સોનુ સૂદના નામે ઠગાઇનો કિસ્સો – સાવધાન

ઠગ ટોળકીએ સોનુ સૂદના નામે હજારો પડાવી લીઘા

લોકડાઉન દરમિયાન હજારો પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પહોંચાડી વાહવાહી મેળવનારા અભિનેતા સોનુ સૂદના નામે હવે નવો ખેલ શરુ થયો છે. ખુદ સોનુ સૂદ પણ નથી જાણતો કે તેના નામ પર દેશમાં અનેક ઠેકાણે ઠગાઈ ચાલી રહી છે, અને તેને મદદ કરવાના બહાને નિર્દોષ લોકો પાસેથી રુપિયા પડાવવામાં આવી રહ્યા છે. આ મામલે પોલીસે બિહારના મુઝફ્ફરપુરથી 23 વર્ષના એક યુવકની ધરપકડ પણ કરી છે.

તેલંગાણાની સાયબરાબાદ પોલીસના સાયબર ક્રાઈમ યુનિટના હાથમાં આવેલો આ યુવક સોનુ સૂદના નામે મદદ કરવાની ખાતરી આપીને લોકોને ઠગતો હતો. તેણે તેલંગાણાના એક વ્યક્તિ સાથે પણ આવો ખેલ કરતાં તેને પોલીસ બિહાર જઈને પકડી લાવી છે. બીજી તરફ, મુંબઈમાં પણ આવા કેટલાક કેસ નોંધાયા છે, જેમાં સોનુ સૂદના નામે કેટલાક લોકોને ઠગવામાં આવ્યા છે.

બિહારથી પકડાયેલા યુવકે સોશિયલ મીડિયા પર પોતે સોનુ સૂદની કંપની સાથે જોડાયેલો છે તેવો ખોટો દાવો કરી પોતાનો ફોન નંબર પણ શેર કર્યો હતો. સાથે તેણે એવું પણ લખ્યું હતું કે તે કોઈપણ જરુરિયાતમંદની મદદ કરી શકે છે. પોસ્ટમાં તેણે એવું પણ લખ્યું હતું કે તે સોનુ સુદ કોર્પોરેશનમાં સલાહકાર છે, અને લોકડાઉન દરમિયાન અભિનેતાએ જે કેમ્પેઈન ચલાવ્યું હતું તેમાં પણ તે સક્રિય હતો.

તેલંગાણામાં ત્રીજી માર્ચના રોજ આ શખ્સ સામે નોંધાયેલી ફરિયાદમાં ભોગ બનનારાએ જણાવ્યું હતું કે, તે પોતાના રાજ્યના કેટલાક જરુરિયાતમંદોને મદદ કરવા માગતો હતો. જેના માટે તેણે ઈન્ટરનેટ પર સોનુ સૂદની કંપનીનો નંબર સર્ચ કર્યો હતો. જેમાં તેને આ વ્યક્તિનો ફોન નંબર મળતા તેણે ફોન કરીને વાતચીત કરી હતી. ગઠિયાએ ભોગ બનનારાને જણાવ્યું હતું કે, સોનુ સૂદ તાત્કાલિક 50 હજાર રુપિયાની મદદ મોકલી આપશે, પરંતુ નિયમ પ્રમાણે તમારે 8300 રુપિયા રજિસ્ટ્રેશન ચાર્જ ભરવો પડશે.

ઠગની વાત પર વિશ્વાસ કરીને ફરિયાદીએ રુપિયા ભરી પણ દીધા હતા. થોડા સમય બાદ ગઠિયાએ ભોગ બનનારાને ફોન કરીને જણાવ્યું હતું કે, સોનુ સૂદ તેમને 3.60 લાખ રુપિયાની મદદ કરવા માટે તૈયાર છે, પરંતુ તેના માટે તેમને 60 હજાર રુપિયા ફી ભરવી પડશે. મદદ માટે વધુ રકમ ઓફર થઈ રહી છે તેવું માનીને ફરિયાદીએ 60 હજાર રુપિયા પણ ગઠિયાએ જે અકાઉન્ટ નંબર આપ્યો તેમાં જમા કરાવી દીધા હતા. જોકે, ત્યારબાદ ગઠિયાએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો.

કુલ 68,300 રુપિયા ગુમાવ્યા બાદ ફરિયાદીને અહેસાસ થયો હતો કે તેની સાથે સોનુ સૂદના નામે ઠગાઈ થઈ ગઈ છે. આખરે તેણે સાયબર ક્રાઈમમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી, અને પોલીસે તેના આધારે કાર્યવાહી કરતાં બિહારથી ગઠિયાની ધરપકડ કરી હતી. બીજી તરફ, સોનુ સૂદે આ મામલે જણાવ્યું હતું કે, તેના નામે કોઈને ગમે તે ફોન કે મેસેજ આવે તેના પર ક્યારેય વિશ્વાસ ના કરવો.

 52 ,  1