25 લાખ લાંચ પ્રકરણ : અન્ય અધિકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા- ACB

પોલીસે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી

આરોપીઓના બેંક એકાઉન્ટ સહિતના મુદ્દે તપાસ જારી

એસીબીએ ધોળકામાં મામલતદાર અને ખાનગી વ્યક્તિને 25 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે. ત્યારે બન્ને આરોપીઓને વિવિધ મુદ્દે રિમાન્ડ માટે સ્પે. એસીબી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં એસીબીએ રિમાન્ડ અરજીમાં એવી શંકા વ્યક્ત કરી હતી કે, આ કેસમાં અન્ય અધિકારીઓ કે કર્મચારીઓની પણ સંડોવણીની આશંકા છે. બીજી તરફ આ મામલે સ્પે. કોર્ટને જજ જે.એ.ઠક્કરે બન્ને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. ત્યારે એસીબીએ બન્ને આરોપીઓના બેંક એકાઉન્ટ સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે.

25 લાખની લાંચ લેતા ઝડપાયેલાઓમાં હાર્દિકભાઇ મોતીભાઈ ડામોર, મામલતદાર કચેરી, વર્ગ-2, રહે. 14, આકાશ બંગ્લોઝ, કલીકુંડ, ધોળકા, મુળ ઝાબ પૂર્વ, તા-ફતેપુરા, જી-દાહોદ) તથા જગદીશભાઈ જેઠાભાઈ પરમાર (ખાનગી વ્યક્તિ) રહે. વણકરવાસ, સોનાર કુઈ, ધોળકાને એસીબીએ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા કોર્ટને જણાવ્યું હતું કે, 25 લાખની લાંચ સ્વીકારી તે મામલે બન્ને આરોપીઓની પ્રત્યક્ષ પુછપરછ જરૂરી છે, આરોપીઓએ 25 લાખની લાંચ લીધી છે તેથી તેમાં અન્ય ઉપરી અધિકારીની સંડોવણી હોવાની શક્યતા અંગે તપાસ જરૂરી છે, આરોપીઓનું ડીએફએસ ખાતે લઇ જઇ વીડિયોગ્રાફીથી નિવેદન લેવાનું છે, આરોપીઓએ જુદા જુદા ત્રણ કામ માટે લાંચ માગી હતી. તે ક્યા કયા કામ હતા તે મામલે આરોપી યોગ્ય જવાબ આપી રહ્યાં નથી, આરોપીઓએ લાંચની રકમમાં કર્મચારી કે અધિકારીને હિસ્સો આપવાના હતા કે નહીં?, આરોપીએ કયા કારણસર આટલી મોટી લાંચ માગી?, આરોપીએ અન્ય સરકારી કામો કરવા પણ લાંચ માગી હોવાની શક્યતા છે તે મુદ્દે તપાસ જરૂરી છે, આરોપીઓએ લાંચની રકમથી પોતાના કે કુટુંબીજનોના નામે સ્થાવર કે જંગમ મિલકત વસાવી છે કે નહીં?

આરોપીઓ રેડ હેન્ડેડ ઝડપાયા છે છતા એક બીજાના માથે આરોપ મુકી રહ્યાં છે તેમાં સત્ય શું છે?, એક આરોપી વર્ગ 2 અધિકારી છે જ્યારે બીજો આરોપી રાજકીય આગેવાન છે તેથી તેઓ બન્ને કાર્યકાળ દરમિયાન લાંચીયા વૃત્તિ દાખવી હોવાની શક્યતા છે તેથી બન્નેની તપાસ જરૂરી છે સહિતના મુદ્દે તપાસ કરવા સાત દિવસના રિમાન્ડની જરૂર છે.

મોબાઇલ ડિટેઇલ ઘટસ્ફોટ કરે તેવી શક્યતા

એસીબીએ બન્ને આરોપીઓના મોબાઇલ મેળવી લીધા છે. ઉપરાંત બન્નેના મોબાઇલ નંબરની કોલ ડિટેઇલ પણ મંગાવી છે ત્યારે મોબાઇલ કોલ ડિટેઇલ કેટલાક ઘટસ્ફોટ કરે તેવી શક્યતા છે. ઉપરાંત બન્ને આરોપીઓના વોટ્સ એપ પર થયેલ ચેટ અને કોલિંગની પણ માહીતી એસીબીએ મેળવી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

 11 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર