સેનાનો જડબાતોડ જવાબ : 8 પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા, લોન્ચ પેડ કર્યો તબાહ, જુઓ Video

ભારતે વળતી કાર્યવાહીમાં પકિસ્તાનના અનેક બંકર અને લૉન્ચ પેડ ઉડાવ્યા

દિવાળીના એક દિવસ પહેલા ભારતે પાકિસ્તાનની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાની સેના દ્વારા નિયંત્રણ રેખા પાસે સીઝફાયરના ઉલ્લંઘનના જવાબમાં ભારતીય સેનાએ પણ વળતો પ્રહાર કરતા ફાયરિંગમાં 7 થી 8 પાકિસ્તાની સેનાના જવાનોને ઠાર કર્યા છે.

ભારતીય સેનાના સૂત્રો અનુસાર પાકિસ્તાનના લગભગ 10-12 સૈનિકો ઘાયલ થયા છે અને મોટી સંખ્યામાં પાકિસ્તાની સેનાના બંકર અને લોન્ચ પેડનો નાશ કર્યો છે.

પાકિસ્તાની સેનાએ શુક્રવારે જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે ઉરી સેક્ટરથી લઈને ગુરેડ સેક્ટર વચ્ચે અનેક સ્થળો પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું, જેમાં ત્રણ ચાર સેનાના જવાન સહિત 6 લોકોના મોત થયા છે. અધિકારીઓએ કહ્યું કે, પાકિસ્તાની સૈનિકોએ મોર્ટાર છોડ્યા અને અન્ય હથિયારોથી ફાયરિંગ કર્યું હતું.

પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં બારામુલ્લા જિલ્લાના ઉરી ક્ષેત્રમાં કમલકોટ સેક્ટરમાં બે નાગરિકોનું મોત થયું છે. ત્યારે હાજી પીર સેક્ટરના બાલકોટ ક્ષેત્રમાં એક મહિલાનું મોત થયું છે. અધિકારીઓએ કહ્યું કે, આ ઘટનાઓમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યુંકે, ઉરીમાં વિવિધ સ્થળો ઉપરાંત, બાંદીપુરા જિલ્લાના ગુરેજ સેક્ટર અને કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં પણ સંઘર્ષ વિરામના ઉલ્લંઘનની સૂચના મળી છે.

અધિકારીએ જણાવ્યું કે, ઉરીના નંબલામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બે જવાન શહીદ થઈ ગયા. જ્યારે હાજી પીર સેક્ટરમાં બીએસએફના સબ ઈન્સ્પેક્ટર અને એક જવાન પણ શહીદ થયા હતા.

પાકિસ્તાનના બંકર અને લોન્ચ પેડનો નાશ કર્યો

જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ ઘણા પાકિસ્તાનના બંકરોનો પણ નાશ કર્યો છે. આ સિવાય ફ્યૂલ ડમ્પ અને લોન્ચ પેડનો પણ નાશ કરવામાં આવ્યો છે. લગભગ 12 પાકિસ્તાનની સૈનિકો જવાબી કાર્યવાહીમાં ઘાયલ થયા છે.

કેરન સેક્ટરમાં ઘુસણખોરીની કોશિશ

આ દરમિયાન કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું કે LOC સ્થિત કેરન સેક્ટરમાં કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી. તે પછીથી તમામ જવાનોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાની આર્મીએ ફાયરિંગ શરૂ કરી હતી. ભારતીય આર્મીએ તેનો જવાબ આપ્યો.

એક અઠવાડિયાની અંદર આ ઘુસણખોરીનો બીજો પ્રયાસ હતો. અગાઉ, 7-8 નવેમ્બરની મધ્યરાત્રિએ માચિલ સેક્ટરમાં ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. તે અભિયાનમાં સેનાના કેપ્ટન અને બીએસએફ જવાન સહિત ત્રણ જવાનો શહીદ થયા હતા. પ્રવક્તાએ કહ્યું, ભારતીય સૈન્ય પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ ઘુસણખોરી કરવાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

 3,192 ,  3