ડોક્ટરની હડતાળ વચ્ચે સારવાર ન મળતા કિશોરનું મોત

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિત એક સગીરને યોગ્ય તેમજ સમયસર સારવાર ન મળતા તેનું મોત નિપજ્યું હતું. બીજી તરફ તબીબોની હડતાળના પગલે સિવિલમાં એક પણ ફિઝિશિયન ન હોય કે બહારથી પણ ન બોલાવી શક્તા પૂરતી સારવારના અભાવે સગીરનું મોત નિપજ્યું હોવાનું સિવિલ સત્તાધીશોએ પણ સ્વીકાર્યું હતું.

ભરૂચના ઝઘડિયા નજીક આવેલ વાંદરિયા ગામના 17 વર્ષીય સંદિપ વસાવા નામનો સગીર જુવેનાઇલ ડાયાબિટીસની ગંભીર બીમારીથી પીડાતો હતો. જેને પ્રથમ સારવાર અર્થે ઝઘડિયાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેને વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતક સગીરના પરિવારજનોએ પણ આક્ષેપ કર્યો હતો કે, સારવારના અભાવે જ બાળકનું મોત નિપજ્યું છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.એસ.આર પટેલે કહ્યું કે, ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફિઝીશિયન ડોક્ટર દિવસમાં માત્ર 3 કલાક માટે જ આવે છે. બીજી તરફ તબીબોની હડતાળ હોઈ તેના કારણે સંદીપ વસાવાને યોગ્ય સારવાર મળી રહી ન હતી.

ઉલ્લેખનીય છે કે બંગાળમાં જૂનિયર ડોકટર્સની સાથે મારપીટના વિરોધમાં 17 જુને દેશભરના ડોકટર 24 કલાકથી હડતાળ પર રહ્યા હતા. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને 16 જુને જણાવ્યું હતું કે ઈમરજન્સી સેવાઓને હડતાળથી અલગ રાખવામાં આવી છે. ઓપીડી સહિત ગેર જરૂરી સેવાઓ 17 જુન સવારે 6 વાગ્યાથી ૧૮ જુન સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે.

 12 ,  1