રોહિત-પંત સેના વચ્ચે આજે કાંટે કી ટક્કર

સાંજે ચેન્નાઈ સામે રાજસ્થાન રોયલ્સ જીતના નિર્ધાર સાથે ઉતરશે

આજે શનિવારે આઇપીએલમાં બે મહામુકાબલા જોવા મળશે. પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. યુએઈમાં શરૂ થયેલા આઇપીએલના બીજા તબક્કામાં વિજયની લય મેળવવા માટે સંઘર્ષ કરી રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આજે પોઈન્ટ ટેબલમાં ટોપ-ટુમાં સ્થાન ધરાવતી દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. મુંબઈ હાલ ૧૧ મેચમાં ૧૦ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને તેમને પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કરવા માટે જીતની આદત પાડવી પડશે. દિલ્હી કેપિટલ્સે ચાલુ વર્ષે જોરદાર ફોર્મ બતાવ્યું છે અને તેઓ પ્લે ઓફમાં લગભગ નક્કી જેવા છે. દિલ્હીની મજબૂત ટીમ સામે જીતવા માટે મુંબઈ ઈન્ડિયન્સે લડાયક દેખાવ કરવો પડશે.

શારજાહના મેદાનમાં આજે ભારતીય સમય પ્રમાણે બપોરે ૩.૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. મુંબઈએ તેની આખરી મેચમાં પંજાબ કિંગ્સને છ વિકેટથી હરાવ્યું હતુ. જ્યારે દિલ્હી કેપિટલ્સનો કોલકાતા સામે સામે ત્રણ વિકેટથી પરાજય થયો હતો. આ સાથે દિલ્હીની સળંગ ચાર વિજયની કૂચ અટકી હતી. પંતની આગેવાની હેઠળની દિલ્હીની ટીમ હવે વળતો પ્રહાર કરતાં ફરી જીતની લયને હાંસલ કરવાની કોશીશ કરશે.

બીજી મેચ સળંગ ચાર વિજય સાથે પ્લે ઓફમાં સ્થાન મેળવી ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને આંચકો આપવાની તૈયારી રાજસ્થાન રોયલ્સે કરી લીધી છે. સેમસનની કેપ્ટન્સી હેઠળની રાજસ્થાનની ટીમના ૧૧ મેચમાં ૮ પોઈન્ટ છે અને તેમણે પ્લે ઓફની આશા જીવંત રાખવા માટે આવતીકાલે ચેન્નાઈને હરાવવું જરુરી છે. ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. તેઓ ૧૮ પોઈન્ટ સાથે પ્લે ઓફમાં નિશ્ચિત બની ચૂક્યા છે.

અબુ ધાબીમાં આવતીકાલે ભારતીય સમય પ્રમાણે સાંજે ૭.૩૦થી ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચેનો મુકાબલો ખેલાશે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને ટીમના ઓવરઓલ પર્ફોમન્સમાં સુધારાની આશા છે.

રાજસ્થાન સળંગ ત્રણ હારનો સામનો કરી ચૂક્યું છે. હવે આજની મેચમાં રાજસ્થાનના બેટ્સમેનો યશસ્વી જયસ્વાલ અને ઈરવિન લુઈસે ટીમને આક્રમક શરૃઆત અપાવવી પડશે. રાજસ્થાનના મીડલઓર્ડરમાં સામેલ મીલર, લિવિંગસ્ટન, પરાગ અને તેવટિયાએ પણ ટીમને જીતાડવા માટે કારકિર્દીનો યાદગાર દેખાવ કરવો જરુરી છે. સાઉથ આફ્રિકન ઓલરાઉન્ડર મોરિસ પણ ઝંઝાવાત સર્જી શકે છે. બોલિંગમાં કાર્તિક ત્યાગી, ચેતન સાકરિયા જાદુ ચલાવશે તેમ મનાય છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી