20 સાલ બાદ- મૈં નિકલા ગડ્ડી લે કે..ઓ માય ગોડ..ફરી શ્રીરામ..!

સન્ની દેઓલ લઇને આવે છે ગદર ફિલ્મનો ભાગ-2..

પાકિસ્તાનથી ભારત પહોંચ્યા બાદ કથા આગળ વધશે..

અક્ષય-પરેશની જોડી ઓએમજી–2માં મળશે અરૂણ ગોવિલને..

1987 બાદ ગોવિલ ધારણ કરશે શ્રીરામની વેશભૂષા..મુસ્કાન સાથે..

આમિરે પણ ગદરની જેમ લગાનનો ભાગ-2 બનાવવો જોઇએ..

સફળ ફિલ્મોની સિકવલનો ક્રેઝ આગળ વધે છે..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

મૈં નિકલા ગડ્ડી કે લે કે ..રસ્તે મેં ઓ સડક પે ઇક મોડ આયા મૈં ઇક દિલ છોડ આયા..20 વર્ષ પહેલાં બોલીવુડમાં ભારે ધમાલ અને તરખાટ મચાવનાર આ ગીત સન્ની દેઓલ અને અમિષા પટેલની સદાબહાર ફિલ્મ ગદર-એક પ્રેમ કહાનીનું છે. આ ગીત પંજાબના કેટલા ટ્રક ડ્રાઇવરો ગાતા હશે કે ટ્રકમાં મોટા અવાજે વગાડતા હશે એ તો તેઓ જ જાણે પણ 20 વર્ષ બાદ આ જ ફિલમનો ભાગ-2 બની રહી છે ત્યારે આવુ કોઇ ગીત હશે કે કેમ એ તો 2022માં આ ફિલ્મ રજૂ થશે ત્યારે જોવા મળશે.. ગદર ભાગ-2માં એક એવો હિરો ડેબ્યુટ કરશે કે જેણે 20 વર્ષ પહેલાં ગદર ભાગ-1માં સન્ની અને અમિષાના દિકરાની ભૂમિકા નિભાવી હતી.

કેટલીક ફિલ્મો એવી હીટ થાય છે કે વર્ષે પછી પણ તે તરોતાજા લાગે. 20 વર્ષ પહેલા બોલીવુડમાં લગભગ એક સાથે બે ફિલ્મો રજૂ થઇ હતી. એક હતી આમિરખાનની લગાન અને બીજી હતી સન્ની દેઓલની ગદર-એક પ્રેમ કહાની. બન્નેમાં રાષ્ટ્રવાદનો મેસેજ હતો પણ તેમાં ગદરનો હિરો પાકિસ્તાનની સામે હોય છે, એટલે તે ફિલ્મ વધારે ચાલી. વધારે ચાલી એટલે વધારે કમાણી કરી, બેશક લગાન કરતાં પણ વધારે.. લગાનમાં આમિર-ભૂવન-નો રાષ્ટ્રપ્રેમ ગોરા અંગ્રેજોની સામે હતો અને તેમાં કોઇ પ્રેમ-વેમની કથા કે હિરોઇનને એનો બાપ પાકિસ્તાન લઇ જાય લઇ જાય અને હિરો પાકિસ્તાનમાં જઇને ભારત કા ઝંડા ગાડ કે ઔર પાકિસ્તાનના હેન્ડ પંપ ઉખાડ કે… ટ્રેનમાં બેસીને ભારત પહોંચે છે…, એવુ બધુ નહોતું. એમ કહી શકાય તે સહેજ ડોક્યુમેન્ટરી ટાઇપ હતી પણ તેના ગીતો આજે પણ હીટ છે ગદરના ગીતોની જેમ.

હીટ ફિલ્મોમાં ઘણી ઓછી ફિલ્મો ભાગ-2 તરીકે બને છે કે બની છે. પરેશ રાવલ અને અક્ષયકુમારની ફિલ્મ ઓએમજી-ઓ માય ગોડ-નો ભાગ-2 બની રહ્યો છે….આ ફિલ્મ કાંઇ શોલે કે યાદો કી બારાત કે ગદર કે લગાન જેટલી લોકપ્રિય નહોતી. છતાં બની રહી છે. કેમ કે અક્ષયકુમાર હવે બોલીવુડનો માનીતો બની ગયો છે..એટલે નાણાં-વાણાંની કોઇ કમી નથી. અને પરેશ પણ હવે તો પૂર્વ સાંસદ છે એ પણ માનીતા છે. ઓએમજી-1માં ભગવાન છે કે નહીં…તેના પર અને ધર્મમાં કેવુ કેવુ બખડજંતર ચાલે છે તેના પર કથા હતી. ઓએમજી ભાગ-2માં શું હશે…? ફરી ભગવાનના અસ્તિત્વની કથા કે કાંઇ બીજુ…? જે જાહેર થયુ છે તે મુજબ તેમાં ભારતની શિક્ષણપ્રથાની વાત હશે અને સૌથી રસપ્રદ એ હશે કે 1987માં રામાયણ સીરીયલમાં ભગવાનશ્રી રામનુ પાત્ર ભજવનાર અરૂણ ગોવિલ ફિર એકવાર રામ બનેંગે….!

બિચારા અરૂણ ગોવિલની સાથે એવુ થયું કે તેમણે રામાયણ સિરીયલમાં ભગવાન શ્રીરામનું પાત્ર એટલુ જીવંત કરી બતાવ્યું કે લોકો તેમને સાક્ષાત શ્રીરામનો અવતાર માનવા લાગ્યા હતા…! ખાસ કરીને તેમની મંદ મંદ મુસ્કાન તો તેમની સપળતાની સીડી સમાન હતી…અને થયું એવુ કે તેઓ તે પછી બીજા કોઇ રોલમાં કે બીજી કોઇ ફિલ્મમાં કે સિરીયલમાં આગળ ન વધી શક્યા..! પરિણામે ત્યારબાદ તેઓ ફિલ્મોથી દૂર રહ્યાં.

સ્ટેન્ડીંગ કોમેડિયન કપિલ શર્માએ પોતાના કોમેડી શોમાં રામાયણના કલાકારોને બોલાવ્યાં ત્યારે અરૂણે કહ્યું કે તેઓ રામ સિવાય બીજુ કોઇ પાત્ર ભજવી શક્યા નથી કેમ કે લોકો તેમને બીજા કોઇ રોલમા જોવા જ માંગતા નહોતા…! પોતાની મંદ મંદ મુસ્કાન અંગે પણ તેમણે રસપ્રદ કિસ્સો વર્ણવ્યો હતો. જેમાં અરૂણને એક સાથી કલાકારે તેમની મુસ્કાન કે સ્મિત વેરવાની અદા જોઇને કહ્યું હતુ કે એનો ઉપયોગ કરજે અને રામાયણના પાત્રોની પસંદગી વખતે શ્રીરામ માટે અરૂણની પસંદગી પાછળ મુખ્ય કારણ તેમનિં નિર્દોષ સ્મિત જ હતું..!

1987 પછી પહલીવાર અરૂણ ગોવિલ રામાયણ સીરિયલના ભગવાન શ્રી રામની વેષભૂષા ધારણ કરશે..મંદ મંદ મુસ્કાન સાથે પરેશ અને અક્ષયની સાથે હાથમાં તીરકમાન લઇને શિક્ષા પ્રણાલીની ચર્ચા કરશે…અને લોકોને શિક્ષિત થવાનો સંદેશો પણ આપશે..!

ઓએમજી-2નો વિષય જાહેર થયો પણ ગદર-2માં શું હશે…? ગદર-1માં સન્ની-તારાસિંગ અને અમિષા-સકીનાના પુત્રની ભૂમિક નિભાવનાર બાળક ચરણજિતસિંહ હવે મોટો થઇ ગયો છે અને તેને લઇને જ ભાગ-2ની કથા આગળ વધે તેમ છે. ગદર ભાગ-1નો બાળ કલાકાર, એ ફિલ્મને ડિરેક્ટ કરનાર અનિલ શર્માનો પુત્ર છે અને તેઓ ભાગ-2ને પણ પોતે જ ડિરેક્ટ કરીને પોતાના સંતાનને ફિલમ લાઇનમાં રજૂ કરવા જઇ રહ્યાં છે..દેખીતી રીતે જ ભાગ-2માં તારાસિંગ અને સકીના વૃધ્ધ થઇ ગયા હશે અને પાકિસ્તાનથી આવ્યાં બાદ પંજાબ કે કીસી ગાંવમ મેં ચૈન સે જિંદગી બસર કર રહે થે કી અચાનક….? અને ફિલ્મ આગળ વધશે…! ભાગ-2માં ટ્રકવાળો ગીત હશે કે સન્ની પિતા ધર્મેન્દ્રની જેમ ખેતી કરતાં કરતાં ટ્રેક્ટરવાળું કોઇ ગીત હશે…?

નવો હિરો છે તો હિરોઇન પણ નવી હશે…આઝાદી પછીનો સમય કાળ હશે… એટલે સમજો કે તારાસિંગ-સકીનાનો પુત્ર 20-25 વર્ષનો થયો હોય તો સહેજે 1970-80ના દાયકાની વાત અને કથા હશે..પછી તો શું છે કે આ તો હિન્દી ફિલ્મ છે..એટલે કાલ કા પૈયા ઘૂમાકર કે પછી મૈં સમય હૂં…કહીને આજના દૌરમાં પણ કથાને લઇ આવે તો કહ નહીં શકતે..!

ગદર ભાગ-2 માટે 2022 સુધી રાહ જુઓ અને રામ અરૂણ ગોવિલવાળી ઓએમજીનું તો કહેવાય નહીં…ફટાફટ બનાવી પણ દે અને ઓએમજી ભાગ-2 પણ 2022માં રજૂ થાય નવાઇ નહીં…! ગદરની સાથે 20 વર્ષ પહેલા રજૂ થયેલી લગાનનો ભાગ-2 બને તો..? કલ્પના…કિજિયે મેરે હજૂર…કલ્પના…!

ગોરાઓની સામે ક્રિકેટ મેચ જીત્યા બાદ ભૂવન અને ગોરીના લગ્ન થઇ ગયા હશે ખેતીમાં સારી આવક થઇ રહી હશે અને ખેતીની જમીન પર વિઘોટી કહેતા લગાન તો ભરવાનું હતુ જ નહી એટલે લીલાલહેર…વરસાદ માટે કાલે મેઘા..કાલે મેઘા…ગાવાનું નથી અને તેમના બાળકો (એ વખતે પરીવાર નિયોજન નહોતુ..પાંચ-છ બાળકો તો ઓછા લાગતા હતા..) પણ પિતા ભુવનની જેમ કોઇ બીજા ગોરાઓની સામે ભીડાઇ જાય… અને…..!

આવવા દો.. આ ફિલ્મોના.ભાગ-2 ભલે આવે…તેમા ગદર-2 અને ઓએમજી-2 એમ બન્ને ફિલ્મોમાં, ઓએમજી-2માં શ્રીરામની ભૂમિકા ભજવનાર અરૂણ ગોવિલની મંદ મંદ મુસ્કાન.. ફરી એકવાર મેદાન મારી જશે..! ખરેખર હોં…રામ કસમ…!!

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી