મોરબી નજીક છરીની અણીએ 6.15 લાખની દિલધડક લૂંટ

બે શખ્સો ડૂચો મારીને રોકડ લઇ ફરાર, ડીવાયએસપી સહિતનો કાફલો દોડયો

મોરબીના સોખડા ગામના પાટિયા પાસે આવેલ હોટલના પ્રાંગણમાં ઝોકું ખાવા ઉભા રહેલા પડધરીના બોલેરો ચાલકને બે શખ્સોએ પરોઢિયે છરીની અણીએ લૂંટી લેતા ચકચાર મચી જવા પામી છે. આ લૂંટમાં 6.15 લાખ રોકડા લૂંટાયા હોય પોલીસે ચોતરફ નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે અને જાણભેદુઓએ આ લૂંટને અંજામ આપ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે.

મોરબી તાલુકાના સોખડા ગામના પાટિયા પાસે આવેલ પિતૃકૃપા હોટલ નજીક બોલેરો જીપ ચાલક સૂતો હતો ત્યારે અજાણ્યા બે શખ્સોએ ત્યાં આવીને જીપ ચાલકના મોઢા પર ડૂચો મારીને તેના બંને હાથ બાંધી દીધા હતા અને શરીરે નાનીમોટી ઈજાઓ કર્યા બાદ તેની પાસેથી રોકડા રૂપિયા 6.15 લાખની લૂંટ કરી હતી. આ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં ડીવાયએસપી, તાલુકા પીઆઇ, એલસીબીની ટીમ સહિતના પોલીસ જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને લુંટારૂને પકડવા સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે દ્વારા તપાસ તેમજ જિલ્લામાં નાકાબંધી પણ કરવામાં આવી છે.

સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને લૂંટ ચલાવી નાસી છૂટેલા બે શખ્સોને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવે છે બનાવની સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પડધરી ગામે રહેતા જેસંગભાઈ લાધાભાઇ સોલંકી પોતાની બોલેરો ગાડી લઈને ભુજથી ગોંડલ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેને ઊંઘ આવતી હોવાના કારણે તેઓએ સોખડા ગામના પાટિયા પાસે આવેલ પિતૃકૃપા હોટલના પાર્કિંગમાં પોતાની બોલેરો ગાડી ઊભી રાખી હતી અને ત્યાં પોતે ગાડીમાં સુતા હતા ત્યારે અજાણ્યા બે શખ્સોએ ત્યાં આવ્યા હતા અને તેના હાથ બાંધી મોઢા પર ડૂચો મારીને તેની પાસેથી રોકડા રૂપિયા 6.15 લાખની લૂંટ ચલાવી છે તેવું હાલમાં ભોગ બનેલા જેસંગભાઈ પોલીસને જણાવી રહ્યા છે. તેના કહેવા મુજબ ગોંડલ ખાતે ડુંગળીના બિલના રૂપિયા ચૂકવવાના હતા માટે તેની પાસે આ મોટી રકમ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે લૂંટનો બનાવ જે જગ્યા ઉપર બનેલો છે ત્યાં પિતૃકૃપા હોટલમાં સીસીટીવી કેમેરો પણ લાગેલો છે જેથી સમગ્ર ઘટના શંકાસ્પદ હોય એવું ક્યાંકને ક્યાંક લાગી રહ્યું છે અને સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ગાડી આવીને હોટલના પાર્કિંગમાં ઉભેલી તેની ગણતરીની કલાકોમાં જ આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવું હાલમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ પરથી જોવા મળ્યું છે જેથી કરીને ક્યાંકને ક્યાંક આ સમગ્ર ઘટના શંકાસ્પદ હોવાનું લાગતું હોવાથી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જોકે જેસંગભાઇ સોલંકીને ઇજાઓ કરવામાં આવી હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હાલમાં નાકાબંધી કરાવીને સીસીટીવી ફુટેજમાં દેખાતા અજાણ્યા બે શખ્સોને પકડવા માટે તપાસ શરૂ કરેલ છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી