સરકારી કર્મચારી 10 મિનિટ પણ ફરજ પર મોડો પડશે તો અડધી રજા ગણાશે

સરકારી કર્મચારીઓ ઓફિસ સમયના નિયમનુ પાલન ન કરતા હોવાની ફરિયાદ

રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ કોરોના કાળ પછી સરકારી કચેરીમાં ન આવતા હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નાણાં વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. જે મુજબ, સરકારી કચેરીમાં સવારે 10.30 વાગ્યાથી સાંજે 6.10 મિનિટ સુધી હાજર રહેવાનું હોય છે. જો કે કેટલાક કર્મચારીઓ 10.40 પછી કચેરીમાં આવતા હોય છે. તેમજ સાંજે 6.10 પહેલા કચેરીમાંથી રવાના થાય છે. નવા પરિપત્ર મુજબ, આ કિસ્સામાં ત્રીજી વાર‌ કર્મચારી પકડાશે તો અડધા દિવસની રજા ગણવામાં આવશે. આ ઉપરાંત આવા કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં પણ ભરવાના આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 

કોરોના વાયરસના સંક્રમણને નિવારવા તથા નિયંત્રણમાં લાવવા માટે સચિવાલયના દરેક કર્મચારીઓની હાજરી માટે ઈલેક્ટ્રોનિક કાર્ડ સ્વાઈપ કરવાથી મુક્તિ આપવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી રિવ્યૂ મીટિંગમાં કેટલાક સરકારી કર્મચારીઓ ઓફિસ સમયના નિયમનુ પાલન કરતા ન હોવાનું સામે આવ્યું છે. તેથી અધિક મુખ્ય સચિવ દ્વારા આ મામલે કડક પગલા લેવાયા છે. 

જો કોઈ કર્મચારી એક મહિનામાં બે વાર 10.40 બાદ કચેરીમાં આવશે અથવા સાંજે 6 પહેલા ઓફિસ છોડશે તો તેના પર કાર્યવાહી કરાશે. ત્રીજીવાર 10 મિનિટ મોડા આવશે અથવા 10 મિનિટ વહેલા જશે તો તે કર્મચારીની અડધા દિવસની રજા મૂકાશે. તેમજ કર્મચારી આદત મુજબ વારંવાર મોડા આવશે અથવા વહેલા જશે તો તેવા કિસ્સામાં શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે. 

સાથે જ આકસ્મિક સંજોગોમાં મોડા આવવાનું અને વહેલા જવાનુ જણાય તો ઉપરી અધિકારીને આ વિશે જાણ કરવાની રહેશે. સચિવાલયના દરેક કર્મચારી માટે આ નિયમ લાગુ પડશે. 

 27 ,  1