દરિયાપુરમાં મકાન ધરાશાયી, ફાયર વિભાગે દટાયેલા ત્રણ લોકોને બહાર કાઢ્યા

ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતાં રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

અમદાવાદના દરિયાપુરમાં એક દુર્ઘટના સર્જાઇ હતી. એક જર્જરિત હાલતમાં મકાન ધરાશાયી થતાં ત્રણ લોકો દટાયા હતા. જો કે ઘટનાસ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કરી દટાયેલા ત્રણ લોકોને સહિસલામત રીતે બહાર કાઢ્યા હતા.

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળ પાસે રોડ પર આવેલ મકાન અચાનક ધરાશાયી થતાં પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધુ દટાયા હતા. ફાયરબ્રિગેડની ટીમે તમામ લોકોને ઝડપથી રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. મકાનમાં ત્રણ ભાઈનો પરિવાર તેમના પિતા સાથે મકાનમાં સ્ટીમ પ્રેસનો વ્યવસાય કરતો હતો. એક ભાઈ ત્યાં જ રહેતા હતા બાકીના બે ભાઈનો પરિવાર અન્ય જગ્યાએ રહેતા હતા. જો રાતે તમામ પરિવારના સભ્યો હાજર હોત અને મકાનનો ભાગ પડ્યો હોત તો વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોત. જો કે સદનસીબે તેઓ બચી ગયા હતા.

દરિયાપુર લખોટાની પોળની આસપાસના મકાનોમાં આ મકાન વર્ષો જૂનું હોવાનું જાણવા મળ્યું હતું. મકાન એક માળનું છે. જેમાં બહારની ભાગમાં આવેલી ગેલેરી અને ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો. ઉપરના ભાગે તિરાડો પડી ગઈ છે. ધાબા પર પણ લીકેજ હોવાથી વરસાદમાં પાણી ન પડે તેના માટે પ્લાસ્ટિક ઢાંકવામાં આવ્યું હતું. મકાનની વચ્ચેનો ભાગ નબળો પડી ગયો હતો. બાજુમાં આવેલામાં મકાનો પણ ભયજનક હોવાના જણાયા હતા. બાજુમાં આવેલુ એક મકાન લોખંડના પાર્ટીશન પર એક ભાગ પર ઉભું કરવામાં આવેલું જણાયું હતું.

 64 ,  1