સુરત : યુવક સાથે સૃષ્ટિ વિરૂધ્ધ કૃત્ય આચરી બદમાશોએ પડાવી લીધા 1.26 કરોડ

વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આરોપીઓ બ્લેકમેઇલ કરતા

સુરત શહેરમાં એક ચોંકવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં 10 જેટલા લોકો એક યુવકને વેપારની લાલચ આપીને એક દુકાનમાં લઈ ગયા હતા. અહીં યુવક વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. બાદમાં આ કૃત્યનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને યુવક પાસેથી 1.26 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આટલા રૂપિયા પડાવ્યા છતાં યુવકને બ્લેકમેઇલ કરનારા લોકોની માંગણી શરૂ જ રહી હતી. બીજી તરફ ઘરમાંથી રૂપિયા ગાયબ થવા બાબતે પિતાએ તેના પુત્રની પૂછપરછ કરી હતી. જે બાદમાં પુત્રએ તેની સાથે બનેલી ઘટનાની પિતાને કહી સંભળાવી હતી. જે બાદમાં પિતાએ 10 લોકોની ટોળકી સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. આ મામલે પોલીસ ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, કતારગામ વિસ્તારમાં રહેતો 20 વર્ષનો યુવક બીબીએનો અભ્યાસ કરે છે. તેના પિતા દૂધનો ધંધો કરતા હતા પણ છ માસ અગાઉ યુવકના પિતાએ તબેલો વેચતાં તેમની પાસે રૂપિયા દોઢ કરોડ આવ્યા હતા. આ વાતની જાણ કતારગામ લલિતા પાર્કમાં રહેતા જયદિપ અરવિંદ ટાંકને થતાં જયદિપે યુવકને બોલાવીને સેનેટાઇઝરનો ધંધો કરવાની લાલચ આપી હતી. જયદીપે કતારગામ આંબાવાડી સોનલ પાર્કમાં રહેતા લાખા ઉર્ફે ભરત બોધા સાટિયાને સાથે લીધો હતો. લાખાએ તેના ભાઇ ભોળા, વિજય તેમજ કતારગામ નંદનવન સોસાયટીમાં રહેતા સાગર સાટિયા, ભોલા મેર, કનો સાટિયા, કતારગામા બંબાગેટ પાસે રહેતા કરણ ત્રિવેદી, વૃન્દાવન સોસયટીમાં રહેતા જેનીશ કલસરીયા અને રોમા સાટિયા સાથે મળીને યુવકને લલચાવ્યો હતો. 

ધંધાના બહાને આ લોકો યુવકને મળતા હતા. આ બહાને જ આ ટોળકી યુવકને એક દુકાનમાં લઇ ગઈ હતી. દુકાનમાં લાખાએ યુવક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યુ હતું જ્યારે અન્ય સાથીઓએ તેનો વીડિયો ઉતારી લીધો હતા. આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને આ ટોળકીએ યુવક પાસેથી છેલ્લા છ મહિનામાં ટુકડે ટુકડે રૂપિયા 1.26 કરોડ પડાવી લીધા હતા. આ ઉપરાંત 7 મોબાઇલ અને 1 ઘડિયાળ પડાવી લીધી હતી. ટોળીએ યુવક પાસે 30 લાખની માંગણી કરી હતી  પણ યુવક પાસે પૈસા નહોતા. 

દરમિયાનમાં બે દિવસ રહેલા પિતાએ તપાસ કરતાં ઘરમાંથી રૂપિયા ગાયબ થઈ ગયા હોવાની જાણ થઈ હતી. તેમણે દીકરાને પૂછતાં યુવકે પિતાને  હકિકત જણાવી હતી. પિતાએ હિંમત આપતાં યુવકે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને લાખા ઉર્ફે ભરત સાટિયા, કરણ ત્રિવેદી અને જયદિપ ટાંકની ધરપકડ કરી છે.

 55 ,  1