સુપરડુપર અમેરિકામાં હવે 4 વર્ષ અબ કી બાર, બાઇડન સરકાર…! સબૂર.. ભારતને શું મળશે…?!

હારીને આખલાની જેમ ભૂરાંટા થયેલા ટ્રમ્પ નવી સરકાર સામે શિંગડા ભરાવશે કે પૂછ દબા કે બેસી રહેશે…!?

ટીમ બાઇડનમાં 20 લોકો મૂળ ભારતવંશીઓ…પણ હરખાવવા જેવુ નથી હોં…!

તેમના માટે અમેરિકા ફર્સ્ટ..અમેરિકાનું હિત ફર્સ્ટ..જો બાઇડન ઝિન્દાબાદ…!!

યુએસ મિડિયા આજથી શરૂ કરશે- નવા રાષ્ટ્રપતિ કેટલીવાર જુઠ્ઠુ બોલ્યા…!!

હારીને ભૂરાંટા થયેલા ટ્રમ્પ શાંતિથી 4 વર્ષ જંપીને બેસી રહેશે કે પછી બાઇડનના ઉજાગરા..?

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ )

78 વર્ષિય જોસેફ રોબિનેટ બાઇડન દુનિયાના સુપર પાવર ડોલરિયા દેશ અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બનવા જઇ રહ્યાં છે. 6 જાન્યુઆરીના રોજ વોશિંગ્ટન ડીસીમાં જે કેપિટલ હિલ સંસદ ભવન પર ડોનાલ્ડ ટ્રમ્પના ટેકેદારોએ હુમલો કરીને 200 વર્ષ જુની લોકશાહીની ધજ્જિયાં ઉડાવી દીધી તે કેપિટલ હિલ વિસ્તારમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. અમેરિકાના 50 રાજ્યોમાંથી પોલીસનો કાફલો અને નેશનલ ગાર્ડ સૈનિકોને જાણે કે સંસદ ભવન પર કોઇ ઘાતક હુમલો થવાનો હોવાનું માનીને યુધ્ધ જેવી તૈયારીઓ 46મા રાષ્ટ્રપતિના શપથવિધિ માટે કરવામાં આવી છે…!!

તે માટે જો કોઇ જવાબદાર હોય તો તે છે હારી ગયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ નાના બાળકની જેમ તેમણે પોતાની હાર માનવાનો ઇન્કાર કરીને 6 જાન્યુઆરીના રોજ પોતાના ટેકેદારોને સંસદ ભવન પર હુમલો કરવા માટે ઉશ્કેરીને પોતે અને તેમના પરિવારના સભ્યો કોઇ અજાણ્યા સ્થળે એકત્ર થઇને હુમલાના દ્રશ્યો લાઇવ જોતાં જોતા નાચી રહ્યાં હતા,…!! અમેરિકન જાસુસી સંસ્થાઓને એવી બાતમી મળી છે કે ટ્રમ્પના ઇશારે શપથવિધિ પર ઘાતક હથિયારો સાથે હુમલો થઇ શકે છે…! એટલુ જ નહીં પણ નેશનલ ગાર્ડના કેટલાક સૈનિકો પણ ટ્ર્મ્પના ઇશારે હુમલો કરી શકે તેમ છે અને તેથી અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ બટાલિયનમાંથી પસંદ કરીને 25 હજાર સૈનિકો સંસદ ભવનમાં અને તેની આસપાસ તાત્કાલિક 7 ફૂટ ઉંચી બનાવાયેલી લોખંડની જાળી ખાતે તૈનાત કરી દેવામાં આવ્યાં છે.

જો બાઇડનની શપથ વિધિમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી જનમેદની એકત્ર કરવામાં આવી નથી. ગણતરીના એક હજાર મહેમાનોને નિમંત્રવામાં આવ્યા છે. 2017માં ટ્રમ્પની શપથવિધિમાં સંસદ ભવનની બહાર 2 લોખ લોકોની જનમેદની ઉજવણી માટે એકત્ર થઇ હતી. હારી ગયેલા ટ્રમ્પે જો કે બાઇડનની શપથવિધિમાં હાજર નહીં રહેવાની જાહેરાત કરી છે. નવા રાષ્ટ્રપતિએ આ અંગે એમ કહ્યું-ચલો અચ્છા હૈ…!!

હું જ સૌથી વધારે દેશભક્ત….મારો જ રાષ્ટ્રવાદ…મને જ અમેરિકાની સૌથી વધારે ચિંતા છે….અમેરિકન ફર્સ્ટ…એવી ચીકણીચુપડી વાતો કરીને 4 વર્ષ પહેલાં સત્તા મેળવનાર ટ્ર્મ્પે ધોળામાં ધૂળ પડી…કહેવતની જેમ જતાં જતાં પોતાનું અસલ સ્વરૂપ બતાવ્યું ત્યારે ત્યાની પાવરફુલ મિડિયાએ ટ્રમ્પનું ભાષણ અધ્ધ વચ્ચે અટકાવીને લોકોને કહ્યું કે આ માણસ જુઠ્ઠુ બોલી રહ્યો છે…!!. ફેસબુક..યુટ્યુબ…ટ્વીટર…વગેરેમાં ટ્રમ્પના એકાઉન્ટ ઠપ્પ કરી દેવાયા છે. ટ્રમ્પની ધંધાકિય કંપનીઓમાંથી બેંકો દૂર થઇ ગઇ છે.

અમેરિકાના 200 વર્ષના ઇતિહાસમાં યે સબ પહલીબાર હો રહા હૈ… અને પહેલીવાર મૂળ ભારતવંશી અને અશ્વેત કમલા હેરિસ અમેરિકાના ઇતિહાસમાં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. ટીમ બાઇડનમાં કમલા સહિત 20 જેટલા લોકો ભારતવંશી છે અને તેમને 17 જેટલા મહત્વના પદ પર જવાબદારીઓ સોંપવામાં આવી છે. 20માંથી 13 તો મહિલાઓ છે…એટલુ જ નહીં વ્હાઇટ હાઉસની સુરક્ષા પરિષદમાં પણ ભારતીય મૂળના લોકોને સ્થાન આપવામાં આવ્યું છે.

નીરા ટંડન, ડો. વિવેકમૂર્તિ, માલા અડિગા, ઉજરા જેયા, વનિતા ગુપ્તા, સબરિનાસિંહ, ગરિમા વર્મા , આયશા શાહ, સમીરા ફાજલી, આ બધા નવા રાષ્ટ્રપતિના બજેટ સલાહકાર મંડળમાં છે. તરૂણ છાબડા, સુમોના ગુહા, શાંતિ કલાયિલને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં સ્થાન મળ્યું છે.

નેહા ગુપ્તા, રીમા શાહ, સોનિયા અગ્રવાલ, વિદુર શર્મા, ભારત રામમૂર્તિ, ગૌતમ રાઘવન, વિનય રેટ્ટી અને વેદાંત પટેલનો પણ ટીમ બાઇડનમાં સમાવેશ થાય છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિની ટીમમમાં 20 મૂળ ભારતીયો હોવાથી કે ઉપરાષ્ટ્રપતિ પદે કમલા હોવાથી ભારતીયોએ હરખાઈ જવાની જરૂર નથી. તેમના માટે સૌથી પહેલા છે અમેરિકા પ્રત્યેની વફાદારી, ભારત પ્રત્યે નહીં. નવી સરકાર ભારતની વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરે તો આ 20 મૂળ ભારતીયો એમ નહીં કહે કે મિ. પ્રેસિડન્ટ…જવા દો…!!!

ટ્રમ્પની ટીમમાં પણ કેટલાક મૂળ ભારતવંશીઓ હતા. તેમનાથી ભારતને શું ફાયદો થયો એ તો બે દેશો અને ટીમ ટ્રમ્પ જાણે. પણ ટ્રમ્પના છેલ્લે છેલ્લે વાનરવેડા અને લોકશાહીને ઠોકર મારી જે નવા નવા દર્શ્યો દુનિયાને બતાવ્યાં તે જોઇને કદાજ એમ થાય કે આ માણસને બોલાવવા જેવો નહોતો..!! જો કે કોઇ વળી એમ પણ કહે કે આપણે ક્યાં જોઇને આવ્યાં હતા કે ટ્રમ્પ કેવો પાકશે…!! દુનિયાના કયા દેશના નેતાઓ કેવા છે એની જાણ કોને કઇ રીતે થાય…? અને ધારો કે 2024માં ફરી ટ્રમ્પ જીતી ગયો તો….?! વાઘ લોહી ચાખી ગયું છે એએટલે ફરી આવશે… આદમખોર….સત્તાખોર…! .અને બની શકે કે 4 વર્ષ સુધી ટ્રમ્પ બાઇડન સરકારને જંપીને… શાંતિથી કામ ન પણ કરવા દે….?!

સુપર પાવર દેશમાં બાઇડનની સુપરડુપર નવી સરકારનું કામકાજ શરૂ થવા જઇ રહ્યું છે ત્યારે તેનાથી ભારત શું મેળવશે….ભારતના સંબંધો ટ્રમ્પની જેમ ગાઢ બનશે કે પછી… જો બાઇડન ભારતની સાથે પરાણે હસતુ મોઢુ રાખીને ફોટો સેશનમાં ઉભા રહેશે.?! નવા રાષ્ટ્રપતિ જો બાઇડન કાશ્મિરના મામલે ભારતની વર્તમાન નેતાગીરીથી નારાજ છે ત્યારે તેઓ ભારત પ્રત્યે કેવુ વલણ અપનાવશે…આ સવાલોના જવાબો જો અને તો પર નહીં પણ અમેરિકાની કંપનીઓને ભારતની એક બજાર તરીકે હજુ પણ કેટલી જરૂર છે તેના આધારે નક્કી થશે અને તેના આધારે એ પણ નક્કી થશે કે ફરી હાઉડી થશે કે નહીં….તેના આધારે એ પણ નક્કી થશે કે ફરી નમસ્તે જો…..જો…થશે કે નહીં…!!

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડન સત્તાગ્રહણ કર્યા બાદ અમેરિકન મિડિયા તેમની સરકારની કામગીરીના મૂલ્યાંકનની સાથે સાથે, એ ગણતરી શરૂ કરશે-જો બાઇડન કેટલી વાર જુઠ્ઠુ બોલ્યાં…! જો બાઇડન અને ટીમ બાઇડનને અભિનંદન….!!

-દિનેશ રાજપૂત

 242 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર