જમ્મુ-કાશ્મીરમાં 24 કલાકમાં એન્કાઉન્ટરમાં 5 આતંકીઓ ઠાર

વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં સુરક્ષા દળોએ 71 આતંકવાદીઓનો કર્યો ખાત્મો

જમ્મુ-કાશ્મીરના કુલગામ ખાતે સુરક્ષાદળોએ વધુ 2 આતંકવાદીઓને ઠાર મારવાની સાથે છેલ્લા 24 કલાકમાં કુલ 5 આતંકવાદીઓનો ખાત્મો કરવામાં મોટી સફળતા મળી છે. આ અંગે કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં કાશ્મીરમાં 5 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ માટે તેમણે પોલીસ અને સુરક્ષા દળોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બુધવારે મોડી રાતે દક્ષિણી કાશ્મીરમાં અથડામણ શરૂ થઈ હતી અને 2 આતંકવાદીઓ ઘેરાયા હોવાની બાતમી મળી હતી જેના પગલે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. પુલવામા ખાતે આતંકવાદીઓ છૂપાયા હોવાની સૂચના મળ્યા બાદ સૈન્યે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. એસઓપીના કહેવા પ્રમાણે પહેલા તેમને આત્મસમર્પણ કરવાની તક આપવામાં આવી હતી જે બાદ પણ આતંકવાદીઓએ સમર્પણ કરવાના બદલે ગોળીબાર શરૂ રાખ્યુ હતુો અને જવાબી કાર્યવાહી બાદ અથડામણ શરૂ થઈ હતી. બંને બાજુથી મોડી રાત સુધી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

અગાઉ ઉત્તર કાશ્મીરના હંદવાડા ખાતે સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ હિજબુલના ટોપ કમાન્ડર મેહરાજુદ્દીન ઉર્ફે ઉબૈદને ઠાર માર્યો હતો. ઉબૈદ અનેક આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં સુરક્ષા દળોને કાશ્મીર ઘાટીમાં 71 આતંકવાદીઓને ઠાર મારવામાં સફળતા મળી છે.

 14 ,  1