ગુમ થયેલી 12 વર્ષની બાળકીને 40 વર્ષનો પુરૂષે પત્ની તરીકે રાખી

બાળકીની કેફિયત સાંભળી નારોલ પોલીસ પણ ચોંકી ગઈ

પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધી પુરુષની ધરપકડ કરી

શહેરના નારોલ વિસ્તારમાંથી 12 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. આ મામલે પોલીસે તપાસ કરી અપહરણ કરનાર 40 વર્ષના પુરૂષને શોધી કાઢ્યો હતો. ત્યારે કિશોરીએ પોલીસને જણાવ્યું હતું કે, પુરૂષ તેને પત્ની તરીકે ઓળખ આપી સાથે રાખતો હતો. આ મામલે પોલીસે અપહરણ, બળાત્કાર, અને પોક્સોની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી પુરૂષની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આવી જ એક ઘટના હમણાં જ થોડા દિવસ પહેલા અમદાવાદમાં સામે આવી હતી, જેમાં માતા-પિતાએ 10 વર્ષની બાળકીને ઠપકો આપતા ઘર છોડી ભાગી ગઈ હતી, અને અમદાવાદથી 10 કિમી દુર સાણંદ રોડ પરથી મળી આવી હતી.

શહેરના નારોલ વિસ્તારમાં ગરીબ પરિવારની અને છાપરાઓમાં રહેતી એક 12 વર્ષિય બાળકી સાડા ત્રણ મહિના પહેલા ગુમ થઈ હતી, પરિવાર દ્વારા સમગ્ર સગા સંબધીઓને ત્યાં તપાસ કર્યા બાદ પણ બાળકીની ભાળ ન મળતા આ મામલે તેના પિતા દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી. પોલીસે તેના પરિવારની પુછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, બાળકી ગુમ થઈ છે ત્યારથી તેના ભાઈનો સાદો મોબાઈલ ફોન પણ ગાયબ છે, આના આધારે પોલીસે મોબાઈલ સર્વેલન્સ પર રાખ્યું હતું. જો કે, સાડા ત્રણ મહિના વીતિ ગયા બાદ પણ પોલીસને બાળકીની કોઈ કડી મળતી ન હતી. આખરે ગુરુવારે મોબાઈલ ચાલુ થતા પોલીસ તે લોકેશન પર ગઈ અને બાળકી મળી આવી છે, સાથે તેનું અપહરણ કરનાર 40 વર્ષિય મનુભાઇ નાનુભાઇ ચુનારાની પણ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે બાળકીને છોડાવ્યા બાદ બાળકીએ પોલીસે જણાવ્યું કે, 30 સપ્ટેમ્બરે એક 40 વર્ષનો મનુભાઇ ચુનારા ગરીબીનો લાભ ઉઠાવી તેને સારી રીતે રાખવાની લાલચ આપી તેનું અપહરણ કરી ભગાડી ગયો હતો. ત્યારબાદ તે પત્ની તરીકે રાખતો હતો. મહત્વની વાત એ છે કે, 40 વર્ષિય આરોપીને 20 વર્ષનો દીકરો હોવા છતા તે આ બાળકીને પત્ની તરીકે રાખતો હતો.

પોલીસ સૂત્રો અનુસાર, આરોપી બાળકીના પાડોશમાં રહેતી તેની બહેનપણીનો મામા છે, જેથી તે અવાર નવાર અહીં આવતો અને બાળકીના સંપર્કમાં આવ્યો હતો. તે બાળકીની કહાની જાણતો હતો કે તેનો પિતા દારૂડીયો છે, અને તેને સારી રીતે રાખતો નથી.

આ વાતનો લાભ ઉઠાવી તેણે બાળકીને સારી રીતે રાખીશ તેવી લાલચ આપી તેને ભગાડી ગયો હતો. આરોપી બાળકી સાથે બારેજા ગામની સીમમાં એક તળાવ પાસે રહેતો હતો, અને માછલી પકડવાનો ધંધો કરી ગુજરાન ચલાવતો હતો. આખરે ત્રણ મહિના બાદ બાળકી પોતાના ભાઈનો જે ફોન લઈ ગઈ હતી, તે ઓન થતા જ પોલીસને તેનું તેનું લોકેશન મળતા પોલીસ તુરંત બારેજા પહોંચી હતી, અને પોલીસે બાળકી તથા અપહરણકાર મળી આવ્યા હતા. આ માલે પોલીસે મનુ ચુનારાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

 76 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર