અમદાવાદ : આવકવેરાના અધિકારી હોવાનું કહીને રૂ.3 કરોડની લૂંટ કરી 6 શખ્સો ફરાર

આંગડિયા પેઢીના કર્મચારીઓ સોનાના દાગીના અને બિસ્કીટ લઈને રાજકોટ જતા હતા

ખેડા લઈ અવાવરૂ જગ્યાએ બાંધીને લૂંટ કરી 6 શખ્સો ફરાર થઈ ગયા

શહેરમાં ફરી એક વાર લૂંટનો ચોક્કાવનાર કિસ્સો સામે આવ્યો છે. જેમાં લૂંટારૂઓના નિશાને આંગડિયા પેઢીના કર્મચારીઓ આવ્યા છે. સોનાના દાગીના અને બિસ્કીટ લઈને રાજકોટ જઈ રહેલા આંગડિયા પેઢીના બે કર્મચારીઓને 6 શખ્સોએ આવકવેરાના અધિકારી હોવાનું જણાવીને ધોળકા હાઈવે પરથી બસમાંથી ઉતારી ખેડા લઈ જઈ લુંટી લીધા હતા. ત્યારબાદ તામામ આરોપી તેમની કારમાં બેસી રફુચક્કર થઈ ગયા હતા આ અંગે બગોદરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા માટે તમામ ચક્રોગતિમાન કર્યા છે.

રતનપોળમાં મિર્ચી પોળમાં આવેલી અમૃતલાલ માધવલાલ એન્ડ કંપનીના કર્મચારી અને પાટણમાં રહેતા ચૈનાજી લાલુજી પરમાર તથા રાજેશ પટેલ બુધવારે સવારે એસટી બસમાં રાજકોટ જવામાટે બેઠા હતા ત્યારે 9 વાગે જ્યારે બસ બગોદરા ડેપોમાં પહોચે તે પહેલા ખાનગી ગાડીમાં આવેલા 6 આરોપીએ બસને રોકી આવકવેરા વિભાગના અધિકારી તરીકે ઓળખ આપી રાજેશ પટેલ અને ચૌનાજી પરમારને બસમાંથી ઉતારી દીધા હતા તથા તે બંન્નેને તપાસ માટે લઈ જવાના છે તેમ કહીને કારમાં બેસાડી દીધા હતા.

ત્યારબાદ આ 6 શખ્સો તેમને ખેડા નજીક રઢુ ગામ પાસે અવાવરૂ જગ્યાએ લઈ ગયા અને તેમને બાંધીને તેમની પાસે રહેલા રૂ.3 કરોડની કિંમતની સોનાની લુંટ કરી કાર લઈને 6 શખ્સો નાસી ગયા હતા. જો કે રઢુ ગામ પાસેની અવાવરૂ જગ્યાએથી પસાર થતા એક યુવકે બે વ્યક્તિઓને બાંધેલી હાલતમાં જો તે તેણે બંન્નેને ખોલીને તેમની પુછપરછ કરી ત્યારે રાજેશભાઈ તેમની સાથે લુંટ થઈ હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ રાજેશભાઈ પોલીસને જાણ કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બગોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ રાજેશ પટેલ અને ચૈનાજી પરમારની ફરિયાદના આધારે 6 શખ્સોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી શોધખોળ હાથધરી છે.

આ ઘટના અંગે ગ્રામ્ય પોલીસ વડા વીરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે, આરોપીઓએ બંન્ને આંગડીયા કર્મચારીઓની પહેલાથી રેકી કરી હોવાની શંકા છે. તથા તે સિવાય પણ બંન્ને વેપારીઓ પાસે મોટી રકમનું સોનું હોવાનું કોઈ શખ્સે આરોપીઓને જાણ કરી હોવાની પણ શક્યતાઓ રહેલી છે. હાલમાં તમામ વિસ્તારના સીસીટીવી ફુટજ મેળવીને આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથધરવામાં આવી છે.

 50 ,  1