વડોદરામાં આભ ફાટ્યું, 4 કલાકમાં 10 ઈંચ વરસાદ, રસ્તાઓ પાણી-પાણી

છેલ્લા બે-ચાર દિવસથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે આજે મધ્ય ગુજરાત અને વડોદરામાં પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. વડોદરા શહેર અને જીલ્લામાં આજે બપોરે 12 વાગ્યા બાદ મેઘરાજાએ મનમૂકીને વરસવાનું શરૂ કરતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. માત્ર ચાર કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદ વરસતા, ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

તેમજ વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ હતી. આ વરસાદને પગલે આવતીકાલે(1 ઓગસ્ટે) ખાનગી અને સરકારી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમજ વડોદરા જતી 4 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. શહેર જળબંબાકાર થતા અનેક સોસાયટી પાણીમાં ગરક થઈ ગઈ છે અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. જ્યારે 15 વૃક્ષો ધરાશાયી થયા છે. હાલ જનજીવન પણ ખોરવાયું છે.

કેટલાક વિસ્તારોમાં વરસાદને પગલે વીજપુરવઠો ખોરવાઇ ગયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. જાહેર માર્ગ પર 4 ફૂટ જેટલા પાણી ભરાતા વાહનવ્યવહારને સીધી અસર પડી છે.

રસ્તાઓ પર લોકોના વાહનો બંધ થઇ જવાની ઘટનાઓ સામે આવી હતી. વુડા પ્લાઝા કોમ્પ્લેક્સમાં પાણી ભરાઇ જવાની ઘટના સામે આવી હતી. વુડાના બે કોમ્પ્લેક્સની 100 જેટલી દુકાનોમાં પાણી ભરાતા લાખો રૂપિયાનું નુકશાન થવાની ભીતી છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી