એક સાંધે ત્યાં તેર તૂટે-પંજા તેરા કુછ નહીં હોનેવાલા…!

સલમાન-ઐયર પંજાવાળા કે પંજા વિરોધી..?

પ્રિયંકા બાજી ગોઠવે-તેમના જ બાજી ઉંધી કરી દે..

દુશ્મન ન કરે દોસ્ત ને વો કામ કિયા હૈ…

રાહુલ-પ્રિયંકા માંડ માંડ દારૂગોળો ગોઠવે અને..

ઐયરના કારણે મોગામ્બો નહીં..પણ મોગલો ખુશ હુવા…!!!

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

કહેવત છે કે જેને કોઇ ન પહોંચે એને તેનું પેટ પહોંચે… દુશ્મન ન કરે દોસ્ત ને વો કામ કિયા…એવુ બધુ કોંગ્રેસમાં થઇ રહ્યું છે. અને કોંગ્રેસના બખડજંતરને જોતાં કોંગ્રેસે કેન્દ્રમાં તો શું પણ યુપીમાં ય સત્તાની લાલસા ત્યજી દેવી જોઇએ. પંજાબ જેવા એકાદ-બે રાજ્યમાં સત્તા મળે તો એનાથી કામ ચલાવીને રાહુલ અને પ્રિયંકા ગાંધી વાડરાએ પોતાના પરિવારની ચિંતા કરવી જોઇએ. જો કે રાહુલ ગાંધી તો ફક્કડ છે, એકલો અટૂલો છે પણ પ્રિયંકાને તો આખો પરિવાર છે, તેથી યુપી વગેરેમાં સત્તા મેળવવાના પ્રયાસો છોડીને પોતાના પક્ષના નેતાઓ જેમ કે સલમાન ખુર્શીદ, મણિશંકર ઐયર, પી. ચિદમ્બરમ વગેરે.ને મેદાનમાં છૂટા મૂકી દેવા જોઇએ કે તેમના મનમાં જેમના માટે જે કાંઇ વિચારો હોય અને તેઓ જે વિચારધારામાં કે ધર્મની બાબતે જે કાંઇ વિચારતા હોય, જાણતા હોય તે એક વાર બધુ જ કહી દે…! છૂટક છૂટક ના બોલે…જથ્થાબંધ એક સાથે કહી દે……

ઘર ફૂટે ઘર જાય એ કહેવત પણ કોંગ્રેસને બરોબર ફીટ બેસે છે. યુપીમાં ચૂંટણીના જોરદાર પડઘમ વાગી રહ્યાં છે અને પ્રિયંકાએ યુપીમાં અંદાજે 7 કરોડ મહિલા મતદારોને પંજા તરફ લાવવા અનેક ભાવિ લલચામણી યોજનાઓ જાહેર કરી છે. લખીમપુર ખીરીમાં કિસાનોને કચડી નાંખવાની ગંભીર ઘટનામાં પ્રિયંકા સપા-બસપા કરતાં આગળ રહ્યાં છે. યુપીમાં કોંગ્રેસને કમ સે કમ વિપક્ષનું નેતા પદ મળે એટલી બેઠકો માટે તો આશાસ્પદ ચિત્ર બની રહ્યું હતું. પણ હવે એટલી બેઠકો મળશે કે કેમ તે એક સવાલ છે….!.કારણ..? ઘર ફૂટે ઘર જાય….

સલમાન ખુર્શીદ નામના કોંગ્રેસના એક નેતાએ પુસ્તક લખ્યું. નામ છે-સનરાઇઝ ઓવર અયોધ્યા. એટલે કે અયોધ્યાનો સૂર્યોદય…એવુ કાંઇ થઇ શકે. પણ એક તો તેઓ લઘુમતી સમાજના અને તેમાં વળી અયોધ્યાના મામલે પુસ્તક લખે અને જ્યાં અયોધ્યા આવેલુ છે એ યુપીની ચૂંટણીઓ વખતે જ પ્રસિધ્ધ કરે એટલે બબાલ તો હોના હી હૈ….વિશ્વ હિન્દુ પરિષદે સલમાનની સામે વિરોધ શરૂ કર્યો-તેમનું પુતળુ ફૂંક્યુ અને જેને જબાન કાપી નાંખી નાંખવાની ધમકી આપી… તો નૈનીતાલમાં આવેલા સલમાનના ઘર ઉપર હુમલો થયો-આગજની થઇ, તોડફોડ થઇ…

એક નેતા છે મણિશંકર ઐયર. 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિષે આડુઅવળુ બોલીને કોંગ્રેસને સરસ મજાનું મોટુ રાજકિય નુકશાન પહોંચાડ્યું… વિધાનસભાની 182માંથી કોંગ્રેસ 77 પર પહોંચીને હાથ…સોરી પંજો ઘસતી રહી ગઇ… અને ભાજપને માત્ર 99 બેઠકો સાથે ફરીથી સત્તા મળી. એ મણિશંકર ઐયર યુપીની ચૂંટણીઓ આવતા જ વળી પાછા મેદાનમાં ઉતર્યા છે… કોંગ્રેસને રાબેતા મુજબ નુકશાન પહોંચાડવા….?!

તેમણે કહ્યું કે “મોગલોએ ભારતમાં ક્યારેય પણ ધર્મના નામે અત્યાચરો કર્યા નહોતા.., તેઓ દયાળુ હતા…-તેઓ માયાળુ હતા અને મોગલ રાજાઓના લગ્નો રાજપૂતો સાથે થતા હતા…અમારી કોંગ્રેસની ઓફિસ દિલ્હીમાં અકબર રોડ પર છે અને અમે અકબરને અમારા માનીએ છીએ…જહાંગીર અડધો રાજપૂત હતો કેમ કે તેની માતા રાજપૂત હતી..!” જેમના મહેલમાં એક નહીં અનેક મહારાણીઓ પહેલાથી જ રહેતી હોય એવા મોગલ રાજાઓની સાથે હિન્દુ સ્ત્રીઓ કાંઇ શોખથી તેમની સાથે લગ્નો કરતી હતી…?

કોંગ્રેસના કાર્યકાળમાં જુની પેઢીના લોકો ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં ભણી ગયા કે મોગલોએ હિન્દુઓ પર કેવા કેવા અત્યાચારો કર્યા હતા, છત્રપતિ શિવાજી મહારાજને કેમ મોગલો સામે લડવુ પડ્યું…એ બધુ ઇતિહાસના પાને હોવા છતાં ઐયર મોગલોના વખાણ કરે તો યુપી તો શું આગામી લોકસભામાં પણ પંજાની બેઠકો હજુ 44થી નીચે ઘટવાની જ છે…! .કોંગ્રેસમુક્ત ભારત માટે ભાજપે મહેનત કરવી નહીં પડે, એમના જ કરી રહ્યાં છે….!

પંજાને આગળ નહીં વધવા દેવાનું રાહુલે પણ નક્કી કર્યુ હોય તેમ તેમણે ભારતમાં અત્યંત સંવેદનશીલ અને જે મુદ્દે કોંગ્રેસની સતત ટીકાઓ થાય છે એ હિન્દુ અને હિન્દુત્વનો મુદ્દો છંછેડ્યો…. સલમાન અને ઐયરે ટેકો આપ્યો, પી. ચિદમ્બરમ પણ ટેકામાં પહોંચ્યા અને સરવાળે પંજાનો ગરબો લખનૌથી વાજતે ગાજતે પાછો આવશે 24, અકબર રોડ પર….

રામ મંદિર, બાબરીનો ઢાંચો..અયોધ્યા…કારસેવકો પર ગોળીબારો….વગેરે. બનાવો અને ઘટનાઓ કાંઇ 200 વર્ષ જુની નથી. એવા મુદ્દે ખુર્શીદને પુસ્તક લખવાાનું મન થયું અને યુપી સહિતના પાંચ રાજયોની ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે વિમોચન કરવાનું સુઝ્યું.. અને એ પછી જે થાય કે થયું એ બધુ સામાવાળાના રાજકિય ખાતાંમાં જમા થાય અને થશે….! હું શિવભકત છું અને જનોઇધારી છુ….એમ કહેવાથી લોકો કોઇને હિન્દુ માની લે એમ નથી. 2017થી રાહુલે મંદિર યાત્રા શરૂ કરી, માનસરોવર પણ જઇ આવ્યાં અને પ્રિયંકાએ તેને આગળ વધારીને યુપીમાં મંદિર મંદિર દ્વારે દ્વારે ઢુંઢુ રે સાંવરિયા….ની જેમ સાંવરિયા નહીં પણ સત્તા માટે મતોરિયા શોધવાનું કામ કરી રહ્યાં છે…

ક્યારેક ક્યારેક રાહુલ કે પ્રિયંકા અને સુરજેવાલે પણ વિચારતા તો હશે જ કે ઐયર અને અન્યોને ચૂંટણીના સમયે જ આ બધુ બોલાનું કેમ સુઝતું હશે…? કેમ કે રાહુની સાથે તેઓ કોંગ્રેસની નૈયા જોર લગાવીને હઇસા…ની જેમ માંડ માંડ ઢસડીને કિનારે લાવે અને- મોગલો કાંઇ અત્યાચરી નહોતા એ તો ભારતની હિન્દુઓની રક્ષ માટે હતા…..એવા સરસ મજાના નિવેદનો કરી કરીને કોંગ્રેસની નૈયાને વળી પાછી દરિયાના પાણીમાં ફેંકવાનુ કામ કરે તો એમાં કેસરિયા બાલમનો કોઇ વાંક નથી. એમણે કાંઇ કરવાનુ જ નથી. કેમ કે તેમનુ એ કામ તો ઐયર જેવા નેતાઓ કરી જ રહ્યાં છે…..!! દળીને દળીને ઢાંકણીમાં….જેવુ થઇ રહ્યું છે.

પ્રિયંકા બચ્ચારી પોતાનું ઘરબાર છોડીને યુપીની ગલીઓમાં મતો માટે ફરી રહી છે, રાહુલ ટ્વીટરીયા યુધ્ધ દ્વારા જામગરી ચાંપી રહ્યાં છે અને ખુર્શીદ-ઐયર જેવા નેતાઓ રાહુલ-પ્રિયંકાના રાજકિય દારૂગોળા ઉપર છમ્મ…કરીને પાણી નાંખીને તેને ફૂસ્સ્સ…કરી રહ્યાં હોય ત્યારે-કોંગ્રેસ તેરા કુછ નહીં હોનેવાલા…યુધ્ધમાં ઉતરતા પહેલા કૂમકમાં સેનાપતિ જ તોપનો ગોળો સામે રાખવાને બદલે પોતાના સૈનિકો તરફ રાખે તો…પરિણામ…? મોગામ્બો નહીં મોગલો ખુશ હુવા…!!!

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી