રાષ્ટ્રવાદનું ઝનૂન શેમાં વધારે છે ? લગાન કે ગદર ફિલ્મમાં…? ચાલો, જરા જોઇએ….

એક જ તારીખ એક જ વર્ષે રજૂ થયેલી બે ફિલ્મોને બે દાયકા થયા..

આમિરખાન કહે છે ગદરે વધારે કમાણી કરી કેમ કે..

હેન્ડપંપ ઉખાડવાનું દ્ર્શ્ય લોકોને હજુ ગમે છે..કારણ કે…

ભુવનની જીત કરતાં તારાસિંગની જીતમાં લોકોને વધારે ઉત્કંઠા હતી..

લગાનને ભલે ઓસ્કાર ના મળ્યો પણ ટેગ મળ્યું..

પાકિસ્તાન સામેનો ધિક્કાર હજુપણ રાખમાં રહેલા અંગારા સમાન ..

(ખાસ અહેવાલ – દિનેશ રાજપૂત)

જેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ટેલિવિઝન શો ફોઝી અને સર્કસથી કરી હતી તે બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આવતા વર્ષે પોતાની કારકિર્દીના ૩૦ વરસ પુરા કરવાનો છે. રાજકારણમાં કોને કેટલા થયા તેની સાથે હવે બોલીવુડમાં કોને કેટલા થયા અને કઇ કઇ ફિલ્મો ક્યારે રજૂ થઇ અને કેટલી સફળ કેટલી નિષ્ફળ…તેની સરખામણીનો એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં લેટેસ્ટ ટ્રેન્ડ 15, જૂન 2001ના રોજ એક સાથે રજૂ થયેલી બે બ્લોકબસ્ટર અને મોટા સ્ટાર કાસ્ટ વાળી બે ફિલ્મો લગાન (આમિરખાન) અને ગદરઃએક પ્રેમ કથા (ઢાઇ કિલો કા હાથ..વાળો સન્ની દેઓલ)નું મૂલ્યાંકન થઇ રહ્યું છે.

બન્ને ફિલ્મોને જોતજોતામાં બે દસકા પૂરા થયા છે. બે દાયકા…20 વર્ષ….ગુજરાતમાં અને દેશમાં કેટલુ બદલાઇ ગયું…! છતાં આજે પણ લગાનના નાયક ભુવનની અંગ્રેજો સામે ક્રિકેટ મેચમાં જીત અને ગદરમાં શીખ તારાસિંગનું પાત્ર ભજવનાર સન્ની દેઓલનું હેન્ડ પંપ ઉખાડવાનું દ્રશ્ય અને પાકિસ્તાનના સર્જનને લઇને બોલાયેલો ડાયલોગ બાપ બાપ હોતા હૈ…બેટા બેટા હોતા હૈ… દર્શકોને હજુ પણ યાદ છે..આ ડાયલોગ પર સિનેમાહોલમાં તાળીઓ વાગતી અને સાથે સીટીઓની ગૂંજ પણ ખરી…!

બન્ને ફિલ્મો તે વખતે દેશદાઝ…રાષ્ટ્રવાદ…દેશભક્તિ…અને પાકિસ્તાનની તો….ઐસી કી તૈસી..ની લાગણીસભર હતી..લગાનમાં અંગ્રેજોની ક્રિકેટ ટીમ હારવી જ જોઇએ અને ગદરમાં તારાસિંગને તેની મુસ્લિમ પત્ની મળવી જ જોઇએ…એવી અદમ્ય લાગણીઓનો ઘોડાપૂર વહેતો હતો..! ઇતિહાસ ગવાહ છે કે પાકિસ્તાનનો જન્મ ભારતના ભાગલામાંથી થયો. તેને ધ્યાનમાં રાખીને ગદરમાં સન્ની દ્વારા ડાયલોગ બોલાવવામાં આવ્યો..જેમાં તેને નાયિકાના મુસ્લિમ પિતા-અમરીશપુરી- તારાસિંગને પાકિસ્તાન ઝીંદાબાદ બોલવા ફરજ પાડે છે અને પછી હિન્દુસ્તાન મુર્દાબાદ બોલવા કહે છે ત્યારે તારાસિંગનો ગુસ્સો સાતમા આસમાને અને પાતાળમાં રહેલા પાઇપ સાથેનો હેન્ડપંપ ઉખેડીને…બાપ બાપ હોતા હૈ…બેટા બેટા હોતા હૈ કહીને ઉખાડેલા પાઇપલાઇન દ્વારા તરખાટ મચાવે છે….

લગાન તે વખતે ઓસ્કાર નોમિનેટ થઇ હતી પણ કોઇ પુરસ્કાર મળ્યો નહોતો. આમિર અને ડિરેકટર આષુતોષ ગોવારીકરને એટલાથી જ સંતોષ માનવો પડ્યો. આ અંગે આમિરે 20 વર્ષ પછી હમણાં કહ્યું- લગાનને ઓસ્કાર ના મળ્યો તેનાથી નિરાશ થયો હતો પણ અન્ય ભાષાની કેટેગરીમાં લગાન ટોપ ફાઇવમાં હતી અને અંગ્રેજી સિવાયની અન્ય ભાષાઓની ફિલ્મો પસંદ કરનાર જ્યુરીને લગાન ગમી તે અમારા માટે બહુમાન સમાન..

લગાનની ગદર સાથે સરખામણી ના થઇ શકે એમ કહીને આમિર કહેછે કે ગદર મોટા બજેટવાળી ફિલ્મ હતી. તેણે લગાનની સરખામણીમાં સારી કમાણી કરી તે સાચુ તેમ છતાં બન્ને ફિલ્મો ગુડ…! દેખીતી રીતે બીજાની ફિલમને વખાણવાનું આમિરના સ્વભાવમાં નહીં હોય પણ તે એક ઇતિહાસ છે કે ગદર જોવા માટે લોકો ટ્રકોમાં ભરી ભરીને આવતા હતા..

લગાનમાં વાત ભારતને ગુલામ બનાવનાર અંગ્રેજોને હરાવવાની હતી તેમ છતાં તેની સરખામણીએ, ગદર કે જે ભારતના ભાગલા વખતની એક કાલ્પનિક કથા હોવા છતાં ભારત-પાકિસ્તાનના ભાગલાનું દર્દ જેણે અનુભવ્યું અને જેઓ ઇતિહાસને જાણે છે તેમને ગદરના તારાસિંગમાં પોતાનું દર્દ દેખાયુ અને તેથી તેઓ તેને પોતાની કથા સમજીને ચાહવા લાગ્યા અને ગદરે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી. 19 કરોડમાં બનેલી ગદરે 133 કરોડ કમાવ્યાં….. જ્યારે 25 કરોડમાં બનેલી લગાને માત્ર 66 કરોડની કમાણી કરી અને સાથે ઓસ્કાર નોમિનેટેડનું પીંછુ લાગ્યું..!!

બન્નેમાં દેશ પ્રત્યેની લાગણી તેમ છતાં લગાનમાં લોકોને એટલો ધિક્કાર અંગ્રેજો પ્રત્યે ના દેખાયો જેટલો ગદરમાં પાકિસ્તાનની સામે…ધિક્કાર જણાયો. અલબત ક્રિકેટના પ્રેમીઓને લગાન ગમી હશે કેમ કે તેમાં ક્રિકેટની મેચ દર્શાવવામાં આવી છે.

એક તુલના જો કરીએ તો ગદરના ગીતો કરતાં લગાનના ગીતો ખૂબ જ કર્ણપ્રિય અને લોકપ્રિય પૂરવાર થયા.લગાનમાં લગભગ તમામ મૂડના ગીતો છે. વરસાદના મોસમ માટે કાલે મેઘા કાલે મેઘા પાની તો બરસાઓ.., ભક્તિભાવ માટે ઓ પાલનહારે..નું ભજન પ્રકારનું સુમધુર ગીત છે તો મેચ જીતવાની તૈયારી માટેનું બઢે ચલો…કોઇ હમસે જિતના પાયે…બઢે ચલો…શૌર્ય ગીત પણ છે તો લોકોને સમજાવવા માટેનો ઓ મિતવા ઓ મિતવા તુઝકો ક્યા ડર હૈ રે…નું સ્વીટ સોંગ છે. તો અંગ્રેજ લેડીના એક તરફી પ્રેમ માટે રાધા કૈસે ન જલે…નું પ્રેમગીત છે. તો આ ફિલ્મનું શૂટીંગ ગુજરાતના કચ્છમાં થયુ હોવાથી તેમાં ડાંડિયારાસને લઇને મધુબન મેં જો કન્હૈયા…ગીત છે. ગદરમાં લગભગ બે ગીતો મૈં નિકલા ગડ્ડી લે કે….અને ઉડ જા કાલે કૌંઆ..લોકપ્રિય થયા હતા.
ગદરની નાયિકા અમિષા પટેલ અને લગાનની નાયિકા ગ્રેસીસિંગ યોગાનુયોગ પછી વધારે લોકપ્રિય કેમ ના બની….? તે એક રસપ્રદ બાબત ના કહી શકાય…? અમિષા ઋત્વિક સાથે કહો ના પ્યાર હૈ..માં ચમકી હતી. રેસ-2માં હતી. ગ્રેસીસિંગ ગંગાજલ, મુસ્કાન, મુન્નાભાઇ એમબીબીએસ વગેરે.માં આવી અને ખોવાઇ ગઇ….? ગદરનો સન્ની અને લગાનનો આમિર તે પછી હજુપણ ચમકે છે.

એક જ તારીખે એક જ વર્ષમાં અને લગભગ એક સમાન થીમ સાથે રજૂ થયેલી બે અલગ અલગ ફિલ્મોની સરખામણીમાં ગદરમાં રાષ્ટ્રવાદની સુનામી હતી તો લગાનમાં ધીરે ધીરે વહેતી નદી સમાનની લાગણી હતી.. હેન્ડપંપ ઉખાડવાના દ્રશ્યનો અને ડાયલોગનો કપિલ શર્મા શોમાં ધર્મેન્દ્ર અને સન્ની બનીને કૃષ્ણા અને કિકૂ શારદા વારંવાર ઉલ્લેખ કરીને હસાવવામાં આવે છે. લગાનના એવા કોઇ દ્રશ્ય કે ડાયલોગનો ફની અંદાજમાં હાસ્યરસ પિરસવવામાં અત્યાર સુધી કોઇ ઉલ્લેખ જોવા મળતો નથી. ભુવનની જીત કરતાં તારાસિંગની પાકિસ્તાનમાં જઇને પત્ની અને પુત્રને પરત મેળવવાની જીત વધારે અસરકારક પૂરવાર થઇ હતી…!! આજે પણ ભારતમાં પાકિસ્તાન પ્રત્યેનો ધિક્કાર રાષ્ટ્રવાદ માટે એક મજબૂત માધ્યમ બન્યું છે. તેનું કારણ ભાગલા વખતનું દર્દ અને પીડા….છે. ગદરને રિવર્સ લવ જોહાદનો કિસ્સો કહી શકાય…?!

 84 ,  1