September 19, 2021
September 19, 2021

પ્રિય 122, વહેલી તકે “દાગી”માંથી બેદાગી થજો, હારતોરા નક્કી..!

આ એવા નેતાઓ કે જેમની સામે છે ભ્રષ્ટાચારના કેસો..

122માં બે મુખ્યમંત્રીનો પણ સમાવેશ …એક કોંગ્રેસનો….

ઓહો..વિજય માલ્યા પણ આ 122માં શોભાયમાન છે..

પી.ચિંદમ્બરમ છે તો યેદુરપ્પા પણ છે..

છગન છે તો જગન પણ છે..

“કોબરા” મિથૂનદા આ યાદીમાં ક્યાંથી આવી ગયો..!

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

122 આ કોઇ પેગાસસ જાસુસી કાંડનો કોડવર્ડ નથી પણ 122 લોકો એ છે કે જેમાંથી કેટલાક સીટીંગ એમપી અને એમએલએની સાથે મુખ્યમંત્રીપદે પણ છે અને એ તમામની સામે પીએમએલએ એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ ગુના નાોંધાયા છે, તેમની સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યાં છે પણ લાલુપ્રસાદ યાદવ સિવાય હજુ સુધી કોઇને સજા થઇ નથી. લાલુ પણ હવે તો જેલની બહાર આવી ગયા છે.

મની લોન્ડ્રીંગ એટલે કાળા નાણાંનો વ્યવહાર, કાલા ધન કે કાળુ નાણું. અને તેની હેરફેર કરવાનો, સત્તાનો દુરૂપયોગ કરીને નાણાં (લાંચ) લેવી એવા બધા ગુના નોંધાયા છે. આ 122 કથિત દાગી મહાનુભાવોની યાદી ઇડી નામની તપાસ એજન્સીએ સુપ્રિમ કોર્ટને આપી છે. 122 મહાનુભાવો કોઇ એક પક્ષના નથી પણ લગભગ તમામ રાજકિય પક્ષોના છે અને અલગ અલગ પક્ષોના હોવા છતાં પીએમએલએરૂપી એક જ નાવમાં મોઢા આમતેમ કરીને બેઠા છે..!

કેટલાક જાણીતા નામો- પી. ચિદમ્બરમ, કાર્તિ ચિદમ્બરમ, યેદુરપ્પા, લાલુપ્રસાદ, સુરેશ કલમાડી, વિજય માલ્યા ( ઓહોહો..ભારતની બેંકોને ગંગાજળ છાંટીને નવડાવનાર આ ભાઇ 122ની યાદીમાં પણ છે…!) બહુ ગાજેલા અને કોંગ્રેસને વાગેલા કૌભાંડ ટુજી સ્પેકટ્રમવાલે એ. રાજા અને કનિમોઝી, પૂર્વ મિડિયામેન વેંક્ટરામ રેડ્ડી, એનસીપીના છગન ભુજબલ, ઝારખંડ મુક્તિ મોર્ચાના સીતા સોરેન, ડી.કે. શિવકુમાર (જેઓ કોંગ્રેસમાં હવે અહમદ પટેલી જગ્યા લેવાની શક્યતા છે), લાલુપુત્ર તેજસ્વીપ્રસાદ યાદવ, હરિયાણાની પાર્ટી લોકદળના ઓપી ચૌટાલા, પંજાબના પૂર્વ સીએમ ભૂપિન્દ્ર હુડ્ડા, એનસીપીના ચર્ચિલ અલમાઓ, અશોક ચવાણ, બંગાળની ચૂંટણીઓ વખતે ભાજપમાં જોડાયેલા મિથૂન ચક્રવર્તી( મૈં નારિયલવાલી..મૈં વો કોબરા હું. જિસકો ડંસતા હુ વો સીધા ફોટુ મેં ટીંગા જાતા હૈ..નો ડાયલોગ બોલનાર)

મમતાદીદીને હરાવનાર અને હાલમાં ભાજપમાં છે તે સુવેન્દુ અધિકારી, ટીએમસીમાંથી ભાજપમાં અને ભાજપમાંથી પાછા ટીએમસીમાં પરત ફરેલા મુકુલ રોય અને હાલમાં જેઓ સીએમ છે એવા અમરિન્દરસિંગ (પંજાબ) અને જગનમોહન રેડ્ડી (આંધ્રપ્રદેશ)ની સામે કોઇ મોટા કેસો નથી પણ સત્તામાં હતા ત્યારે બસ ગેરકાયદે નાણાંનો ગેરવ્યવહાર કરવાનો કેસ છે. આ બધાની સામે તપાસ કરી રહી છે ઇડી.

સુપ્રિમ કોર્ટે બિહાર વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓમાં ઉમેદવારોના ગુન્હાહિત ઇતિહાસની જાણકારી નહીં આપવા બદલ 9 પક્ષોને દંડ ફટકાર્યો છે. જેમાં કોંગ્રેસ, ભાજપ સહિત બધા છે. કોઇને 5 લાાખ તો કોઇને એક-એક લાખ. કોર્ટે ચૂંટણી પંચને આ અંગે અભિયાન ચલાવવા નિર્દેશ આપ્યો છે. રાજકારણનું અપરાધીકરણ રોકવા કોર્ટે આ કડક પગલુ ભર્યુ છે. જો કે એ પણ એક કડવી વાસ્તવિકતા છે કે છેલ્લાં બે વર્ષમાં સાંસદો અને ધારાસભ્યો સામે કેસો વધ્યા છે. શક્ય છે કે કોઇ હરિફ તેમને ખોટા કેસોમાં સંડોવી દેતા હોય તો કોઇની સામે ભલે પોતાના જ પક્ષના હોય તો પણ સરકારની શાખ બચાવવા કેસો કર્યા હોય એમ કુલ મિલા કે કેસ બઢ રહે હૈ અને જેમની સામે કેસો છે તેમને ચિંતા ફિકર પણ નથી. સૈયા ભયે થાનેદાર ઇબ ડર કાહે કા….!

બોલીવુડ અને બંગાળી ફિલ્મોમાં ગીતો ગાતા ગાતા સાંસદ અને પછી કેન્દ્રમાં મંત્રી અને પછી બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં હારનાર બાબુલ સુપ્રિયોએ મંત્રીપદેથી દૂર કર્યા બાદ એમ કહ્યું કે, સમાજ સેવા માટે કાંઇ રાજકારણમા આવવુ જરૂરી નથી…! રાજકારણની બહાર રહીને પણ સમાજની સેવા કરી શકાય તેમ છે એમ કહેનાર બાબુલે સમાજ સેવા શરૂ કરી દેવી જોઇએ. લાગે છે કે બાબુલની પસંદગીમાં કેસરીએ ભૂલ કરી હશે.

સમાજ સેવા માટે બીજા ઘણાં રસ્તા છે. પણ આ તો શું કે બાબુમોશાય બાબુલને કમલબાબાએ દૂર કર્યા એટલે ભાઇને ખોટુ લાગી ગયું અને ફેસબુક પર દુખડો રોયો…એ ભલે દુખડા રુવે પણ આ 122માંથી કેટલાની સામે ક્યારે કેસ પૂરો થશે અને ક્યા પક્ષવાળાનું શું થશે તેની ચર્ચા કરવાને બદલે આપણે ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખીને કોને કોને સજા થઇ તેની રાહ જોવી જોઇએ. અને રાહ જોવામાં વાંધો પણ શું કામ હોવો જોઇએ..

આ જુઓ, રાહુલ ગાંધી સામે કેસ છે, સોનિયા ગાંધી સામે કેસ છે. પાંચ વર્ષમાં સરકાર તેમને જેલના દરવાજા સુધી લઇ આવી અને હવે એક ધક્કો મારે એટલે સીધા અંદર…? રાહુલે તો સીધો પડકાર ફેંક્યો છે કે વો મુઝે છૂ નહીં શકતે…હાં મુઝે ગોલી જરૂર માર સકતે હૈ….! એમ કહીને સામાવાળાને ચિંતામાં નાંખ્યા છે..! હવે એમને સાચવવા જ પડે, નહીંતર કોઇ ગોળી મારી દે તો…?

પ્રિય 122, તમારી સામેના કેસોનો જલ્દી નિકાલ આવે એવી વિનંતી કરશો અને દાગીમાંથી બેદાગી બનીને દૂધે ધોઇને મિ. ક્લીન બનીને બહાર આવશો તો લોકોના હારતોરા.. નહીંતર સજા થાય તો બહાર આવ્યાં બાદ રાહ જોઇ રહેલા ટેકેદારોના હારતોરા…!!

 28 ,  1