ખાળકૂવાની સફાઈ કરતાં 7 મજૂરોના મોત

વડોદરાના ડભોઇ તાલુકાના ફરતીકુઇ ગામ પાસે આવેલી દર્શન હોટલમાં ગઈકાલે રાત્રે દુ:ખદ ઘટના બની હતી,  દર્શન હોટલનો ખાળકૂવો સાફ કરવા ઉતરેલા 7 મજૂરના મોત થયા છે.  ખાળકૂવો સાફ કરતી વખતે ઝેરી ગેસના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. આ ઘટના બાદ હોટલનો માલિક ફરાર થઈ ગયો છે. 

 મળતી માહિતી પ્રમાણે ઝેરી ગેસની અસર થતા એક મજૂર ખાળકૂવામાં ઢળી પડ્યો હતો. તેને બચાવવા માટે અન્ય 6 મજૂર ખાળકૂવામાં ઉતર્યા હતા. પરંતુ તેઓ પણ એક બાદ એક મોતને ભેટ્યા હતા. મજૂરો ફાયર સેફ્ટીના સાધનો વગર ખાળકૂવો સાફ કરવા માટે ઉતર્યા હતા. મોડી રાત્રે બનેલી ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને 6 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં છે.

આ બનાવને પગલે ડી.વાય.એસ.પી. કે.વી. સોલંકી, પી.આઈ. જે.એમ.વાઘેલા, ડભોઇ મામલતદાર ડી.કે.પરમાર, ડભોઇ ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે ડભોઇ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને ફરાર માલિક પર એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે તેમજ  મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ખાળકૂવો ગેરકાયદેસર છે, અને સ્થાનિકોએ આ મામલે તંત્રને ફરિયાદ પણ કરી છે. સ્થાનિકોના મતે કોઇ પગલા લેવામાં ન આવતા બેદારકારીને કારણે 7 મજૂરોના મોત થયા છે. આ ઘટના બાદ પોલીસ તંત્ર દોડતુ થયું હતું.

 38 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી