તમિલનાડુ : ચાલુ સ્કૂટરમાં વિસ્ફોટ થતા પિતા-પુત્રના ઘટના સ્થળે મોત

ફટાકડા લઈને સ્કૂટરમાં ઘરે પરત ફરતા દરમિયાન સર્જાઈ દુર્ઘટના : Video

હાલમાં દેશભરમાં દિવાળીના પર્વની ઉજવણી ચાલી રહી છે. લોકો હરખભેર તહેવારની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ એક એવી ઘટના બની છે જેના કારણે એક પરિવાર માટે આ ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. એક દુર્ઘટનામાં પિતા-પુત્રના મોત થતા શોકનું મોજુ ફરી વળ્યું છે.

તમિલનાડુમાં દિવાળીના દિવસે ચાલુ સ્કૂટરમાં વિસ્ફોટ થતા પિતા-પુત્રના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે પિતા અને પુત્ર ફટાકડાની ખરીદી કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જે બેગમાં ફટાકડા હતા તે બેગમાં અચાનક વિસ્ફોટ થતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

મીડિયા અહેવાલ પ્રમાણે, મૃતકોની ઓળખ અરિયાનકુપ્પમ કે કલૈનેસન (37) અને તેમના પુત્ર પ્રદીપ (7) તરીકે થઈ છે. આ દુર્ઘટના પુડુચેરી-વેલ્લુપુરમ સરહદ પર કોટ્ટાકુપ્પમ શહેરની છે. આ સમગ્ર બનાવ CCTVમાં કેદ થઈ ગયો હતો. જોકે આ દ્રશ્યો તમને વિચલીત કરી શકે છે.

આ મામલે પોલીસે જણાવ્યું કે. પિતા અને પુત્ર સ્કૂટર પર જઈ રહ્યા હતા તે દરમિયાન ફટાકડાની બેગમાં વિસ્ફોટ થતા બન્ને 15-20 મીટર દૂર ફંગોળાયા હતા. આ વિસ્ફોટના કારણે અન્ય 3 વાહન ચાલકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. આ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ફટાકડા ફોડવા પર ચેન્નઈમાં 700 લોકો સામે FIR

દિવાળીના તહેવાર દરમિયાન ચેન્નઈ પોલીસે 700થી વધારે લોકો સામે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાના આરોપ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. કોર્ટે સવારે 6થી 7 વાગ્યા તથા સાંજના 7થી 8 વાગ્યા વચ્ચે ફટાકડા ફોડવાનો સમય નક્કી કર્યો હતો. આ અગાઉ શહેરમાં ફટાકડાની દુકાન સંચાલિત કરવા માટે નક્કી કરવામાં આવેલ નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં 239 દુકાનદારો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

 59 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી