સુરતની શાળામાં ફરી આગ, NOC જ ન હતી, આખરે લાગ્યું સીલ

સુરતના સરથાણામાં આવેલા ટ્યુશન ક્લાસિસમાં આગની ગોઝારી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા, આ અગ્નિકાંડમાં 22 માસુમોઓ જીવતા ભડથું થઇ ગયા હતા.  ત્યારબાદ તંત્ર એક્શનમાં આવી જઇને રાજ્યના દરેક કલાસિસો અને સ્કૂલોમાં ફાયરની NOC ફરજિયાત લેવાની ફરજ પાડી હતી. પરંતુ તંત્રની આ કોશિશ માત્ર કાગળ પર જ સાબિત થઇ છે. તક્ષશિલા અગ્નિકાંડ બાદ સુરતમાં બે સ્કૂલોમાં આગ લાગવાની ઘટના બની ગઇ છે. ત્યારે આજે પણ સુરતમાં આવેલી પ્રેમ ભારતી હિંદી વિદ્યાલયમાં આગ લાગવાની ઘટના બની છે.

મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના દાંડી રોડ વિસ્તારમાં આવેલી પ્રેમ ભારતી હિંદી વિદ્યાલય આવેલી છે. આ શાળામાં આજે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી.  આગની ઘટના બનતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ ફાયર બ્રિગેડ દ્વારા શાળાને સીલ કરવામાં આવી છે. જ્યાં સુધી ફાયર NOC નહીં મળે ત્યાં સુધી શાળામાં શિક્ષણ કાર્ય બંધ રહેશે.

સદ્દનસીબે આગ લાગી ત્યારે વિદ્યાર્થીઓ શાળાની બહાર જ હતા જેથી કોઇ જાનહાનિ થઇ નહોતી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સ્કૂલ ખાતે ફાયર ઓફિસરે તપાસ કરતા પૂરતી ફાયર સેફ્ટી મળી નથી અને સ્કૂલ પાસે પાલિકાનું એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું. કેટલાક સ્કૂલ અને ટ્યૂશન સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓની સેફ્ટી માટે યોગ્ય પગલાં લેવામાં ન આવતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી