35 લાખ લાંચ કેસ : PSI શ્વેતા જાડેજાના બનેવી કોર્ટમાં સરન્ડર થયો

કોર્ટે કસ્ટડી એસઓજીના તપાસ અધિકારીને સોંપી, આજે રિમાન્ડ માટે રજૂ કરશે

કોરોનાનો રિપોર્ટ કરાવીને કોર્ટમાં આવ્યો

દુષ્કર્મ કેસમાં પાસા ન કરવા અંગે પીએસઆઇ શ્વેતા જાડેજા પર 35 લાખની લાંચ આંગડીયા મારફતે બનેવી દેવેન્દ્ર નાથાભાઇ ઓડેદરાને મોકલી આપી હતી. આ કેસમાં મહિનાઓ છતા દેવેન્દ્રને પોલીસ શોધી શકી ન હતી. જેથી કોર્ટે તેને સોમવારે ફરાર જાહેર કર્યો હતો. ત્યારે આજે દેવેન્દ્ર અચાનક જ પોતાના એડવોકેટ સાથે સ્પે. કોર્ટમાં સરન્ડર થયો હતો. ત્યારબાદ કોર્ટે તપાસ અધિકારીને બોલાવી તેની કસ્ટડી એસઓજીને સોંપી છે. જેથી હવે શનિવારે આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પીએસઆઇ શ્વેતા જાડેજાએ લાંચની રકમ બનેવી દેવેન્દ્ર ઓડેદરાને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આંગડિયા પેઢી મારફતે 30 લાખનું આંગડિયુ કરવામાં આવ્યું હતું. જે પૈસા દેવેન્દ્રએ સ્વીકાર્યા હતા. આ ઉપરાંત અન્ય લાંચની રકમ પણ પીએસઆઇએ બનેવી દેવેન્દ્રને મોકલી હતી. તે પૈસા પણ તેને સ્વીકાર્યા હોવાનું સામે આવ્યું હતું. પરંતુ પોલીસના હાથે દેવેન્દ્ર લાગ્યો ન હતો. જેથી દેવેન્દ્રનું પોલીસે પહેલાં સીઆરપીસીની કલમ-70 મુજબનું વોરંટ મેળવ્યું હતું અને પછી સીઆરપીસીની કલમ-82 મુજબ ફરાર કોર્ટે જાહેર કર્યો હતો. ત્યારે હવે દેવેન્દ્ર પોલીસ સમક્ષ હાજર ન થાત તો તેની મિલકત જપ્તીની કાર્યવાહી કરવામાં આવતી.

આ દરમિયાન આજે સવારે દેવેન્દ્ર પોતાના એડવોકેટ સાથે કોર્ટમાં હાજર થઇ ગયો હતો અને સરન્ડર બીફોર ધી કોર્ટની અરજી કરી હતી. ઉપરાંત કોરોના ટેસ્ટ કરવામાં પોલીસ સમય ન બગાડે તે માટે આરોપી દેવેન્દ્ર પહેલાંથી જ કોરોના રિપોર્ટ કરાવી હાજર થયો હતો. આરોપી હાજર થતા કોર્ટે યોગ્ય વેરીફિકેશન કર્યા બાદ તપાસ અધિકારીને નોટિસ પાઠવી હતી. બપોરે તપાસ અધિકારી કોર્ટમાં હાજર થયા હતા અને દેવેન્દ્રની કસ્ટડી મેળવી હતી. જેથી હવે શનિવારે આરોપીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.

લાંચના પૈસા રિકવર કરવા સૌથી મહત્ત્વનું પાસુ

લાંચ કેસમાં લાંચની રકમ કેસ પુરવાર કરવા મહત્ત્વનું પાસુ હોય છે ત્યારે 35 લાખથી વધુના લાંચ કેસમાં એસઓજી હજુ સુધી લાંચની એક રૂપિયાની રકમ પણ રિકવર કરી શકી નથી. કેમ કે પીએસઆઇ શ્વેતા પાસે લાંચના પૈસા હતા જ નહીં તેણે બધા પૈસા આરોપી દેવેન્દ્રને આંગડિયા મારફતે મોકલી આપ્યા હતા. ત્યારે હવે એસઓજી લાંચના પૈસા કેવી રીતે રિકવર કરે છે તે જોવાનું રહ્યું .

 78 ,  1