September 21, 2020
September 21, 2020

નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા, આજુબાજુના ગામો પાણીમાં ગરકાવ

નર્મદા નદીમાં પૂરનું સંક્ટ..! અનેક ગામોમાં વરસાદી પાણી ઘૂસ્યા

મધ્યપ્રદેશ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા નદી કહેર બની રહી છે. નર્મદા નદીની સપાટી વધતા તેને અડતા ત્રણ જિલ્લાઓને અસર થઈ છે. અનેક ગામોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. ચાંદોદ, કરનાળી અને નંદેરીયા ગામમાં પાણી ઘૂસી ગયા છે. પાણીની સપાટી સતત વધી રહી છે. આવામાં નર્મદા નદીનાં પૂરે વિનાશક રૂપ ધારણ કર્યું છે. યાત્રાધામ ગરૂડેશ્વરમાં નર્મદેશ્વર મહાદેવ મંદિર પાણીના વહેણમાં તૂટી પડ્યું છે. જેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. ગરૂડેશ્વર દત મંદિરની બાજુમાં આ મંદિર પાણીને કારણે તૂટી પડ્યું છે. 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પરિસરની મુલાકાત લીધી હતી.

ભરૂચમાં નર્મદાનું જળસ્તર સતત વધી રહ્યું છે. સરદાર સરોવરમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ભરૂચ શહેરમાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. નર્મદાનું જળસ્તર ગોલ્ડનબ્રિજ ખાતે 32 ફૂટની સપાટી પર પહોંચી ગયું છે. કાંઠા વિસ્તારમાં ધસમસતો નદીનો પ્રવાહ નજરે પડી રહ્યો છે. આ કારણે ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડીયા તાલુકાના 35 ગામો એલર્ટ પર મૂકાયા છે. જિલ્લામાં કુલ 2500 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. ભરૂચ ગોલ્ડનબ્રિજ ઝૂંપડપટ્ટીમાં નર્મદાના પાણી ભરાયા છે. ઝૂંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જેથી ઝૂપડપટ્ટીના 50 લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડાયા હતા. ભાડભૂત ગામથી અંકલેશ્વરના સરફુદીન તરફ મોડી રાત્રે બોટ બંધ થઈ ગઈ હતી. જેથી NDRF એ 5 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. 

નોંધનીય છે કે, નર્મદા ડેમમાં પાણીની ધરખમ આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 10 લાખ 15 હજાર 569 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. અને ડેમની જળ સપાટી 132.51 મીટર પહોંચી છે. પાણીની સતત આવકના કારણે ડેમના 23 દરવાજા ખોલી 9 લાખ 54 હજાર ક્યુસક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નર્મદા, ભરૂચ સહિતના નીચાણવાળા વિસ્તારોના 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ વખતે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ થઇ રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધી 37.05 ઇંચ સાથે મોસમનો 113.26% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં કચ્છમાં 39.21 ઈંચ સાથે મોસમનો 241.73%, દક્ષિણ ગુજરાતમાં 56.53 ઈંચ સાથે મોસમનો 99.24% વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી બે દિવસ ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

 50 ,  5 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર