અમરાઇવાડી વિસ્તારમાં યુવક પર હત્યાના ઇરાદે ત્રણ શખ્સોએ છરી વડે કર્યો હુમલો

પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી

મેગાસીટી અમદાવાદમાં દિવસેને દિવસે હવે ગુનાખોરી પણ વધતી જઈ રહી છે. ધોળાદિવસે હત્યા, લૂંટ જેવી ગંભીર ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ રહી છે. તેવમાં અમરાઇવાડી વિસ્તારમાં વધુ એક હત્યાના પ્રયાસની ઘટના સામે આવી છે. નજીવી બાબતમાં બદમાશોએ ખૂનના ઇરાદે એક યુવક પર ચાકુ વડે હુમલો કરી ફરાર થઇ ગયા હતા. દારૂની બાતમી આપી હોવાની અદાવત રાખી શખ્સોએ યુવક પર હુમલો કરી દૂીધો હતો. આ મામલે અમરાઇવાડી પોલીસે ત્રણ યુવકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમરાઈવાડી વિસ્તારમાં અમૂલ પાર્લરની આગળ ત્રણ શખ્સોએ યુવક પર આડેધર છરીના ઘા માર્યા હતા. પોલીસને બાતમી આપી હોવાની અદાવત રાખી ત્રણ યુવકોએ હુમલો કરી દીધો હતો. ફરિયાદ મુજબ, ગૌતમભાઈ તેમના બે દિકરા પિયુષ અને તુષાર તથા તેમની પત્ની લલિતા બહેન સાથે રહે છે. બુધવારે ગૌતમભાઈની તબિયત ખરાબ હોવાથી તે નોકરી પરથી વહેલા ઘરે આવી ગયા હતા. રાત્રીના સમયે તેમનો મોટો દિકરો તુષાર બહાર આટો મારીને આવુ તેમ કહીને ઘરેથી ગયો હતો. દરમિયાન અચાનક ગૌતમભાઈના નાના દિકરાએ ગૌતમભાઈને ઉંઘમાંથી ઉઠાડી જણાવ્યું હતું કે, પિયુષને નેશનલ હેંડલુમની ગલી શક્તિનગર વિભાગ 4 ની સામેના અમુલ પાર્લરની આગળ કરણભાઈ તથા તેમના મિત્રો સાથે ઝઘડો થયો છે. જેથી ગૌતમભાઈ અને તેમનો પરીવાર તે જગ્યાએ પહોંચ્યો ત્યારે તેમનો દિકરો પિયુષ લોહિલુહાણ હાલતમાં પડ્યો હતો. જેથી આસપાસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આજથી બે મહિના પહેલા મયુર નાડિયાનો ઈંગ્લીશ દારૂ પોલીસે પકડેલ અને તેના વિરુદ્ધમાં કેસ થયો હતો.

જો કે મયુરને એમ લાગતુ હતુ કે, ગૌતમભાઈએ પોલીસને બાતમી આપી તેનો દારૂનો જથ્થો પકડાવ્યો છે. જેની અદાવત રાખીને ગૌતમભાઈના દિકરા પિયુસ સાથે મયુર નાડીયા, કરણભાઈ રાઠોડ અને ધવલ નાડીયાએ ઝઘડો કરીને છરીના ઉપરા છાપરી ઘા માર્યા હતા. બીજી બાજુ ઈજાગ્રસ્ત પિયુષને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ અમરાઈવાડી પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મયુર, કરણભાઈ અને ધવલના વિરુદ્ધમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

 69 ,  1