બ્લેક લિસ્ટ વાળી કંપનીને સોપાયું પુલનું કામ, અને ધડામ…

અમદાવાદમાં મોટી હોનારત થતા રહી ગઇ, સ્લેબ તૂટી પડ્યો

ત્રણ વર્ષ પહેલા કંપનીને સરકારે ફટકાર્યો હતો 33.51 લાખનો દંડ

બે દિવસ પહેલા મોડી રાતે શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર નવો બની રહેલો બ્રિજનો ભાગ તૂટી પડ્યો હતો. બોપલથી શાંતિપુરા જવા માટે બની રહેલો બ્રિજનો વચ્ચેનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જો કે મોડી રાતે બનેલી દુર્ઘટનામાં કોઇ જાનહાનિ સર્જાઇ નહતી. તો બીજા દિવસે સવારે ઔડાની ટીમ સમીક્ષા કરવા ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારે આ મામલે હવે ચોંકાવનારા ખુલાસાઓ થયા છે.

મીડિયા રીપોર્ટ મુજબ, ઔડા દ્વારા રણજિત બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ ડિઝાઈનની કામગીરી ડેલ્ફ કન્સલ્ટીંગ એન્જિનિયર્સને અપાઈ હતી. આ એ જ કંપની છે જેને 2020માં સરકારે ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી હતી. માત્ર એટલું જ નહીં, વર્ષ 2018માં સમયસર કામગીરી પૂર્ણ ન કરવા પર સરકાર દ્વારા 33.51 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે આ સમયે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ માર્ગ-મકાનના મંત્રી હતા. જ્યારે હાલ પૂર્ણેશ મોદી માર્ગ-મકાન મંત્રી છે.

ત્યારે સવાલ એ થાય છે કે, 2020થી ત્રણ વર્ષ માટે એટલે કે 2023 સુધી બ્લેકલિસ્ટ થયેલી ડેલ્ફ કન્સલ્ટીંગ એન્જિનિયર્સને કેવી રીતે ડિઝાઈનિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો? જે કંપનીને સમયસર કામ ન પૂરા કરવા માટે બ્લેકલિસ્ટ કરવામાં આવતી હોય અને દંડ ફટકારવા સુધીની કડક કાર્યવાહી કરવી પડતી હોય તે કંપનીને કોના ઈશારે કોન્ટ્રાક્ટ મળ્યો?

મહત્વનું છે કે, જ્યારે આ બ્રિજનો ભાગ તૂટી પડ્યો ત્યારે સદનસીબે કોઈ વાહનો અહીંથી પસાર થઈ રહ્યા નહોતા. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ બ્રિજનું નિર્માણ છેલ્લાં છ મહિનાથી ચાલી રહ્યું હતું. આ બ્રિજ બનાવાની કામગીરી બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના ટર્નિંગ પાસે ઔડા દ્વારા ચાલી રહી છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી