September 28, 2020
September 28, 2020

સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યાં, ડેમની સપાટી 131.15 મીટરે પહોંચી

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે આશરે 5 લાખથી 8 લાખ ક્યુસેક પાણી સરદાર સરોવરમાં આવવાની સંભાવના

સતત ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે. જેને કારણે 131.25 મીટરની સપાટી વધતા નર્મદા ડેમનાં પહેલા 15 દરવાજા ખોલાયા હતા, પરંતુ ગણતરીના કલાકોમાં જ બીજા 8 દરવાજા ખોલી દેવાયા છે. આમ, હાલ કુલ 23 દરવાજા ખોલી દેવાયા છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 5 લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડેમમાં છોડવામાં આવ્યું છે, જેથી 23 ગેટ ખોલવાની ફરજ પડી છે.

શનિવારના રોજ નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતેના સરદાર સરોવર ડેમની ઉપરવાસમાં આવેલા ઇન્દીરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમમાંથી આશરે ૫ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જે પાણી સરદાર સરોવરમાં દાખલ થતાં સરદાર સરોવર ડેમની સપાટી સવારે 131.28 મીટર જેટલી નોંધાયેલ હતી. આ સમયે સરદાર સરોવર ડેમમાં 15 ગેટ 3.13 મીટર જેટલા ખોલવામાં આવ્યા હતાં અને ભરૂચ તરફ 2,68,808 ક્યુસેક જેટલું પાણી વહી રહ્યું હતું. આ સમયે ડેમમાં 7,216 મીલીયન ક્યુસેક મીટર પાણીનો ગ્રોસ સ્ટોરેજ થયેલો હતો, જેમાં લાઇવ સ્ટોરેજ 3,516 મિલીયન ક્યુબીક મીટર જેટલો નોંધાયેલ હતો.

થોડાક સમય બાદ ડેમના 23 ગેટ 2.85 મીટર જેટલા ખૂલ્લા કરવામાં આવ્યા છે. આ સમયે 4.10 લાખ ક્યુસેક જેટલો પાણીનો ફ્લો ભરૂચ તરફ વહી રહ્યોં છે. આની સામે અત્યારે ઇનફ્લો 3.76 લાખ ક્યુસેક જેટલો નોંધાયેલ છે, તેમ નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જરે જણાવ્યું હતું. છેલ્લે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે સાંજે નર્મદા ડેમની સપાટી 131.15 મીટરે નોંધાઇ હતી.

હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી આશરે 5 લાખથી 8 લાખ ક્યુસેક જેટલું પાણી સરદાર સરોવરમાં આવવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને ડેમના દરવાજા હજુ 2.85 મીટરથી વધારે ઉંચા ખોલવામાં આવશે. હાલમાં રીવરબેડ પાવર હાઉસના પાંચ યુનિટ ચાલુ હોવાથી 1 હજાર મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે અને વિજળી ઉત્પન્ન કર્યા પછી 35 હજાર ક્યુસેક જેટલું પાણી ભરૂચ તરફ વહી રહ્યું છે. તદ્ઉપરાંત કેનાલ હેડ પાવર હાઉસમાં 3 યુનિટ કાર્યરત છે અને 150 મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે, જેને કારણે 10 હજાર ક્યુસેક જેટલો પાણીનો ફ્લો મુખ્ય કેનાલ તરફ વહી રહ્યોં હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.

 82 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર