દાહોદમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતમાં યુવકની હત્યા

ગરબાડા તાલુકાના ગુલબાર ગામમાં તંગદિલી

 અમારા સરપંચને વોટ કેમ ના આપ્યો કહી પથ્થર ઝીંકીને યુવકને પતાવી દીધો

દાહોદના ગરબાડા તાલુકાના ગુલબાર ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ વિજેતા ઉમેદવારોના સમર્થકોએ એક યુવક પર લાકડી અને પથ્થર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સરપંચ પદના ઉમેદવારને વોટ નહીં આપ્યો હોવાની અદાવતમાં આઠ યુવકો બુધવારની સાંજે એક વ્યક્તિ સાથે મારામારી કરી હતી. આ દરમિયાન ટોળામાંથી કોઇએ યુવકને માથાના પાછળના ભાગે પથ્થમારીને હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. તો બીજી તરફ આ બનાવ અંગે ગુરુવારની સાંજે ગરબાડા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

ગુલબાર ગામના ખાટીયા ફળિયામાં રહેતાં મહેશભાઇ શંકરભાઇ મેડાએ પોલીસને જણાવ્યુ હતું કે, તેઓ તેમજ તેમનો ભાઇ રાકેશ મેડા, સોબાન મેડા, પિન્ટુ મેડા, મડીયા મેડા તેમના ઘરે બેઠા હતાં. તે વખતે બુધવારની સાંજના ચાર વાગ્યાના અરસામાં તેમના કુટુંબી હકુ કલજી મેડાના ઘર પાસે બુમાબુમ-કીકીયારી થઇ હતી.

જેથી મહેશભાઇ, રાકેશભાઇ સહિતના લોકો ત્યાં દોડીને હકુભાઇના ઘરે ગયા હતાં. તે વખતે ફળિયાના કમલેશભાઇ, નરેશ, રાકેશ, રસીક, કાન્તી, શાન્તીયા, સુરેશ તથા પરેશ બુમાબુમ કરીને અકુભાઇને તે અમારા સરપંચ પદના ઉમેદવાર છત્રસિંહ મંડોડને કેમ વોટ આપ્યો નથી? તેમ કહીને બોલાચાલી કરીને માર મારી રહ્યા હતાં. તે વખતે રાકેશભાઇ છોડાવવા વચ્ચે પડતાં કમલેશે તે પણ વોટ કેમ આપ્યો નથી, અહીં કેમ આવ્યો છે કહીને ગાળાગાળી કરી માથાના પાછળના ભાગે પથ્થર માર્યો હતો.

બુમાબુમ થતાં પરિવારના અન્ય લોકો દોડી આવતાં તમામ હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતાં. રાકેશને 108 દ્વારા ઝાયડસમાં લઇ જતાં તેને તબીબે મૃત જાહેર કર્યો હતો. મહેશભાઇની ફરિયાદને આધારે પોલીસે આઠે સામે ગુનો નોંધ્યો હતો.

ગુલબાર ગામમાં ઘર્ષણ થતાં પોલીસની ધરપકડના ભયથી પુરૂષો બધા ભાગી છુટ્યા હોવાનું જાણવા મળ્યુ છે. ગામના સબંધિત ફળિયાઓમાં માત્ર મહિલા અને બાળકો જ હોવાનું જાણવા મળ્યુ છે. જ્યાં પોલીસનો ખડકલો થયો છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી