અમદાવાદ : બોડકદેવના આધેડની કારમાંથી 2 લાખ રોકડા તેમજ રિવોલ્વરની ચોરી

ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતા આધેડ કામ માટે પોતાની કાર લઇ ઓઢવ આવ્યા હતા. જ્યાં તેમની કારમાં પડેલી બે લાખ ભરેલી બેગ, લાયસન્સ વાળી રિવોલ્વર સહિતના દસ્તાવેજની ચોરી થઇ છે. આ મામલે આધેડે ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

બોડકદેવના પુષ્પ બંગ્લોઝમાં રહેતા નિરવભાઈ પટેલના સગાના લગ્ન ઓઢવ રાખ્યા હોવાથી તેમના કારના ડ્રાઈવર સાથે તે ઓઢવ જતા હતા. તેમની પાસે રોકડા રૂ.2 લાખ તથા અગત્યના દસ્તાવેજો અને કીમતી વસ્તુઓ મુકેલી બેગ હતી, જે તેમણે તેમની કારની ડેકીમાં મુકી હતી. નિરવભાઈ તેમની કાર લઈને ઓઢવ રીંગરોડ માધવ ઓર્ચીડ કોમ્પ્લેક્ષ પાસેના સર્વીસ રોડ પર પહોંચ્યા તો એક એક્ટિવા પર સવાર બે લોકોએ નિરવભાઈને કંઈક ઈશારો કરીને બતાવ્યું હતું. જો કે નિરવભાઈએ તેમના પર ધ્યાન દિધુ ન હતુ. જો કે તરતને તરત એક બાઈક પર સવાર બે લોકોએ પણ નિરવભાઈને કંઈક ઈશારો કર્યો હતો. જેથી નિરવભાઈએ તેમના ડ્રાઈવરને કઈને કાર ઉભી રખાઈ અને કારની ડેકી ખોલાવડાઈ હતી.

ત્યારે કારની ડેકીમાં રોકડા મુકેલ રૂ. 2 લાખ તથા જરૂરી દસ્તાવેજો અને લાયસન્સ વાળી રિવોલ્વર ન હતી. જેથી તેઓ ઓઢવ પોલીસ મથક પહોંચ્યા હતા અને આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, ઇલેક્શનનો ટાઇમ છે ત્યારે પરવાના વાળા હથિયાર જમા કરાવવા કમિશનરે આદેશ કર્યો છે. ત્યારે આધેડે કેમ હજુ રિવોલ્વર જમા ન કરાવી તે પ્રશ્ન છે. બીજી તરફ હવે આ રિવોલ્વરનો કોઇ ખોટો ઉપયોગ ન કરે તે માટે પોલીસે આરોપીને શોધવા કવાયત હાથ ધરી છે.

 33 ,  1