નાસ્તા બાબતે પૈસાની તકરારમાં યુવકની હત્યા કરનારને 10 વર્ષની કેદ

આરોપી સામે ગુનો પુરવાર થાય છે, દયા ન દાખવી શકાય- કોર્ટનું અવલોકન

શહેરના નરોલ જૂની કોર્ટ નજીક આવેલા હાઇફાઇ ચાર રસ્તા પાસે નાસ્તો કરવા બાબતે દરજીએ યુવકને કાતરના ઘા મારી હત્યા કરી દીધી હતી. આ કેસમાં કોર્ટે આઇપીસીની કલમ 304 મુજબ ગુનો માની આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામા નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપી સામે ગુનો પુરવાર થાય તેટલા સાક્ષીઓની જુબાની છે અને પુરાવા પણ છે ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી શકાય.

નારોલ જૂની કોર્ટ નજીક આવેલા હાઇફાઇ ચાર રસ્તા પાસે નાસ્તો કરવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં 4 ઓક્ટોબર 2017ના રોજ મોહિત સત્યદેવ શર્મા અને દરજી મુકેશ ઉર્ફે લંગડા કુલદીપસિંહ ચૌહાણ વચ્ચે માથાકૂટ થઇ હતી. આ માથાકુટ થતાં ઉશ્કેરાયેલા મુકેશ ઉર્ફે લંગડાએ કાતર કાઢી મોહિત પર ઉપરા છાપરી ઘા કર્યા હતા. જેમાં મોહિતનું મોત થયું હતું. આ મામલે વટવા પોલીસે ગુનો નોંધી તપાસ કરી આરોપી મુકેશને ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપી સામે ચાર્જશીટ થતા આરોપી સામે ચાર્જફ્રેમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સેશન્સ કોર્ટમાં કેસ ચાલવા પર આવ્યો હતો.

જેમાં સરકારી વકીલ ભાવેશ પટેલે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, નજીવી બાબતે યુવકની હત્યા કરવામાં આવી છે, આરોપીએ જ હત્યા કરી હોવાના સાક્ષીઓના નિવેદન છે અને દસ્તાવેજી પુરાવા પણ છે, આરોપી સામે પ્રથમદર્શિય ગુનો પુરવાર થાય છે. ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી સખતમાં સખત સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપી મુકેશ ચૌહાણને 10 વર્ષની સજા ફટકારી છે.

 24 ,  1