સંસદમાં એક કાર દાખલ થઇ અને જોતજોતામાં….

જ્યારે 13મીએ સંસદ પર આતંકી હુમલો થયો..

સંસદને બચાવનાર એ શહીદોને નમન..

બે વડાપ્રધાનો ન કરી શક્યા એ મોદીએ એકલાએ…

સામસામે લશ્કરો ગોઠવાયા,આર યા પાર..પણ…

પુલવામા બાદ પાકિસ્તાન કા કામ તમામ..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

દેશની રાજધાની દિલ્હીમાં લોકશાહીના મંદિર સમાન સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે સવાલ-જવાબો થઇ રહ્યાં છે. કેટલાક સાંસદો સદનમાંથી બહાર નિકળ્યા ચા-પાણી માટે. સંસદ સંકૂલમાં સરકારી અને સાંસદોની ગાડીઓનું આવાગમ થઇ રહ્યું છે. એટલામાં સંકૂલની અંદર લાલ રંગની બત્તીવાળી એક એમ્બેસેડર કાર દાખલ થઇ… જેના ઉપર ગૃહમંત્રાલય દ્વારા અપાતા ખાસ સ્ટીકર પણ લગાવેલુ હતું. કાર પર સરકારી સ્ટીકરને કારણે તેને કોઇ રોકતુ નથી અને દરેક સુરક્ષા આડશોમાંથી પસાર થઇ જાય છે.

એટલામાં ઉપરાષ્ટ્રપતિ સંસદમાંથી બહાર જવા નિકળ્યા અને તેમના વાહનોનો કાફલો ગેટ નંબર 11 પર ગોઠવાઇ ગયો. એટલામાં ગેટ નંબર 12 પાર કરીને એ એમ્બેસેડર કાર ગેટ નં.11 તરફ જવા લાગી. ઉપરાષ્ટ્રપતિના સુરક્ષાકર્મીઓએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો એટલામાં દિલ્હી પોલીસનો એએસઆઇ જીતનરામની બુમ સાંભળીને સુરક્ષાકર્મી જગદીશ યાદવ એમ્બેસેડર કાર તરફ આગળ વધ્યો અને કારમાંથી ગોળીબાર શરૂ થયો અને સૌથી પહેલાં યાદવને ગોળીઓ વાગી….

સમય હતો સવારે 10 વાગીને 15 મિનિટ. તારીખ હતી 13 ડિસેમ્બર. અને વર્ષ હતુ 2001. ભારતના ઇતિહાસમાં એક કડવુ સત્ય કોતરાઇ ગયુ હતુ કે એ દિવસે ભારતના સંસદ પર આતંકી હુમલો થયો હતો..! સરકારી સ્ટીકર લગાડીને સંસદમાં પ્રવેશેલી એ એમ્બેસેડર કારમાં પાંચ આતંકીઓ હતા જે લશ્કર-એ-તોયબા અને જૈશ-એ મોહમ્મ્દ આતંકી સંગઠનોની સાથે જોડાયેલા હતા. અને તેઓ પોતાની સાથે કારમાં બંદૂકોની સાથે 30 કિલો આરડીએકસ લઇને સંસદ ઉડાવવા આવ્યાં હતા….તે વખતે સરકાર હતી એનડીએની.

કારમાંથી પહેલો ગાળીબાર થયો ત્યાં સુધીમાં સંસદના સુરક્ષાકર્મીઓમાં સંદેશો પહોંચી ગયો હતો કે ભારતની સંસદમાં આતંકીવાદીઓ ઘૂસી આવ્યાં છે…. કારમાંથી ગોળીબારના પગલે સુરક્ષાકર્મીઓએ પોતપોતાની પોઝીશન લઇ લીધી હતી અને સંસદ સદનમાં વડાપ્રધાન વાજપેયી સહિત સૌને કહી દેવામાં આવ્યું કે આતંકી હુમલો થયો છે અને કોઇ બહાર ન નિકળે..સંસદની કાર્યવાહીના કવરેજ માટે રાબેતા મુજબ ફરજ પર હાજર મિડિયાકર્મીઓ અને કેમેરામેન પણ સંસદમાં આતંકીઓના હુમલાની ખબરની સાથે લાઇવ કવરેજ માટે આમતેમ દોડી રહ્યાં હતા જેમા આતંકીના ગોળીબારમાં એક મિડિયાકર્મીનું પણ મોત થયું હતું. સમગ્ર હુમલાનું લાઇવ કવરેજ ચાલી રહ્યું હતું અને દેશ આખાએ અધ્ધરજીવે સંસદ પર થયેલા હુમલાની ઘટના નિહાળી હતી.

લોકશાહીના મંદિર અને આત્મા સમાન સંસદ પર થયેલો આતંકી હુમલો 45 મિનિટ સુધી ચાલ્યો હતો. તે વખતે સંસદ સંકૂલમાં 100 કરતાં વધારે સાંસદો હાજર હતા. સંસદ સંકૂલમાં સામ-સામે ગોળીઓની રમઝટ ચાલી અને પાકિસ્તાની આતંકીઓ સંસદને આરડીએકસથી ઉડાવે તે પહેલાં સુરક્ષાકર્મીઓએ તે તમામને ઉડાવી દીધા હતા… સમગ્ર કાર્યવાહીમાં એક નાગરિક (મિડિયાકર્મી) સહિત 12 સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા.

ભારતના ઇતિહાસમાં કલંકિત એ ઘટનાને 13 ડિસે.2021ના રોજ 20 વર્ષ પૂરા થશે. સંસદ પર હુમલાના લગભગ બે વર્ષ પહેલા 24 ડિસેમ્બર 1999 કંદહાર કાંડની ઘટના બની હતી જેમાં ભારતના ઇન્ડિયન એરલાઇન્સના વિમાનનું નેપાલના કાઠમંડુથી અપહરણ કરીનેવાયા પાકિસ્તાન થઇને અફઘાનના કંદહાર એરપોર્ટ લઇ જવામાં આવ્યું હતું. એ વિમાનમાં સવાર 150 પ્રવાસીનાબદલામાં જે આતંકીને છોડી મૂકાયો તે મસૂદ અઝહર જેશ-એ-મોહમ્મ્દ આતંકી સંગઠનનો કર્તાહર્તા હતો અને ભારતની જેલમાંથી કંદહાર પહોંચ્યા બાદ તેણે સંસદ પર હુમલાની સાજિશ રચી હોવાનું બહાર આવ્યું હતું.

તે વખતે વડાપ્રધાન વાજપેયી અને નાયબ વડાપ્રધાન તથા ગૃહમંત્રી એલ.કે. અડવાણીએ સંસદ પર હુમલાનો બદલો લેવા પાકિસ્તાન પર હુમલાની તૈયારીઓ કરીને આર યા પાર…ની હાકલ કરી હતી. પાકિસ્તાન સરહદે ભારતનું લશ્કર પર ગોઠવાઇ હતુ..ગમે ત્યારે યુધ્ધ થાય તેમ હતું..પણ તેઓ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જેમ અડગ અને અટલ નિર્ણય લઇને પાકિસ્તાનની સામે સર્જીકલ સ્ટ્રાઇક-એરસ્ટ્રાઇક કરી ન શક્યા…

જાણકારો એમ કહે છે કે જો એ વખતે પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવ્યો હોત તો 2008મા 26 નવેમ્બરના રોજ પાકિસ્તાનના આતંકીઓ મુંબઇ પર હુમલો કરવાની હિંમત કરી શક્યા નહોત. જેમાં 200 કરતાં વધારે નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા.

1999ના વિમાન અપહરણ કાંડમાં પાકિસ્તાનનો હાથ…2001માં સંસદ પર આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ…24 સપ્ટેમ્બર,2002માં અક્ષરધામ આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ…2008માં મુંબઇ આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ…2019માં પુલવામા આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ…અને હુમલાઓની પરાકાષ્ટા આવી ગઇ હોય તેમ વર્તમાન સરકારે પુલવામાં હુમલા બાદ ઉરી-પઠાનકોટ સહિતના તમામ હુમલાઓનો બદલો લઇને સર્જીકલ સ્ટ્રાઇક અને બાલાકોટ એર સ્ટ્રાઇક કરીને તમામ આતંકી હુમલાઓનો બદલો લઇને પાકિસ્તાનને મૂંહતોડ જવાબ આપ્યો- ઇનફ ઇઝ ઇનફ..બસ..અબ બહોત હો ચુકા…! અગર ફિર આંખ ઉઠાકર ભી દેખા તો ફિર એક બાર ઘર મેં ઘૂસ કર મારેંગે….!

 60 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી