એક ચુટકી નમક કી કિંમત તુમ ક્યા જાનો ગોરેબાબુ…!!

91 વર્ષ પહેલા 12 માર્ચે ગાંધીજીએ દાંડી યાત્રા યોજીને ગોરાઓને દોડતા કર્યા હતા..

જ્યારે દાંડી ગામે ગાંધીજીના એક ચપટી મીઠાએ બ્રિટીશ હકૂમતને હલબલાવી નાંખી હતી..

ઇતિહાસ ગવાહ હૈ-મીઠાં પર કરવેરો અને તાનાશાહી વચ્ચે સીધો સંબંધ છે…

12 માર્ચની જેમ 6 એપ્રિલે પણ દાંડી ગામે નમક સત્યાગ્રહના કાર્યક્રમો થવા જોઇએ…

ચંદ્રગુપ્તના સમયમાં, મીઠાના ચોથા ભાગને ટેક્સ તરીકે લેવામાં આવતો હતો…

ગાંધીજી એટલા બુધ્ધિશાળી હતા કે તેમણે મીઠાને આઝાદીની લડતમાં જોડ્યું…

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

ખૂબ જ વારંવાર બોલાતો એક ફિલ્મી ડાયલોગ કંઇક આવો છે- એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો રમેશબાબુ…! ભલે રમેશબાબુને એક ચુટકી સિંદૂરની કોઇ કિંમત કે ગણના નહોતી પરંતુ જ્યારે 6 એપ્રિલ, 1930ના રોજ ગુજરાતના નવસારી જિલ્લાના દરિયા કિનારાના દાંડી ગામે મહાત્મા ગાંધીજીએ એક ચપટી (ચુટકી) મીઠુ જમીન પરથી ઉપાડ્યું અને તેના પગલે શરૂ થયેલા આઝાદીના આંદોલનથી બ્રિટીશ હકૂમત હચમચી ગઇ હતી..!

આજે ઘણાંને કદાજ એમ લાગે કે મીઠાને વળી આઝાદીના આંદોલન સાથે શું લેવા અને શું દેવા. મીઠુ તો મીઠુ છે. અને નમકની કિંમત કેટલી..?! ખોરાકમાં નમક ન હોય તો ગમે તેટલું સ્વાદિષ્ટ ખોરાક આરોગવામાં મજા જ ના આવે. જીવન સૂના..સૂના..ની જેમ નમક વગરનો એ ખોરાક ફિક્કા ફિક્કા લાગે. ખોરાકમાં મીઠાની માત્રા ખૂબ જ સામાન્ય હોય છે. વધારે મીઠુ ખાવાથી પણ શરીરને નુકશાન થઇ શકે. અને એટલે જ્યારે ભારતમાં રાજ કરનાર અંગ્રેજોએ મીઠા પર ટેક્સ નાંખ્યો અને ભારતમાં કોઇ મીઠુ બનાવી નહીં શકે, મીઠુ પકવવાનારની સામે કેસ થશે એવો કાયદો બનાવ્યો ત્યારે તે વખતે લોકોની નાડ પારખીને ગાંધીજીએ અંગ્રેજોના એ કાયદાને કાલા કાનૂન જાહેર કરીને તેની સામે નમક સત્યાગ્રહ શરૂ કર્યું. અને અંગ્રેજોને ખ્યાલ પણ નહીં હોય કે એક સામાન્ય નમક સત્યાગ્રહથી ભારતમાં 200 વર્ષ રાજ કરનાર તેમની હકૂમતને શું નુકશાન થશે..!

12 માર્ચ 1930ના ઐતિહાસિક દિને ગાંધીજીએ પોતાના પસંદ કરેલા 78 અનુયાયીઓ સાથે અમદાવાદમાં તેમણે સ્થાપિત સાબરમતી આશ્રમથી પગપાળા દાંડી કૂચ શરૂ કરી હતી. જેમ જેમ કલાકો અને દિવસો વિતતા ગયા તેમ તેમ દેશ આખામાં નમકિયો જુવાળ ફેલાતો ગયો…. અસહકારનું આંદોલન…નમક સત્યાગ્રહ…અને 24 દિવસમાં 241 માઇલ-અંદાજે 358 કિ.મી.નું અંતર કાપીને ગાંધીજી દક્ષિણ ગુજરાતના દાંડી ગામે પહોંચ્યા ત્યારે કદાજ ગોરાઓની હકૂમતની વિદાયનો ઇતિહાસ પણ લખાઇ ગયો હશે…!

6 એપ્રિલની સવારે પોતડીધારી ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે જઇને ચપટી મીઠુ ઉપાડ્યું અને તે સાથે જ તેમની ધરપકડ થઇ. ગાંધીજીની ધરપકડના પગલે દેશ આખામાં અંગ્રેજોની સામે અસહકારની ચળવળ શરૂ થઇ જે સતત એક વર્ષ ચાલી અને ત્યારબાદ અંગ્રેજોએ નમક પરનો ટેક્સ નાબૂદ કર્યો હતો. ત્યાં સુધીમાં ગાંધીજી દ્વારા અપાયેલા સતત કાર્યક્રમો, 1942માં અંગ્રેજોની સામે ભારત છોડો-ક્વીટ ઇન્ડિયા ચળવળ અને 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટીશ હકૂમતના છેલ્લા વાઇસરોય અને અન્ય શાસનકર્તાઓ ભારતમાંથી મેળવેલા ખજાનાને લાવ-લશ્કર સાથે આગબોટમાં બેસીને ઇંગ્લેન્ડ જવા રવાના થઇ ગયા…! ભારતની આઝાદીમાં ગુજરાતના આ નમક સત્યાગ્રહનો સવિશેષ ફાળો રહ્યો છે. પણ ગુજરાતમાંથી કેટલાએ દાંડી ગામે જઇને સરકાર દ્વારા બનાવવામાં આવેલા સરસ મજાના દાંડી સ્મારકની મુલાકાત લીધી હશે..? સાબરમતી આશ્રમ તો ઘણાં જાય છે પણ એકવાર દાંડીની પણ મુલાકાત તો બનતી હૈ…!!

મીઠુ ફેક્ટરીમાં તૈયાર થતું નથી. દરિયા કિનારે દરિયાના ખારા પાણીમાંથી પ્રક્રિયા કરીને મીઠુ તૈયાર થાય છે. સમગ્ર ભારતમાં સૌથી વધુ મીઠુ ગુજરાત પકવે છે. જેને અગરિયા કહેવામાં આવે છે તેમની સમસ્યાઓ પણ એક અલગ લેખ જેટલી છે. મીઠાના ધંધામાં નિરમાની જેમ ટાટા કંપની પણ છે. રસોડામાં મીઠુ કેટલુ રાખી શકાય..? એક કિલો મીઠુ લગભગ એક મહિનો ચાલે. પણ કેટલાક સમય પહેલા કેટલાક રાજ્યોમાં એવી અફવા ફેલાવવમાં આવી કે નમક નહીં મળે, સ્ટોક ખત્મ…અને લોકોએ બોરીઓ ભરી ભરીને મોંઘા ભાવનો નમક ભરી રાખ્યો હતો..મોંઘા ભાવનું એટલા માટે કેમ કે અફવાના પગલે દુકાનદારોએ તેના ભાવ વધારી દીધા હતા.

એક રૂપિયે કિલો મળતું મીઠુ આજે લગભગ 20થી 25 રૂપિયો કિલો વેચાય છે. છતાં તેના ભાવ વધારા સામે કોઇનું ધ્યાન જતું નથી. પણ વિચક્ષણ બુધ્ધિપ્રતિભા ધરાવનાર ગાંધીજીએ તે વખતે નમક પરના ટેક્સને મુદ્દો બનાવીને બ્રિટીશ સલ્તનતને દોડતી કરી નાંખી હતી. ગાંધીજીએ મીઠા અંગે સત્યાગ્રહ આંદોલન શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેની સામે સવાલો થયા કે મીઠાને લઇને તે કાંઇ આઝાદી મળતી હશે..? ગાંધીજીએ જવાબ આપ્યો હતો કે હવા અને પાણી બાદ જીવન માટે મીઠુ એ ત્રીજી આવશ્યક જરૂરિયાત છે…! ગાંધીજી સાચા હતા. દુનિયામાં મીઠા વગરના ખોરાકની કલ્પના થઇ શકે તેમ નથી.

12 માર્ચ 2021ના રોજ દાંડી માર્ચને 91 વર્ષ થશે. સરકારી કાર્યકર્મો યોજાશે પણ 6 એપ્રિલના રોજ ગાંધીજીએ દાંડી ગામે જઇને આંદોલનની શરૂઆત કરી તે દિવસે તેમને કોઇ યાદ કરતાં નથી. તે દિવસે પણ 12 માર્ચની જેમ જ કાર્યક્રમ થવા જોઇએ. બની શકે કે એ સમયગાળામાં ભારતમાં રાજ કરતાં ગોરાઓ તેમની પત્નીએ નમક ઓછુ નાંખ્યું હોય તો ચપટી નમક લઇને ઉપરથી ભભરાવતી વખતે પોતડીમેન ગાંધીજીનું નમક સત્યાગ્રહ કેટલે પહોંચી તે પણ જમતા જમતા યાદ કરતા હશે..! અને આઝાદીના મતવાલાઓ ગોરા હાકેમોને કહી રહ્યાં હશે- એક ચુટકી નમક કી કિંમત તુમ ક્યા જાનો ગોરેબાબુ…!!

ઇતિહાસ કહે છે કે….

ભારતમાં શરૂઆતના સમયથી જ મીઠા પર ટેક્સ લેવાતો હતો.. પરંતુ મુઘલ બાદશાહો કરતા ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન તેમાં ઘણો વધારો કરવામાં આવ્યો હતો. 1835 માં તેના પર બ્રિટીશ મીઠાના વેપારીઓના હિત માટે કર વસૂલવામાં આવ્યો હતો. જેના કારણે મીઠાની આયાત ભારતમાં થવા લાગી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારીઓને ઘણો ફાયદો થયો. 1858 માં સત્તા બદલાયા પછી પણ નમક કર ચાલુ રહ્યો. જેની શરૂઆતથી જ ભારતીયો દ્વારા તેની નિંદા કરવામાં આવી હતી.

મીઠાનો કર – જર્મન વિદ્વાન એમ.જે. સ્લેડેને પોતાની પુસ્તક સાલ્ઝમાં લખ્યું છે કે મીઠાં પર કરવેરો અને તાનાશાહી વચ્ચે સીધો સંબંધ છે. આનો ઇતિહાસ પુરાવો આપે છે કે સૌથી વધુ નિરંકુશ સંસ્કૃતિઓ તે છે જેમણે મીઠા અને તેના વેપાર પર કર લાદ્યો હતો. ચીનમાં સૌ પ્રથમ મીઠાં પર કર લાગુ કરાયો હતો. ઇ.સ. પૂર્વે 300 માં લખાયેલ ગુઆંજી પુસ્તકમાં, મીઠું કર લાદવાની ભલામણ કરવામાં આવી છે, જેનો વધુ ઉપયોગ ચીની સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો અને તેના માટે વિવિધ પદ્ધતિઓ. અપનાવવામાં આવી હતી.

ગુઆનજીની ભલામણો ટૂંક સમયમાં ચીની સરકારોની મીઠાની નીતિ બની. એક સમયે મીઠાં પરનો વેરો ચીનની આવકનો અડધો ભાગ હતો અને ચાઇના વોલના નિર્માણમાં આ આવકે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. ચંદ્રગુપ્તના સમયમાં, મીઠાના ચોથા ભાગને ટેક્સ તરીકે લેવામાં આવતો હતો.. મોગલો સમયે હિન્દુઓ પાસેથી જજિયા વેરાની જેમ 5% અને મુસ્લિમોમાંથી 2%. મીઠાં પર વેરો એકત્રિત કરવામાં આવતો હતો..

-દિનેશ રાજપૂત

 65 ,  1