પાટણ : સાંતલપુરમાં કાળજું કંપાવી દેતી ઘટના, મંત્રી પ્રદીપ પરમારે કહ્યું- ગુનેગારોને સખત સજા થશે

‘સત પારખા’ માટે 11 વર્ષની બાળકીનો હાથ ઊકળતા તેલમાં  ડૂબાડ્યો

પાટણ જિલ્લાના સાંતલપુર ગામખાતે કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. સતના પારખા માટે એક 11 વર્ષની બાળકીનો હાથ ઊકળતા તેલમાં નંખાવવામાં આવ્યો હતો. બાળકીના વાલી તરફથી આ મામલે પાડોશી મહિલા સામે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે. બાળકી પર અમાનુષી અત્યાચારની આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવી છે. મહિલાએ પોતાની વાતની ખરાઈ કરવા માટે બાળકીનો હાથ ઊકળતા તેલમાં નંખાવ્યો હોવાની વાત સામે આવી છે. ઊકળતા તેલમાં હાથ નંખાવ્યા બાદ બાળકી ગંભીર રીતે દાઝી ગઇ હતી. સામાજિક ન્યાય – અધિકારીતા મંત્રી પ્રદિપ પરમારે ઘટનાને વખાડી કાઢી છે, કહ્યું, ગુનેગારોને સખત સજા થશે.

પાટણના સાંતલપુરમાં લવજીભાઈ કોળીની 11 વર્ષની દીકરી સંગીતા ઘરે એકલી હતી. ત્યારે પાડોશમાં રહેતી લખીબેન મકવાણા નામની મહિલા ઘરે આવી હતી, તેણે બાળકીને કહ્યું હતું કે,  ‘આજથી દસેક દિવસ પહેલાં તે મને અજાણી વ્યક્તિ સાથે મારા ઘરના દરવાજા પાસે વાત કરતાં જોઈ હતી. આ વાત તે કોઈને કીધી છે?’ આ મામલે બાળકીએ ના પાડી હતી. પરંતુ લખીબેન માની ન હતી. તે બાળકીને પોતાના ઘરમાં લઈ ગઈ હતી અને સત્યના પારખા કરાવવા માટે તેનો હાથ ગરમ તેલમાં નંખાવડાવ્યો હતો. 

મહિલાએ બાળકીનો જમણો હાથ ગરમ તેલમાં નાંખ્યો હતો. બાળકીનો કાંડા સુધીનો આખો હાથ દાઝી ગયો હતો. આ જોઈ મહિલા ત્યાંથી ભાગી ગી હતી. બાળકીની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેના બાદ બાળકીને સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બાળકીના પિતાએ લખીબેન મકવાણા વિરુદ્ધ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં. સાંતલપુર પીએસઆઈના જણાવ્યા મુજબ પોલીસ જ્યારે તપાસ કરવા માટે પહોંચી ત્યારે આરોપી મહિલા તેના ઘરેથી જ મળી આવી હતી. 

ઘટના દુખદ છે – મહિલા અને બાળ વિકાસ આયોગ

પાટણ ઘટના અંગે મહિલા અને બાળ વિકાસ આયોગના અધ્યક્ષ જાગૃતિ પંડ્યાએ જણાવ્યું કે, પાટણમાં સત્યના પરખા કરવાની ઘટના દુઃખદ બાબત છે. કૃત્ય કરનાર મહિલા સામે કાર્યવાહી કરવામાં આવશે. બાળકીની સારવારની સ્થળ તપાસ માટે આદેશ અપાયા છે. સ્થળ તપાસ કરી અહેવાલ પણ માંગવામાં આવ્યો છે. માનસિક અને શારીરિક પીડા આપવાનો કોઈને અધિકાર નથી. બાળકોને લઈ સરકાર સાથે સમાજની પણ જવાબદારી બને છે. તેથી આ ખૂબ અસહ્ય અને ગંભીર બાબત છે. બાળ જાગૃકતાના અભાવને દૂર કરવામાં આવશે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી