વણસી રહેલી સ્થિતિ પર આજે ચીફ જસ્ટિસની બેંચ સુનાવણી કરશે..

કલ્પના બહારની વણસેલી સ્થિતિની સુઓમોટો નોંધ લઈ હાઇકોર્ટની PIL

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.   રાજ્યમા સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં ઈમરજન્સી જેવી સ્થિતિ હોવાનું અવલોકન કર્યું છે. 

ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજી ગણી છે. રાજ્યમાં ઈમરજન્સી જેવી સ્થિતિનું હોવાનું ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે. આ સાથે જ ગુજરાત હાઈકોર્ટે કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા પણ આદેશ કર્યો છે. આ સાથે જ કોવિડ 19ની કામગીરી પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે. આજે ચીફ જસ્ટિસની બેંચ સુનાવણી કરશે. 

આ અંગે હાઈકોર્ટે નોંધ્યું હતું કે છેલ્લા પાંચ-છ દિવસથી અખબારોમાં રાજ્યની વણસેલી આરોગ્યની સ્થિતિ વિશે પાનેપાનાં ભરીને સમાચારો આવે છે. આ સમાચારો રાજ્યની ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરે છે, જેને અવગણી ન શકાય અને હવે કોર્ટે હસ્તક્ષેપ કરવાનો સમય પાકી ગયો છે. આ અખબારી અહેવાલો રાજ્યની વાસ્તવિક પરિસ્થિતિનું ચિત્રણ કરી રહ્યા છે અને આ બધું એક જ બાબત તરફ ઈશારો કરે છે કે ગુજરાત રાજ્ય હવે મેડિકલ કટોકટીના આરે ઊભું છે અને જલદી કોઈ અસરકારક પગલાં નહીં લેવાય તો સ્થિતિ કાબૂ બહાર જતી રહેશે.

આ વાતને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં હજી પણ રાજ્યની સ્થિતિમાં કોઈ દેખીતો ફરક પડ્યો નથી. રાજ્યમાં આજે પણ લોકો કલ્પના કરી ન શકાય તેવી હાડમારીઓ અને તકલીફો સહન કરી રહ્યા છે અને સ્થિતિ રાજ્યના આરોગ્ય વિભાગના કાબૂ બહાર જતી રહી છે. હાલનું હેલ્થ માળખું પડી ભાંગ્યું છે અને ટેસ્ટિંગ, હોસ્પિટલમાં બેડ, આઈસીયુની ઉપલબ્ધતા ઉપરાંત ઓક્સિજન અને રેમડેસિવિર જેવી પાયાગત ઔષધિઓ મેળવવા પણ લોકોએ રીતસર વલખાં મારવા પડી રહ્યાં છે.

સુઓમોટો PIL અંગે રાજ્ય-કેન્દ્રના સનદી અધિકારીઓને નોટિસ

ગુજરાતના મુખ્ય સચિવ-આરોગ્ય અગ્રસચિવ, કેન્દ્રીય ગૃહ સચિવ તથા આરોગ્ય સચિવને આ સુઓમોટો PIL સબબ હાઈકોર્ટે નોટિસ પાઠવી છે. આ નોટિસની સાથે છેલ્લા કેટલાક દિવસોથી અખબારમાં પાનેપાનાં ફરીને આવતા અહેવાલો અને એમાં દર્શાવાતી ગુજરાતની સ્થિતિ વિશેની ટિપ્પણીઓની ઝેરોક્સ પણ બીડાણ તરીકે રાખવામાં આવી છે. આ નકલો ઈમેઈલથી એડવોકેટ જનરલ, સરકારી વકીલ તથા એડિશનલ સોલિસિટર જનરલને મોકલી આપવામાં આવી છે.

 87 ,  3