September 19, 2021
September 19, 2021

‘સસ્તા અનાજવાળા ચોર નથી ! ચોર સરકાર છે..’

વડાપ્રધાનના ભાઇ પ્રહલાદ મોદીના સરકાર પર કટાક્ષ

ગરીબોને ખાવા ધાન્ય મળી રહે તે માટે રેશનિંગની દુકાનોમાંથી સસ્તા દરે અનાજ વેચવાની વ્યવસ્થા છે. પરંતુ સરકાર તરફથી આવતા અનાજનો જથ્થો ગરીબોને નહીં પણ બારોબાર કાળાબજારમાં વેચી મારવાનું કૌભાંડ ચાલતું હોય છે. ત્યારે આ મામલે વડાપ્રધાન મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ સરકારને આડે હાથ લઇ કટાક્ષ કર્યો છે.

‘ઢીંગલી’ નામથી ઓળખાતા સોફ્ટવેર દ્વારા રાજ્યવ્યાપી અનાજ કૌભાંડ થયું હોવાની આશંકાએ હાલ વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ભાઈ અને ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસિન લાયસન્સ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદી આજે રાજકોટ આવ્યા હતા અને રાશન વિક્રેતાઓએ તેમને પડતી મુશ્કેલીઓ બાબતે કલેક્ટરને રજૂઆત કરી હતી. જે દરમિયાન પ્રહલાદ મોદીએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા મીડિયાને જણાવ્યું હતું કે – સસ્તા અનાજવાળા ચોર નથી ! ચોર સરકાર છે, જેણે દુકાનદારોને ચોરી કરવા મજબુર કર્યા છે. સરકાર 370 હટાવી શકે તો દેશના 5 લાખ રેશનિંગના દુકાનદારોની માંગણી પુરી ન કરી શકે ?

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર સસ્તા અનાજના દુકાનદારને દબાવવાના પ્રયત્નો કરી રહી છે. દુકાનદારોએ કોઇ ગેરરિતી આચરી નથી. બાયોમેટ્રિક સિસ્ટમ સર્વર આધારીત છે અને ગુજરાતનું સર્વર પોલીયોગ્રસ્ત છે.જેથી ફરજીયાત ઓફલાઇન વેચાણ કરવું પડે છે. દુકાનદારો ઓફલાઇન વેચાણ કરે એટલે સરકાર તપાસ કરે છે.સસ્તા અનાજના દુકાનદારોને કર્મચારી તરીકે ગણીને તેને પગારદાર બનાવવા જોઇએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમને ગોડાઉનમાંથી નિયમિત માલ મળતો નથી. માટે અમે આજે કલેકટરને વિવિધ રજુઆત કરી હતી જેમાં દુકાનદારોને પોષણક્ષમ ભાવો મળે, કમિશનમાં વધારો, સર્વરમાં વારંવાર ખોટકો તથા સોફટવેર કૌભાંડમાં તપાસ પૂરી થઇ છે, તો હવે દુકાનદારોને ખોટી રીતે કનડગત નહિ કરવા અંગેનું આવેદન પત્ર પાઠવ્યું છે.

 29 ,  1