September 20, 2021
September 20, 2021

‘વિરાટ’ ટીમ : T-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, 2 વર્ષ બાદ ધોનીની વાપસી

મહેન્દ્ર સિંહ ધોની ઈન્ડિયન ટીમના મેન્ટર રહેશે

આગામી T-20 વર્લ્ડ કપને લઈ BCCI દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ રમશે. અહીં મહત્વનું છે કે આ T-20 વર્લ્ડ કપ માટે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ભારતીય ટીમના મેન્ટર બનાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે આગામી 17 ઓક્ટોબરથી UAE ખાતે T-20 વર્લ્ડકપ યોજાશે. અગાઉ આ ટૂર્નામેન્ટ ભારતમાં યોજાવાની હતી. જોકે કોરોનાની સ્થિતિ લીધે આ ટૂર્નામેન્ટ UAE ખાતે ખસેડવામાં આવી છે. જેને લઈ 15 ખેલાડીની ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.

T-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ

બેટ્સમેનઃ વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ
વિકેટ કીપરઃ રિષભ પંત, ઇશાન કિશન
ઓલરાઉન્ડરઃ હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા
સ્પિનર બોલરઃ રાહુલ ચાહર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, વરૂણ ચક્રવર્તી
ફાસ્ટ બોલરઃ જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી
સ્ટેન્ડ બાય- શ્રેયસ ઐયર, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર

T-20 વર્લ્ડ કપનો કાર્યક્રમ

વર્લ્ડ કપનું આયોજન 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે થશે. જેના ક્વોલિંફાઇંગ રાઉન્ડને કાઉન્ટ કરીને જોવા જઇએ તો કુલ 45 મેચ આ ટૂર્નામેન્ટમાં રમાશે. જેમાં 12 ક્વોલિફાઇંગ રાઉન્ડની તથા 30 સુપર-12 ટીમ વચ્ચે મેચ રમાશે. આના સિવાય ટૂર્નામેન્ટના નૉકઆઉટ તબક્કામાં 2 સેમીફાઇનલ અને 1 ફાઇનલ મેચનું આયોજન કરાશે.

નોંધનીય છે કે આ વખતે ભારત અને પાકિસ્તાન બન્ને એક જ ગ્રુપમાં છે. અને ભારતની આ ટૂર્નામેન્ટની સફર પણ પાકિસ્તાન સામેની મેચથી થશે. એટલે આ ટૂર્નામેન્ટ વધુ રસપ્રદ બની રહેશે.

 શા માટે ધોનીને બનાવવામાં આવ્યો ભારતીય ટીમનો મેન્ટર?

ધોની ઘણો અનુભવી ખેલાડી છે અને મર્યાદીત ઓવર્સની ક્રિકેટમાં તેની રણનીતિ ઘણી જ સચોટ માનવામાં આવે છે. અત્યંત કટોકટી ભરેલી પરિસ્થિતિમાં કેવી રીતે કામ લેવું તે ધોની ઘણું સારી રીતે જાણે છે. ધોની ભારતીય ક્રિકેટનો સૌથી સફળ સુકાની અને સર્વશ્રેષ્ઠ વિકેટકીપર પણ રહ્યો છે. તેણે ભારતને બે વર્લ્ડ કપ જીતાડ્યા છે. 2007માં પ્રથમ ટી20 વર્લ્ડ કપ રમાયો હતો. સાઉથ આફ્રિકામાં રમાયેલા આ વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ટીમ ચેમ્પિયન બની હતી. જ્યારે 2011માં ધોનીએ ભારતને વન-ડે વર્લ્ડ કપ જીતાડ્યો હતો.

હાલમાં ધોની આઈપીએલની ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો સુકાની છે. ધોનીએ ગત વર્ષે 15 ઓગસ્ટે સોશિયલ મીડિયાના માધ્યમથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે, ત્યારબાદ તેણે એક પણ વખત પોતાની નિવૃત્તિ અંગે વાત કરી નથી.

ધોની ભારત માટે 90 ટેસ્ટ, 350 વન-ડે અને 98 ટી20 મેચ રમ્યો છે. જેમાં તેણે અનુક્રમે 4876, 10773 અને 1617 રન નોંધાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ધોની મોટા ભાગે મીડિયાથી દૂર રહ્યો છે અને લો-પ્રોફાઈલ રહ્યો છે. તે આઈપીએલ સાથે જોડાયેલો રહ્યો છે. આ ઉપરાંત પોતાના હોમટાઉન રાંચી ખાતે ઓર્ગેનિગ ખેતીમાં વ્યસ્ત રહે છે.

ટીમની જાહેરાત કરતા પત્રકાર પરિષદમાં બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, ટી20 વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોની મેન્ટર તરીકે ટીમની સાથે રહેશે. મેં દુબઈમાં તેની સાથે વાતચીત કરી હતી. તે ટી20 વર્લ્ડ કપમાં ટીમનો મેન્ટર બનવા માટે રાજી થયો હતો. મેં મારા સાથીઓ સાથે પણ વાતચીત કરી હતી. મેં સુકાની વિરાટ કોહલી અને ઉપસુકાની રોહિત શર્મા સાથે પણ વાત કરી હતી અને તમામ લોકો તે માટે રાજી હતા.

 27 ,  1