23માંથી 14 મંત્રીઓ સંક્રમિત થયા, તમામ સાજા થઇને કામગીરીમાં જોડાયા

મંત્રીઓનો અનુભવ કહે છે કે ગભરાશો નહીં અને ડોક્ટરોની સલાહ લો..

વર્તમાન સંક્રમણની મહામારીમાં જીવિત રહેવા માટે સામાન્ય માણસ સંઘર્ષ કરી રહ્યો છે, ત્યારે એક સમયે રાજ્યના મંત્રીમંડળના 60% મંત્રીઓ વાયરસથી સંક્રમિત થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના 23માંથી 14 મંત્રીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તમામ સાજા થઈ ગયા છે અને પોતપોતાના વિભાગની સરકારી પ્રવૃતિઓમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું છે.

પોતાનો અનુભવ જણાવતાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, ‘હું એક અઠવાડિયા માટે હોસ્પિટલમાં રહ્યો હતો અને એક અઠવાડિયા માટે હોમ આઈસોલેશનમાં. છેલ્લા 15 દિવસથી મેં સામાન્ય કામ કરવાનું શરુ કરી દીધું છે અને 1500 કિમી જેટલું ટ્રાવેલિંગ પણ કર્યું છે. મારી લોકોને સલાહ છે કે ગભરાશો નહીં અને ડોક્ટરોની સલાહ લો’.

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવાએ કહ્યું હતું કે, ‘એક અઠવાડિયા માટે મને મારી પત્ની સાથે યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હવે હું રાજ્ય સરકારના ‘મારું ગામ, કોરોના મુક્ત ગામ’ અભિયાનને પ્રોત્સાહન આપવા આક્રમક રીતે કામ કરી રહ્યો છું’.

ગયા વર્ષે દિવાળીની આસપાસ લોકડાઉન હટાવ્યા બાદ મહામારીની પ્રથમ લહેર જોવા મળી હતી, જેમાં કેટલાક મંત્રીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. જો કે, મોટાભાગના મંત્રીઓ સ્થાનિક ચૂંટણી અને આ વર્ષની શરૂઆતમાં વિધાનસભામાં બજેટ સેશન દરમિયાન ખતરનાક વાયરસની ચપેટમાં આવ્યા હતા. મંત્રીઓ ઉપરાંત ભાજપ-કોંગ્રેસના આગેવાનો પણ સંક્રમિત થયા હતા.

 15 ,  1