કોરોના : સરકાર કહે છે 10 હજાર મર્યા, અરજીઓ મળી 12 હજાર…

વધારાની બે હજાર અરજીઓનું શું થશે ? વળતર મળશે..?

સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામનારના વારસદારને વળતર આપવાની જાહેર કરી હતી. જે બાદ વળતરની અરજી પ્રક્રિયા શરૂ થઇ હતી. જે અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતમાં 12 હજારથી વધુ વળતરની અરજી થઇ ચૂકી છે.

સોમવારે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં તેમને અંદાજે 12,718 પરિવારો તરફથી અરજી મળી છે. જેમાંથી 6,515 અરજીઓ સ્વીકારી છે અને વળતર ચૂકવી દીધું છે. આ સાથે જ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી કે, તેઓ બાકીના અરજદારોને 10 ડિસેમ્બર સુધીમાં આર્થિક સહાય ચૂકવી દેશે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં આ તારીખે જ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાના કારણે 10,095 લોકોએ જીવ ગુમાવ્યો હોવાનો સત્તાવાર આંકડો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. સરકારના આંકડાથી 2,623 વધુ અરજીઓ કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારોએ કરી છે. કોરોના વળતરનો મુદ્દો ચર્ચાસ્પદ રહ્યો છે. નિષ્ણાતોના મતે, રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો સાચો આંકડો અપેક્ષિત અંક કરતાં ખૂબ વધારે હોઈ શકે છે. જેના કારણે, 50,000 રૂપિયા વળતર લેવા આવનારા પરિવારોની સંખ્યા પણ વધી શકે છે.

શહેરના એપિડેમિયોલોજીસ્ટે કહ્યું, “આનું સીધું કારણ એ જ છે કે, રાજ્યમાં કોરોના મૃતકોમાં માત્ર એવા દર્દીઓનો સમાવેશ કરાયો છે જેઓ સંક્રમિત થયા ત્યારે તેમને અન્ય કોઈ બીમારી નહોતી. ICMRની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને કોરોનાથી થયેલા મોત નક્કી કરવામાં આવ્યા છે. અન્ય દર્દીઓના મોતનું કારણ હૃદય બંધ થઈ જવું, રેસ્પિરેટરી ઈન્ફેક્શન, રીનલ ફેલ્યોર, મલ્ટી-ઓર્ગન ફેલ્યોર વગેરે ગણવામાં આવ્યું છે. મૃતકોનો સાચો આંકડો તો સત્તાધીશોને સોંપાયેલી અરજીઓના વિશ્લેષણ બાદ જ સામે આવી શકે છે.”

સત્તાવાર આંકડા પ્રમાણે, સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાના કારણે 3,411 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યાર બાદ 1,957 મૃત્યુ સાથે સુરત બીજા ક્રમે છે. વડોદરામાં 788 અને રાજકોટમાં 726 લોકો કોરોના સામેની જંગ હારી ગયા હતા.

ભૂતકાળમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાથી થયેલા મોતનો આંકડો છુપાવાનો કે ઓછો આંકવાનો દાવો નકાર્યો હતો. અગાઉ રૂપાણીએ કહ્યું હતું કે, “કોરોનાના મૃત્યુની નોંધણી કરવાની પદ્ધતિ ICMR દ્વારા જ સૂચવેલી છે અને ગુજરાત સહિતના તમામ રાજ્યો તેનું પાલન કરે છે. કોરોના સંક્રમિત થયેલા વ્યક્તિને અન્ય કોઈ બીમારી હોય અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોય તો અન્ય રાજ્યો પણ તેની નોંધણી કોરોનાથી મોત તરીકે કરતાં નથી.”

કોરોના મોતના વળતર ચૂકવવા મામલે ગુજરાત સરકારની નબળી કામગીરી પર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી હતી. ત્યારે સોમવારે ગુજરાત સરકારે વળતર ચૂકવવાની પ્રક્રિયામાં કરેલા સુધારા અંગે વડી અદાલતને જાણકારી આપી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે, ડેથ સર્ટિફિકેટમાં લખેલું મૃત્યુનું કારણ જ એકમાત્ર માપદંડ નહીં હોય તેવી જાહેરાત કરવામાં આવે.

જસ્ટિસ એમ.આર. શાહ અને બી.વી. નાગરત્નાની ખંડપીઠે નિર્દેશ આપ્યા હતા કે, “ઓનલાઈન પોર્ટલ, સૂચિત કરેલા ફોર્મેટ, દરેક જિલ્લા, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની ગ્રીવન્સ રિડ્રેસલ કમિટીમાં વ્યાપક પ્રચાર થવો જોઈએ કે, કોરોના મૃતકોના પરિવારજનોને પોઝિટિવ RT-PCR રિપોર્ટ અને 30 દિવસની અંદર મૃત્યુ થયું હશે તો વળતર ચૂકવવામાં આવશે. ડેથ સર્ટિફિકેટમાં દર્શાવાયેલું મૃત્યુનું કારણ વળતર મેળવવા માટેનો એકમાત્ર માપદંડ નહીં હોય.” સુપ્રીમ કોર્ટના દબાણ બાદ રાજ્ય સરકારે વળતર ચૂકવવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો હતો.

સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, તેમણે એક્સક્લુઝિવ ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે અને 3 ડિસેમ્બરથી તે પબ્લિક ડોમેન પર પણ ઉપલબ્ધ છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી