઇ મોર અને રમીલાબેન માલાણીએ પણ રાજીનામું આપ્યું છે.
સાવરકુંડલા એ ધારાસભ્ય પ્રતાપ દુધાતનો વિસ્તાર છે, એવામાં કાર્યકરોના રાજીનામાથી સ્થાનિક લેવલે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પહેલાથી જ એક પછી એક ધારાસભ્યો કોંગ્રેસનો હાથ છોડી રહ્યાં છે, એવામાં કાર્યકરોની નારાજગી અને રાજીનામાથી કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે છે.
158 , 3