ગાંધીનગર : IBના અધિકારીના 19 વર્ષિય પુત્રએ કર્યો આપઘાત

અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગાંધીનગરમાં IBમાં ફરજ બજાવતા ઓફિસરના 19 વર્ષીય પુત્રએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. મૃતક યુવાન અમદાવાદ ખાતે સેનેટરી ઈન્સપેક્ટરનો અભ્યાસ કરતો હતો. આપઘાત પાછલનું કારણ જાણી શકાયું નથી, આ મામલે સેકટર – 7 પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વતનમાં દીકરીના લગ્ન પૂર્ણ કરીને પરત ફરેલા પરિવારમાં અચાનક જ આઘાત જનક ઘટના બનતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

ગાંધીનગર સેક્ટર – 7 ખાતે પોલીસ ભવનમાં રહેતા પ્રદીપભાઈ સુતરીયા આસીસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. જેમના પરિવારમાં પત્ની હંસાબેન, દીકરી શિવાની અને 19 વર્ષીય પુત્ર મોક્ષ હતો. જે અમદાવાદ ખાતે સેનેટરી ઈન્સ્પેક્ટરનો અભ્યાસ કરતો હતો.

ફરિયાદ મુજબ, મોટી દીકરી શિવાનીના લગ્ન હોવાથી સમગ્ર પરિવાર વતન છોટા ઉદેપુર ગયા હતા. લગ્નની વિધિ પૂર્ણ કરીને પરત ગાંધીનગર આવ્યાં હતાં. તે દરમિયાન ઢળતી સાંજે પ્રદીપ ભાઈ તેમજ હંસાબેન ઘરે હાજર હતા. ત્યારે મોક્ષ રૂમ બંધ કરી અભ્યાસ કરી રહ્યો હતો. થોડીક વાર પછી પ્રદીપ ભાઈને કપડાં બદલવા હોવાથી તેમણે રૂમ નો દરવાજો ખખડવ્યો હતો. પરંતુ સામેથી કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો. આથી તેમણે મોક્ષના ફોન પર ફોન કર્યા હતા. જો કે ફોન ઉઠાવ્યાં ન હતા.

ઘણીવાર સુધી દરવાજો ન ખુલતા પ્રદીપભાઈને અઘટિત ઘટનાનો અંદાજો આવી ગયો હતો. અને તેમણે દરવાજો જેમતેમ કરીને ખોલતાં સામે એકનો એક પુત્ર મોક્ષ પંખાએ બાંધણીનો દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધેલ હાલતમાં જોવા મળ્યો હતો. આ દ્રશ્ય જોઈને દંપતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જેને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડોક્ટરે મોક્ષને મૃત જાહેર કર્યો હતો.

વતનમાં ફોન પર કોઈની સાથે દોઢેક કલાક સુધી વાતચીત કરતો – મૃતકના પિતા

આ અંગે મોક્ષના પિતા પ્રદીપભાઈએ જણાવ્યું હતું કે ગઈકાલે જ વતનમાં દીકરીના લગ્ન પૂર્ણ કરીને પરત ગાંધીનગર આવ્યાં છીએ. ગાંધીનગર આવતી વખતે પણ કારમાં મોક્ષ ગુમસૂમ રહ્યો હતો. અને ઘરે આવ્યા પછી પણ ખાસ કોઇની જોડે વાતચીત કરતો ન હતો. ગઈકાલે પણ વતનમાં તે કોઈની સાથે દોઢેક કલાક સુધી વાતચીત કરતો હતો. જે પછીથી તે ગુમસૂમ રહેવા લાગ્યો હતો. આથી તેના કોલ ડિટેઇલ્સ કઢાવવામાં આવે તો ચોક્કસ કારણ બહાર આવવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે 19 વર્ષીય મોક્ષનાં એક પગલાંથી પ્રદીપભાઈએ એકનો એક પુત્ર ગુમાવી દીધો છે. હાલમાં સેકટર – 7 પોલીસ ધ્વારા મોક્ષના પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી પૂર્ણ થયા પછી હાલમાં પરિવાર મોક્ષનો મૃતદેહ લઈને વતન જવા રવાના થયો છે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી