બંગાળની ચૂંટણીઓમાં 500 પેજનો વોટ્સએપ ચેટમસાલે કા તડકા લગેગા..!

અર્નબ-પાર્થો વચ્ચેનો વોટ્સએપ મેસેજ મસાલો બંગાળની ધરાને ધણધણાવશે..?

500 પેજના ચેટમસાલામાં છે પુલવામા, બાલાકોટ- કંગના- પ્રકાશ જાવડેકર…..

મુંબઇ પોલીસ દ્વારા અર્નબની સામે 3600 પેજનું આરોપનામુ..એ..ય શાબ્બાશ…

બાર્કમાંથી દૂર થશે રિપબ્લિક ટીવી ચેનલ…? માંગણી તો થઇ જ છે..

અર્નબના ખભે બંદૂક, બંદૂકમાં ચેટમસાલાનો દારૂગોળો, ટ્રિગર પર વિરોધીઓની આંગળીઓ અને…?

મસાલો હાથ લાગતા જ શિવસેના, અખિલેશ, કેજરીવાલ સૌ બોલ્યા- ચલો બંગભૂમિ…!!

( નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

વડીલોએ સાચુ જ કહ્યું છે કે વાણી અને વર્તનમાં સંયમ રાખીએ તો મુશ્કેલીને ટાળી શકાય. કદાજ રીપબ્લિક ભારત અને આર. ભારત નામની ટીવી ચેનલના માલિક અને ચીફ એડિટર અર્નબ ગોસ્વામીએ વડીલોની આ સલાહ નહીં સાંભળી હોય અથવા સાંભળી હોય તો પણ મુઝે દુશ્મન ક્યા મારેગો મેરા દસ્ત હૈ “ઉપરવાલા”…..માં રાચીને અને નાચીને કેટલાક રાજનેતાઓના જાહેરમાં અપમાન, વણછાજતા ઉચ્ચારણો, પદ પર પોતાના માનીતાને નહીં પણ પોતાના માનીતાના હરિફને બેઠેલા જોઇને તેમનું ખુલેઆમ અપમાન, તેમને તુચ્છ સમજીને પૂછતા હૈ ભારતના નામે- અરે..ઉદ્ધવ…તું હૈ કૌન….? ક્યા કર લેગા તું….? હિન્દુસ્તાન કા માલિક હૈ ક્યા તું…? તું હૈ કૌન…જેવા અને એવા એવા તુમાખીભર્યા ઉચ્ચારણો દ્વારા જે વાણી અને વર્તન પોતાની ટીવી ચેનલમાં બતાવ્યા તે પછી પદ પર બેઠેલાઓએ, તેને જે બતાવ્યું તે વોટ્સએપ ચેટમસાલાનો બંગાળ અને અન્ય જે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તેમાં ઉપયોગ નહીં થાય એમ કહેવું અતિશયોક્તિભર્યું કહી શકાય. ઠાકરે-પવાર-કોંગ્રેસ આવો ગરમાગરમ વોટ્સએપ ચેટમસાલો છોડે…?!

“પોતાના” પદ પર હતા ત્યારે અર્નબનું ટીઆરપી રેટ કાંડ કેટલુ સરસ ચાલતું હતું …? ટીઆરપી રેટ નક્કી કરનાર એજન્સી બાર્કની સાથે મળીને જે ખેલ ખેલવામાં આવી રહ્યો હતો તે મસ્ત મસ્ત રીતે ચાલી રહ્યો હતો. પણ મહારાષ્ટ્રમાં સત્તા બદલાયા બાદ તેમણે કોઇકના કહેવાથી બુમબરાડા પાડી પાડીને- તું હૈ કૌન….કહી કહીને ઠાકરે સરકાર સામે જે વાણી-વર્તન વિલાસ દ્વારા ઉશ્કેરણી કરી તેમાંથી બહાર આવ્યું ટીઆરપી કૌભાંડ…!!

મારી ચેનલ સૌથી વધારે જોવાય છે એટલે મારી ટીવી ચેનલમાં જાહેરખબરના ભાવ મેરી મનમર્જિયાની જેમ લઇશ એમ કહીને જે ઉંચા ભાવ લેતો તેમાં એવું બહાર આવ્યું કે 500-500 રૂપિયા આપીને લોકોને કહેવામાં આવતું કે તમે આર.ભારત ચેનલ જુઓ..આખો દિવસ ટીવી ચાલુ રાખો…અંગ્રેજી ના આવડતી હોય તો પણ રોજના 500 રૂપિયા મળતા હોય તો મુંબઇમાં ગરીબ ઝૂંપડપટ્ટીમાં રહેનાર માટે તો ભયો…ભયો…રોજ પૂછતા હૈ ભારત… ટીવી ચેનલ ચાલુ કરી દેવી અને પછી બીજા કામમાં લાગી જવુ. બાર્ક એજન્સીએ એ ગરીબ દર્શકના ઘરે મૂકેલ ટીવી રેટીંગ મશીનમાં નોંધાઇ જાય કે આર.ભારત ચેનલ સૌથી વધારે જોવાય છે…! આર.ભારત-ગોસ્વામીની બાર્ક એજન્સી સાથેની આ કથિત મિલીભગતમાંથી મુંબઇ પોલીસને અને ઠાકરેની અઘાડી સરકારને જાણે-અજાણે અને અનાયાસે જબરજસ્ત મસાલો હાથ લાગ્યો છે….!

મુંબઇ પોલીસે ટીઆરપી કાંડમાં અર્નબ અને બાર્કના દૂર કરાયેલા સીઇઓ પાર્થો દાસગુપ્તાની સામે 3600 પાનાની ચાર્જશીટ રજૂ કરી જેમાં 500 કરતાં વધારે પાના તો તેમની વચ્ચે વોટ્સએપ મેસેજિંગ એપ પર થયેલી વાતચીત-ચેટીંગના છે….!! આ 500 પાનાની ચેટીંગ હવે સાર્વજનિક થઇ ગઇ છે અને 500 પાનાં વોટ્સએપમાં વાઇરલ થઇ રહ્યાં છે….!!

અર્નબ અને પાર્થો વચ્ચેના આ તમતમાટ આવે તેમાં ચેટમસાલામાં પુલવામા આતંકી હુમલાનો ઉલ્લેખ છે, બાલાકોટ એર સ્ટ્રાઇક ક્યારે થશે તેનો ઉલ્લેખ છે, કંગના કેવી છે, કેન્દ્રના મંત્રી પ્રકાશ જાવડેકર કેવા છે, એ વખતના નાણાંમંત્રી અરૂણ જેટલી કેવા હતા, કોણ મંત્રી બનશે, કોણ અધિકારી ક્યાંથી ક્યાં મૂકાશે, પીએમઓમાં પોતાના કેવા અને કેટલા નજીકના સંપર્કો છે…ભારતનું લશ્કર પુલવામા પછી હવે શું કરશે તેની માહિતી પોતાને હતી એવો વટભેર ઉલ્લેખ પણ વોટ્સએપ ચેટમસાલામાં હોવાનું બહાર આવ્યું અને અર્નબને ફરી પકડવાનો તખ્તો તૈયાર…..!?

ઠાકરે સરકાર આ વખતે અર્નબની ધરપકડ ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કરે તો કેટલાકને નવાઇ નહીં લાગે. કદાજ રાજદ્રોહની કલમ પણ ઉમેરે..! .કેમ કે ઠાકરે સરકાર એમ માનેતી હશે કે, અબ આયા ઉંટ પહાડ કે નીચે….લોહા ગરમ હૈ માર દો હથોડા…અને બે વર્ષ જુના કેસમાં અર્નબ બહાર નિકળી ગયો પણ વોટ્સએપ ચેટમસાલામાં પૂછતાં હૈ ભારત-.ઠાકૂર તો ગિયો….?

શિવસેનાએ ક્યારેય બંગાળની ચૂંટણીઓમાં ઝંપલાવ્યું નથી. શિવસેનાએ ક્યારેય મહારાષ્ટ્રના સિમાડા વટાવ્યાં નથી. પણ…. અર્નબ ગોસ્વામી ચેટમસાલો હાથમા આવ્યાં બાદ શિવસેનાએ જાહેર કર્યું- અમે બંગાળ જઇશું…ચૂંટણી લડીશું..ભાજપને હરાવશું…મમતાને જિતાડશું…! કારણ..? 500 પાનાનો અર્નબમસાલો..!! ?

ચેટમસાલાનો ઉપયોગ શિવસેના, કોંગ્રેસ, મમતા, સામ્યવાદીઓ, આમ આદમી પાર્ટી…અને આ બધાની તરફ કૂણી લાગણી ધરાવનાર મિડિયા કોની સામે કરશે એ અર્નબ બરાબર જાણે છે એટલે પોતાની સામે પોલીસ કાયદાકિય સિકંજો કસે તે પહેલા પોતાની ચેનલમાં પોતાને બદલે બીજા એંકર પાસેથી- હાં મૈં જાનતા થા દેશ કી આર્મી પાકિસ્તાન કે ખિલાફ ક્યા કરનેવાલી હૈ….નો કાર્યક્રમ ચલાવીને હું પાકિસ્તાનની સામે લડી રહ્યો હોવાનું પરોક્ષ રીતે જાહેર કરીને પોતે નિર્દોષ હોવાની હિન્દીમેં કહે તો મૂહિમ…શૂરૂ કી હૈ…! પાકિસ્તાન સામે લડવાથી બધા ગુના માફ થઇ જતાં હોય તો, તો….તો… પછી દરેક ખોટુ કરનાર એમ કહીને છટકી જાય કે મૈંને તો પાકિસ્તાન કો સબક સિખાને કે લિયે કિયા…!! બની શકે કે અર્નબ પાકિસ્તાનના નામે લાગણીઓ જીતવાનો પ્રયાસ કરી રહ્યો હોય…!!

અર્નબના મજબૂત ખભે બંદૂક અને બંદૂકમાં ભરેલો હશે ચેટમસાલાનો દારૂગોળો અને બંદૂકનો ઘોડો-ટ્રિગર પર એક આંગળી નહીં પણ અનેક આંગળીઓ હશે ઠાકરેની…પવારની…મમતાની….લાલબિરાદરોની…કેજરીવાલની….રાહુલની…પ્રિયંકાની….અખિલેશની…અને બંદૂકના નિશાને……..?

એક નવા ડેવલોપમેન્ટ ન્યૂઝમાં ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન-એનબીએ- દ્વારા બાર્ક એજન્સીને કહી દેવામાં આવ્યું કે ટીઆરપી રેટીંગ યાદીમાંથી અર્નબની ચેનલને દૂર કરો, કેમ કે આર.ભારત ટીવી દ્વારા થયેલા રેટિંગ કૌભાંડમાં બ્રોડકાસ્ટ ઉદ્યોગની પ્રતિષ્ઠીને હાનિ પહોંચી છે. તેથી કોર્ટનો ચુકાદો ના આવે ત્યાં સુધી આર.ભારતને રેટીંગમાંથી બાકાત રાખો, તેનું સભ્યપદ સસ્પેન્ડ કરો….

પ્રતિબંધિત એસોલ્ટ રાઇફલ એકે-56 રાખવાના ગુનામાં મુન્નાભાઇ એટલે કે સંજયદત્તે જેલવાસમાં રેડિયો સ્ટેશન જેલની અંદર શરૂ કરાવ્યો હતો લગે રહો મુન્નાબાઇ ફિલ્મની જેમ……! પૂછતા હૈ ભારત-મહારાષ્ટ્રની તલોજાની જેલમાં ટીવી ચેનલ શરૂ ના થાય તો સારૂ….!!

ચેટમસાલામાંથી બોધપાઠઃ

વાણીમાં સંયમ રાખો…

વર્તનમાં સંયમ રાખો…

સત્તા બદલાય એટલે સંયમ રાખો…

તું હૈ કૌન..એવું બોલવામાં સંયમ રાખો…

સત્તા પર દેવેન્દ્ર ના હોય તો ખાસ સંયમ રાખો…

અને સત્તામાં ઠાકરે હોય, તો તો વોટ્સએપ..વોટ્સએપ…રમતા-લખતાં ખાસ ખાસ સંયમ રાખો..!!.

-દિનેશ રાજપૂત

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર